Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

સિદ્ધપુરના ગાંગલાસણ રોડ પર ઓઇલ મિલમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા:11 નબીરાઓની 84400ના મુદામાલ સાથે ધરપકડ

સિદ્ધપુર: તાલુકાના  ગાંગલાસણ રોડ પર આવેલ એક ઓઈલ મિલમાં કેટલાક ઈસમો ભેગા મળી ગંજીપાનાથી તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા પોલીસે રેડ દરમિયાન ૧૧ નબીરાઓને રૃ.૮૪૪૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. તેમજ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સિદ્ધપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાનમાં સિદ્ધપુર ગાંગલાસણ રોડ પર આવેલ દિનેશ ઓઈલ મિલના કમ્પાઉન્ડમાં કેટલાક ઈસમો જુગાર રમી રમાડતા હોવાની સિદ્ધપુર પોલીસને બાતમી મળતા સિદ્ધપુર પોલીસની ટીમ દ્વારા તે જગ્યા પર રેડ પાડવામાં આવી હતી. જ્યાં તે જગ્યામાં આ ઈસમો ગોળ કુંડાળું કરી તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા હતા. સિદ્ધપુર પોલીસે ૧૧ જેટલા ઈસમોને કોર્ડન કરી જુગાર રમતાની સ્થિતિમાં ઝડપી પાડયા હતા. તેમજ આ ૧૧ ઈસમો પર કાયદેસરની કાર્યવાહી કરી તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે હાલમાં કોરોના વાયરસે મહામારી ફેલાઈ છે ત્યારે આ ૧૧ ઈસમો ટોળું ભેગુ કરી લોકોના સ્વાસ્થ્યમાં ચેપીરોગ કોરોના વાયરસ ફેલાય તેવી બેદરકારી રાખી સરકારી જાહેરનામાનો ભંગ કરતા પોલીસે બીજી ફરિયાદ પણ દાખલ કરવામાં આવતા તેમની તપાસ પીઆઈ વી.એન.મહિડા ચલાવી રહ્યા છે.

(6:29 pm IST)