Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ટોપ ટુ બોટમ IPS બદલીઓ ન થવા પાછળનું રહસ્ય આવુ છે

આઇપીએસ કક્ષાએ બે દિવસમાં ફેરફાર ન થાય તો, નવાઇ ન પામશો તેવા અકિલાના અહેવાલને સમર્થન : અમદાવાદ રેન્જમાં રેગ્યુલર નિમણુંકને બદલે જેસીપી જે.આર.મોથલીયાને ચાર્જ અપાતા ગાંધીનગર તાકીદે ફેરફારના મુડમાં ન હોવાની બાબતની વિશેષ પુષ્ટી મળી

રાજકોટ, તા., ૧: ગત માસ અર્થાત જુન માસના અંત સુધીમાં આઇપીએસ કક્ષાના ટોપ ટુ બોટમ અધિકારીઓની બદલીઓની જોરદાર ચર્ચાઓ વચ્ચે અકિલાએ આવા ફેરફારો ન થાય તો નવાઇ ન પામશો તેવા ન્યુઝ સચોટ કારણો સાથે પ્રસિધ્ધ કરેલ તેને પુષ્ટી મળી છે. આની સાથોસાથ અમદાવાદ રેન્જ વડાની ખાલી પડેલ જગ્યાનો ચાર્જ જેમની પાસે હતો તેવા એસીબીના એડીશ્નલ ડાયરેકટર ડી.બી.વાઘેલા નિવૃત થતા, અમદાવાદ રેન્જ વડાનો ચાર્જ અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશ્નર જે.આર.મોથલીયાને  સુપ્રત કરાતા જ આઇપીએસ કક્ષાએ ફેરફારો કરવામાં સમય લાગશે તેવા તારણને વધુ પુષ્ટી મળી છે.

જામનગર એસપી  શરદ સિંઘલ સહીત ૧૩ જેટલા એસપીઓને બઢતી આપી ડીઆઇજી બનાવવા માટે એટલા જ પ્રમાણમાં ફેરફારો કરવા પડે. સ્થાનીક સ્વરાજયની ચુંટણીઓ, પેટા ચૂંટણીઓ અને હવે વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીઓ કેન્દ્રમાં રાખી આ ફેરફારો કરવાના હોવાથી જેઓને પોષ્ટીંગ આપવાના છે તેમની ક્ષમતા, સંબંધક  જીલ્લા કે શહેર સાથે તેની સુસંગતતા, કડકાઇ સાથે તમામને સાચવી શકે તેવી લાયકાત,  સંબંધક વિસ્તારમાં તેનું વર્ચસ્વ  તેની છબી વિગેરે બાબતોની ચકાસણી આવશ્યક છે. સાથોસાથ ચોક્કસ જીલ્લાઓમાં  દાવેદારો પણ એકથી વધુ છે.

તમામ ચૂંટણીઓ હોય એટલે સ્વભાવિક રીતે આઇબીનું મહત્વ વધી જાય, આ સ્થાન પર સરકારના અત્યંત વિશ્વાસુ હોય તેવુ કોઇ પણ પક્ષના શાસકો ઇચ્છે. આ સ્થાન માટે ૩ નામોમાંથી કોની પસંદગી કરવી તે પણ નક્કી નથી થતું. રેન્જની વાત કરીએ તો એસપી માફક અહીં પણ દાવેદારો વિશેષ છે.  કોની ભલામણ માન્ય રાખવી તે કોયડો છે.

જાણકારોના મતે આઇપીએસ બદલીઓના લીસ્ટને ફાઇનલ કરતા અગાઉ કેન્દ્રના અત્યંત વિશ્વાસુ કે.કે.અર્થાત કૈલાષનાથનજી અને ગૃહમંત્રી વચ્ચેની બેઠક  કોઇ પણ કારણસર મુલત્વી રહે છે. આ બેઠક ખુબ જ મહત્વની હોય છે તેવું જાણકારો માની રહયા છે. બીજુ હાલના પોલીસ વડા શિવાનંદ ઝા ચાલુ માસના અંતે નિવૃત થશે.  તેમને બીજુ એક્ષટેન્શન મળશે કે કેમ? તે વાત બાજુએ રાખીએ તો પણ ચાલુ માસના અંત સુધી મુખ્ય પોલીસ વડાના સ્થાને દાખલા તરીકે અમદાવાદના પોલીસ કમિશ્નરને મુકવાના હોય તો તે ફેરફાર પણ કેવી રીતે શકય બને. આ જ રીતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સ્પે. પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરને પોલીસ કમિશ્નર પદે નિમવા હોય તો પણ જયાં સુધી હાલના ડીજીપી નિવૃત ન થાય ત્યાં સુધી આખી ચેઇન આગળ ચાલી ન શકે, વિકલ્પે બે તબક્કે ઓર્ડરો બહાર પડે તો અલગ વાત છે.  રાજય પોલીસ તંત્રના અનુવીઓ હસતા-હસતા કહે છે કે અમારૂ મહતવ રેવન્યુ સ્ટાફ જેટલું  કયા છે?  કે અમારામાં રસ લઇ પ્રશ્નનો નિકાલ આવે.

(11:53 am IST)