Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

દક્ષિણ ગુજરાતમાં ભારે અને બાકીના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાત ઉપર સરકયુલેશન છવાયુ અને અરબીસમુદ્રનો ભેજ આવી રહ્યો છે : પૂર્વોતર અને ઉત્તર ભારતમાં ભારે વરસાદની સંભાવના નથી, મધ્ય ભારતમાં ચોમાસુ સક્રીયઃ સ્કાયમેટ

નવી દિલ્હીઃ ગુજરાત ઉપર એક સાયકલોનીક સરકયુલેશન અને અરબીસમુદ્રના ભેજ આવી રહ્યા હોય દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે જયારે રાજયના બાકીના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વેધરની સંસ્થા સ્કાયમેટ દ્વારા કરવામાં આવી છે.

ચોમાસાની સિઝનના ચાર માસનો પ્રથમ મહિનો પૂર્ણ થયો છે. આજથી સિઝનનો બીજા મહિનાનો પ્રારંભ થયો છે. ગતમાસમાં દેશભરમાં વરસાદનું પ્રદર્શન સારૂ રહ્યું છે. સામાન્યથી ૨૦ ટકા વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ભારતમાં ૫ ટકા અને પૂર્વોતર ભારતમાં સામાન્યથી ૧૯ટકા વધુ વરસાદ નોંધાયો છે.

આગામી દિવસોમાં પૂર્વોતર ભારતમાં ચોમાસુ નબળુ પડી રહ્યું છે. વરસાદમાં ઘટાડો આવ્યો છે. ટ્રફ દક્ષિણ તરફ આવી ગઈ છે. ઝારખંડ અને છતિસગઢ ઉપરથી પસાર થઈ રહી છે.

પૂર્વોતર ભારતના સિકકીમ, હિમાલય, હિમાચલપ્રદેશ, આસામ, મેઘાલયમાં ભારે વરસાદ પડશે. જયારે મધ્ય ભારતમાં ઓરીસ્સા, છતિસગઢ, એમ.પી., મહારાષ્ટ્રમાં ચોમાસુ સક્રિય રહેશે.

જયારે દક્ષિણ ગુજરાત ઉપર એક સરકયુલેશન બનેલુ છે અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહયો છે. જેની અસરથી ગોવા, કોંકણ, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. બીજા ક્ષેત્રોમાં હળવાથી મધ્યમ તેમજ છતિસગઢ અને મધ્યપ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે.

ગ્વાલીયરમાં વાતાવરણ સુકુ રહેશે. દક્ષિણ- પૂર્વ રાજસ્થાનમાં આગામી બે દિવસ મધ્યમ વરસાદની આગાહી છે.

જયારે ઉત્તર ભારતના પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં અમુક જગ્યાએ વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ, ઉત્તર ભારતમાં હળવાથી મધ્યમ, ઉત્તર ભારતમાં હાલમાં ભારે વરસાદની શકયતા નથી. ૩ કે ૪ જુલાઈએ ઉત્તર ભારતમાં ચોમાસુ ફરી સક્રિય બનશે.

(1:11 pm IST)