Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

અમદાવાદ એસ.ટી. ડેપો દ્વારા 2325 એક્‍સપ્રેસ રૂટનો પ્રારંભઃ રસ્‍તામાંથી કોઇપણ પેસેન્‍જરને લેવામાં નહીં આવે

અમદાવાદ: આજે રાજ્યભરમાં અનલોક 2ની શરૂઆત કરાઈ છે. ત્યારે અમદાવાદમાં આજથી  ST બસ સેવામાં વધારો કરાયો છે. અમદાવાદમાં ડેપોથી 2325 એક્સપ્રેસ બસો શરૂ કરાઈ છે. ડેપોથી વધુ બસ દોડાવવાનો એસટી નિગમે નિર્ણય કર્યો છે. જોકે, રસ્તામાંથી કોઈ પેસેન્જર લેવામાં નહિ આવે. રાણીપ ડેપો પર ગન અને સેનેટાઇઝરની વ્યવસ્થા કરાઈ છે. અમદાવાદમાં રાણીપ, નરોડા અને નહેરુનગર ST ડેપોથી બસ ઉપડશે. ગીતા મંદિર ST ડેપો હજુ પણ બંધ રહેશે.

આજથી અમદાવાદથી 60 ટકા એક્સપ્રેસ બસો ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે દોડશે. એક્સપ્રેસ બસોનું એડવાન્સ બુકિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે. અનલોક-2 માં 5 લાખ મુસાફરો એસટી બસનો લાભ લેશે. દરેક બસમાં 30 પેસેન્જરની કેપિસિટી સાથે બસો ઉપડશે.

ઉલ્લેખનીય છે કે, અનલોક-2 ની આજથી શરૂઆત થાય તે પહેલા જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધનમાં સાવચેતી રાખવામાં કહ્યું હતું. ત્યારે ઝી 24 કલાકની ટીમે રિયાલિટી ચેક કરતા જાણ્યું કે, અનેક લોકો માસ્ક પહેરીને જ ઘરની બહાર નીકળી રહ્યા છે. રાણીપ એસટી ડેપો પર પણ આવતા મુસાફરો પણ માસ્ક પહેરીને આવી રહ્યાં છે.

(5:09 pm IST)