Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

ખાનગી વીજ કંપનીઓએ અંધાધૂંધ બીલ ફટકારતા લોકોમાં ભારે રોષ ફેલાયો સુરતના ઉધના બાદ વરાછા અને કતારગામના રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું

વીજ કંપનીના કર્મચારીઓ મીટર રિડિંગ માટે ગયા નથી તેમણે લમસમ બિલ પકડાવી દીધું

સુરત : ઉધના વિસ્તાર બાદ વરાછાના એકે રોડ, ફૂલપાડા અને કતારગામના રહિશો દ્વારા વીજ બિલનો વિરોધ કરવામાં આવ્યો છે. સોસયટીઓમાં તોતિંગ વીજ બિલ આવ્યા હોવાના આક્ષેપ લોકો કરી રહ્યા છે. વીજ બિલ વધુ આવતા લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે વીજ બિલ માફ કરવાનાં બદલે કંપની દ્વારા વધારે વસુલી કરવામાં આવી રહી છે. ખાનગી કંપનીઓ આવા સમયમાં પણ ક્રૂર મજાક કરી રહી છે.

બીજી તરફ અધિકારીઓનો દાવો છે કે, સામાન્ય દિવસો કરતા આ દિવસોમાં વીજ વપરાશ વધારે રહે છે. લોકડાઉનનાં કારણે તમામ લોકો ઘરે હોય છે. જેથી ઘરમાં રહેલા તમામ એપ્લાઇન્સિસ ઉપયોગમાં રહે છે. પંખા, એસી, ટીવી, લાઇટ સહિતનાં તમામ સાધનો ઉપયોગમાં રહે છે. જેના કારણે વીજ વપરાશમાં વધારો થાય છે.

જો કે ગ્રાહકોનો દાવો છે કે, વીજ બિલ કોઇ પ્રકારનાં રીડિંગ વગર ફટકાર્યા છે. કોરોનાને કારણે વીજ કંપનીના કર્મચારીઓ મીટર રિડિંગ માટે ગયા નથી તેમણે લમસમ બિલ પકડાવી દીધું છે. તેવામાં બીલ ઓછું રાખવાનાં બદલે ડોઢુ કે બમણું ફટકારી દીધુ છે. આવા લોકડાઉનનાં સમયમાં પણ આ ખાનગી વીજ કંપનીઓ શોષણ કરવાના પ્રયાસો કરે છે. ધંધા રોજગાર બંધ હોવાનાં કારણે પહેલાથી જ આર્થિક સંકટ ભોગવી રહેલા લોકોને વીજ બિલ રૂપી વધારાનો માર પડ્યો છે. આ ઉપરાંત બિલ નહી ભરવાની સ્થિતીમાં કનેક્શન કાપવાની ધમકીઓ પણ ઉચ્ચારામાં આવી રહી છે.

(11:33 pm IST)