Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

નવા સત્રમાં શાળા સંચાલકો કોરોનાના નામે વધુ ફી લેશે

સ્કૂલો ખૂલશે તો ફી વધશે : બાળકોની સુરક્ષાના નામે વાલીઓ ઉપર શાળા સંચાલકો દ્વારા ફીનો મોટો બોજો ઝીંકવામાં આવે તેવી સંભાવના

અમદાવાદ, તા. ૩૧ : એક તરફ લોકડાઉનને કારણે મોટાભાગના ધંધા-ઉદ્યોગોની કમર તૂટી ગઈ છે તો બીજી તરફ રાજ્યમાં સ્કૂલોની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી ફી સિવાય માસ્ક, સેનિટાઈઝરનો ખર્ચ પણ વાલીઓ પાસેથી વસૂલ કરવામાં આવે તેવી રજૂઆત સંચાલકો દ્વારા કરવામાં આવી છે. નોંધનીય છે કે, સરકારી ગાઈડલાઇન પ્રમાણે આગામી જૂલાઈ માસથી શાળાઓ શરૂ કરવામાં આવી શકે છે. શાળાના સંચાલકોની ગણતરી પ્રમાણે એક બાળક દીઠ મહિને ૩૦૦થી ૫૦૦ રૂપિયાનો ખર્ચ કરવો પડી શકે છે. માટે શાળાઓએ હવે સેનિટાઈઝ ટનલ, બિલ્ડિંગ સેનિટાઈઝ મશીન, થર્મલ ગન, માસ્કની ખરીદી આરંભી દીધી છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૨૦-૨૧માં વર્ષમાં સરકારે સ્કૂલોને ફીમાં વધારો ન કરવાના આદેશ આપ્યા છે. તો ગત શૈક્ષણિક સત્રની પણ ફી ઘણા વાલીઓએ ભરી નથી ત્યારે આવી સ્થિતિમાં લોકડાઉન બાદ શાળાઓ ફરી ધમધમતી થાય તો શાળા સંચાલકો દ્વારા મોટો ખર્ચ કરવો પડી શકે છે.

          ત્યારે કેટલાક સંચાલકોના મોઢે એવી વાતો પણ ચર્ચાઇ રહી છે કે, સરકારની ગાઈડલાઇન પ્રમાણે અમારે તમામ નિયમોનું પાલન કરવાનું આવે તો આ વધારાનો ખર્ચ વાલીઓ પાસેથી જ વસૂલવો પડશે. જો કે, એ વાત નક્કી નથી કે કેટલો ખર્ચ વસૂલવામાં આવી શકે છે. એક શાળાના સંચાલકના જણાવ્યા પ્રમાણે, સરકાર દ્વારા આપવામાં આવેલ સોશિયલ ડિસ્ટન્સિંગના આદેશ પ્રમાણે જો એક જ શિક્ષકે વધારે ક્લાસ લેવાના થાય તો તેમને પણ વધારાના ક્લાસ દીઠ રકમ  ચૂકવવી પડે અને એટલે શિક્ષકના પગાર ધોરણને લઈને પણ નિર્ણય લેવો પડશે.

(9:46 pm IST)