Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

કાલથી વિધાનસભા સત્રઃ નીતિન પટેલ 'પટારો' ખોલશે

ફાયર સેફટી સહિતના વિધેયકોઃ ચકચારી પ્રકરણો અને પ્રજાના પ્રશ્નો સંદર્ભે કોંગ્રેસે બાંયો ચડાવી

ગાંધીનગર, તા. ૧ :. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આવતીકાલે મંગળવારથી પ્રારંભ થઈ રહ્યો છે. કાલે પ્રથમ દિવસે જ નાણાખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ બજેટ રજુ કરશે. તેઓ અગાઉ પણ એકથી વધુ વખત બજેટ રજુ કરી ચૂકયા છે. ફાયર સેફટી સહિતના કેટલાક ખરડાઓ ગૃહમાં રજુ થનાર છે. સુરતના ટયુશન કલાસની આગ, મગફળી કૌભાંડ, કાયદો વ્યવસ્થા, બેરોજગારી, પાણી વગેરે મુદ્દે કોંગ્રેસ આક્રમક મિજાજમાં દેખાય છે. કોંગ્રેસ-ભાજપ બન્ને પક્ષે ગૃહની શરૂઆત પહેલા રણનીતિનો ખ્યાલ આપવા પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આજે વિધાનસભાની કામકાજ સમિતિની બેઠક મળનાર છે.

સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં બજેટ રજુ થતુ હોય છે પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણીની આચારસંહિતા અસરકર્તા હોવાથી ૪ મહિનાનું લેખાનુદાન રજુ કરવામાં આવેલ. આવતીકાલે બાકીના ૮ મહિનાને ધ્યાને રાખી પૂર્ણ બજેટ રજુ કરવામાં આવશે. જેમાં દિવ્યાંગોને પેન્શન સહિતની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે. નજીકના ભવિષ્યમાં કોઈ ચૂંટણી નથી તેથી સરકાર કેટલોક કરબોજ ઝીંકે તો નવાઈ નહિ. ખેડૂતો માટે કોઈ નવી જોગવાઈ કરવામાં આવે તેવી સંભાવના છે. જંત્રી વધારાની વાતો પણ સંભળાઈ રહી છે.

લોકસભાની ચૂંટણી પછી પ્રથમ વખત બજેટ સત્ર મળી રહ્યુ છે. જ્વલંત વિજયથી ભાજપ ખુશખુશાલ છે. કોંગ્રેસ નિરાશા ખંખેરીને મજબુત વિપક્ષ તરીકે સરકારને ભીડવવા માગે છે. વિધાનસભા સત્ર ૨૫ જુલાઈ સુધી ચાલનાર છે. જેમાં પ્રથમ દિવસથી જ કોંગ્રેસ આક્રમક મિજાજ અપનાવવા માગે છે. કાલના બજેટની સંભવિત જાહેરાતોએ ઉત્કંઠા જગાવી છે.

(11:58 am IST)