Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

મહેમદાવાદ:બાઈકની સીટ નીચે દેશી દારૂ સંતાડીને હેરાફેરી કરનાર શખ્સને પોલીસે માહિતીના આધારે ઝડપી પાડ્યો

મહેમદાવાદ:ઈલેક્ટ્રીક ગ્રીડ વિસ્તારમાંથી ખાત્રજ ચોકડી થઈ અમદાવાદ તરફ જતાં એક બાઈકની સીટ નીચે દેશી દારૂનો જથ્થો સંતાડી હેરાફેરી કરાતી હોવાની માહિતી કપડવંજ ડિવિઝન સ્ક્વોર્ડની ટીમને મળી હતી. જેથી પોલીસની ટીમ ગતરોજ બપોરના સમયે મહેમદાવાદ નજીક આવેલ સિધ્ધી વિનાયક મંદિર સામે રોડ પર વોચમાં ગોઠવાઈ હતી.

દરમિયાન પોણા એક વાગ્યાના અરસામાં લાલ કલરનું હિરો હોન્ડા પેશન બાઈક . જીજે-૦૧, સીએચ-૧૧૨૮ આવતાં પોલીસે તેને રોક્યું હતું. અને બાઈક ચાલક વિશાલભાઈ કાભઈભાઈ વાઘેલા (રહે.ઈલેક્ટ્રીક ગ્રીડની પાછળ,મહેમદાવાદ) તેમજ બાઈક પાછળ બેઠેલાં વિજયભાઈ ચંદુભાઈ સોઢાપરમાર (રહે.સાંઈબાબના મંદિર પાસે,મહેમદાવાદ)ની અટકાયત કરી હતી. ત્યારબાદ પોલીસે બાઈકની સીટ ઉપરનું કવર ઉતારી જોતાં સીટ કાપી બનાવેલા ખાનામાંથી કુલ ૧૮ લિટર દેશી દારૂ ભરેલી કોથળીઓ મળી આવી હતી. પોલીસે દેશી દારૂ કિંમત રૂ.૩૬૦ તેમજ બાઈક કિંમત રૂ.૧૨,૦૦૦ મળી કુલ રૂ.૧૨,૩૬૦નો મુદ્દામાલ જપ્ત કરી દારૂની હેરાફેરી કરતાં પકડાયેલા વિશાલભાઈ કાભઈભાઈ વાઘેલા અને વિજયભાઈ ચંદુભાઈ સોઢાપરમાર સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:58 pm IST)