Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ફુડ ડીલીવરી અને ટેકઅવે બિઝનેસમાં મોટુ ગાબડું

ગુજરાતીઓ કોરોના ભયને કારણે બહારનું ખાવાનું ટાળી રહયા છેઃ હોટલ-રેસ્ટોરન્ટ ધંધાની પથારી ફરી ગઇ : લોકડાઉન પહેલા રાજકોટમાં ૫૦ હજાર ફુડ પાર્સલ ડીલીવરી થતી હતીઃ હવે ઘટીને ૫ હજાર થઇ ગઇ છેઃ શેખર મહેતા : સાંજે ૭ સુધીનો સમય હોઇ હોટલમાં જમવા કોઇ જતુ નહિઃ હવે રાત્રે ૯નો સમય થતા કાંઇ ફેર પડે તેવી આશા

અમદાવાદઃ છેલ્લા ત્રણ અઠવાડિયાથી મોટાભાગની રેસ્ટોરાં અને ઈટરીઝ ખુલી ગઈ હોવા છતાં આવકમાં કોઈ વધારો જોવા મળી રહ્યો નથી. ગુજરાતના મોટાભાગના શહેરોમાં કોવિડ-૧૯ના કારણે ફૂડ ડિલિવરીની સંખ્યા પણ ઘટીછે.

લોકડાઉન પહેલા અમદાવાદમાં રોજ ૭૫ હજાર ફૂડ ડિલિવરી થતી હતી, જે હવે ઘટીને ફૂડ એન્ટરપ્રિન્યોર એલાયન્સના (FEA) અંદાજ પ્રમાણે ૪ હજાર થઈ ગઈ છે. સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં પણ આવી જ સ્થિતિછે.

કોરોના વાયરસ મહામારીના કારણે હવે લોકો બહારનું ખાવાનું ટાળી રહ્યા છે, જેના કારણે રેસ્ટોરાંના માલિકોને જબરદસ્ત ફટકો પડયો છે.

'લોકો બહારનું જમવામાં અચકાઈ રહ્યા છે જેના પરિણામરુપે ઓર્ડરનું પ્રમાણ નોંધપાત્ર રીતે નીચે ગયું છે. ટેકઅવે રેસ્ટોરાં આ બિઝનેસમાં   નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. લોકડાઉન પહેલા રોજ કુલ ઓર્ડરમાંથી ૨૦થી ૪૦ ટકા લોકો ટેકઅવે લેતા હતા જ્યારે બાકીના લોકો ડાઈન-ઈનની સેવાનો લાભ લેતા હતા', તેમ FEAના કો-ફાઉન્ડર શ્રી રોહિત ખન્નાએ જણાવ્યું.

રોહિત ખન્નાએ કહ્યું કે, 'હાલના સમયમાં મોટાભાગના રેસ્ટોરાંએ ડાઈન-ઈનની સુવિધા શરૂ કરી નથી. જો કે, ટેકઅવેઝ બિઝનેસમાં પણ વધારો ન થયો હોવાથી રેસ્ટોરાંના માલિકોને આવકની ભારે અછતનો સામનો કરવો પડી રહ્યો છે'

ઈન્ડસ્ટ્રીના અંદાજ મુજબ, એપ-બેઝ્ડ ફૂડ ડિલિવરી પ્લેટફોર્મના આવ્યા બાદ રાજ્યભરની રેસ્ટોરાં માટે ટેકઅવે બિઝનેસ માટેના ઓપ્શન વધ્યા છે. કેટલીક રેસ્ટોરાંએ તો ક્લાઉડ કિચન શરૂ કર્યા છે જે માત્ર ટેકઅવે બિઝનેસ મોડેલ પર ચાલે છે. 'લિમિડેટ ટેકઅવે ઓર્ડર્સના કારણે ઘણા કિચન-ક્લાઉડ આધારિત રેસ્ટોરાનું ભાવિ પણ અસ્પષ્ટ જોવા મળી રહ્યું છે', તેમ નામ ન જણાવવાની શરતે ઈન્ડસ્ટ્રીના એક નિષ્ણાતે જણાવ્યું હતું.

વડોદરાની વાત કરીએ તો, ત્યાં પણ ટેકઅવે ઓર્ડરમાં ૭૦ ટકાનો ઘટાડો થયો છે. 'લોકો અંદર બેસીને જમવાનું ટાળી રહ્યા છે જેના કારણે રેસ્ટોરાંઓ હવે ટેકઅવે ફૂડ દ્વારા બિઝનેસ કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ તેનાથી પણ કંઈ ફરક પડી રહ્યો નથી.' તેમ વડોદરા ફૂડ એન્ટરપ્રિન્યોરના પ્રમુખ શ્રી નિતિન નાણાવટીએ કહ્યું. જેમની પોતાની શહેરમાં ચાર રેસ્ટોરાં છે.

રાજકોટમાં પણ કંઈક આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. જ્યાં પહેલા દિવસ દરમિયાન રોજ ૫૦ હજાર ફૂડ ડિલિવરી થતી હતી જે હવે ઘટીને ૫ હજાર થઈ ગઈ છે. 'મોટાભાગનો બિઝનેસ સાંજ દરમિયાન થાય છે પરંતુ પ્રતિબંધના કારણે અમારે સાંજે ૭ વાગ્યે રેસ્ટોરાં ફરજિયાત બંધ કરી દેવી પડે છે.  શરૂઆતમાં ઓર્ડરના સંદર્ભમાં ૬૦ ટકા સાથે બિઝનેસ શરૂ થયો હતો. પરંતુ કોરોનાના કેસ વધતાં છેલ્લા એક અઠવાડિયામાં તેમાં ધરખમ ઘટાડો થયો છે.' તેમ રાજકોટ ફૂડ એન્ડ બેવરેજ અસોસિએશનના પ્રમુખ શ્રી શેખર મહેતાએ કહ્યું  જો કે હવે રાત્રે ૯ સુધી હોટલ-રેસ્ટોરન્ટ ખુલ્લા રાખી શકાશે એટલે બીઝનેશમાં ગતી આવવા સંભવ છે.

 એવી પણ ચર્ચા છે કે રાજકોટની કેટલીક વગદાર હોટલ-રેસ્ટોરન્ટમાં પુર્ણ લોકડાઉનમાં અને સાંજે ૭ સુધીના લોકડાઉનમાં પણ બીનદાસ્ત મોડે સુધી ''ઇન-હોટલ'' જમવાનું પુરૂ પાડવામાં આવતુ જયાં સોશ્યલ ડીસ્ટન્સની કોઇ પરવાહ નહોતી દેખાતી.

સુરતમાં રેસ્ટોરાં ધરાવતા શ્રી પરેશ પટેલે કહ્યું કે, 'કોવિડ-૧૯ પહેલા અમારો ટેકઅવે બિઝનેસ ખૂબ જ સારો ચાલી રહ્યો હતો. અમે રોજના ચાઈનીઝ, સાઉથ ઈન્ડિયન અને ગુજરાતી થાળીના ૨૦૦ પાર્સલ મોકલતા હતા. જે હવે ઘટીને ૩૦ થઈ ગયા છે. લોકોને ડર છે કે રેસ્ટોરાંમાંથી ફૂડ ઓર્ડર કરીને ક્યાંક તેઓ કોરોના વાયરસનો ભોગ ન બની જાય'.

(1:08 pm IST)