Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમીત ચાવડાની અધ્‍યક્ષતામાં રાજ્યના તમામ જિલ્લાઓના આગેવાનો સાથે વન ટુ વન બેઠકોનો દોરઃ સંગઠનને વધુ મજબુત બનાવવા કવાયત

અમદાવાદઃ પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યમાં કોંગ્રેસનું સંગઠન વધુ મજબુત બનાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની અધ્યક્ષતામાં દિવસભર રાજ્યના તમામ જિલ્લાઓના આગેવાનો સાથે વન ટુ વન બેઠકોનો દોર ચાલ્યો હતો.

કૉંગ્રેસ અધ્યક્ષ સાથેની બેઠકમાં જિલ્લા ભરના આગેવાનો સાથેના સંવાદમાં ખાસ કરીને જનમિત્રની નિમણૂંક અંગેનો મુદ્દો બહાર આવ્યો હતો. રાજ્યમાં હજુ માંડ 30 ટકા જેટલા જનમિત્રોની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે, બાકી 70 ટકા જેટલી નિમણૂંકની કામગીરી જલ્દી આટોપી લેવા સૂચના આપવામાં આવી હતી. પરંતું, જિલ્લાના આગેવાનોએ જનમિત્ર બનવા કોઇ રાજી ન હોવાનો સૂર પણ વ્યક્ત કર્યો હતો.

પ્રદેશ અને જિલ્લા તાલુકાના સંગઠનમાં હવે ટૂંક સમયમાં બદલાવ આવી શકે છે. સંગઠનની પુનઃ રચના કરવાની કામગીરી કરવા અને સક્રિય કરવા પણ પ્રદેશકક્ષાથી ભલામણ કરવામાં આવી હતી. આ ઉપરાંત તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ- ઉપ પ્રમુખોના રોટેશન મુજબ બદલવા હોવાથી તે અંગે પણ દરેક જિલ્લા કક્ષાથી અહેવાલ મેળવાયા હતા. જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ- ઉપ પ્રમુખ તેમજ અન્ય પદો પર કોઇ ગરબડ ન થાય તેનું ધ્યાન રાખવા પણ તાકીદ કરવામાં આવી હતી.

કૉંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર મળેલી વન ટુ વન બેઠકોમાં સંગઠનની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લાના આગેવાનોએ સંગઠનમાં કેવા પ્રકારના ફેરફાર કરવા જોઇએ તેમજ ખામીઓ દુર કરવા અંગે સૂચન પણ આપવામાં આવ્યા હતા. સ્થાનિક સ્તરે જ્ઞાતિ ફેક્ટરને ધ્યાનમાં રાખીને નિમણૂંક કરવા પણ સૂચન કરવામાં આવ્યું હતું.

જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીની અઢી વર્ષની મુદ્દત પુર્ણ થઇ ગઇ છે. રોટેશન પ્રમાણે હવે ફરીથી પ્રમુખ- ઉપ પ્રમુખોની ચૂંટણી કરવાની થશે. રાજ્યમાં ખાસ કરીને જિલ્લા તાલુકા પંચાયતોમાં કૉંગ્રેસનો કબજો છે. ત્યારે, સ્થાનિક સ્તરે તાલુકા જિલ્લામાં પ્રમુખ ઉપ પ્રમુખની પસંદગીમાં કોઇ ગરબડ ન થાય તેમજ જો કંઇ થાય તો, તેનું સ્થાનિક કક્ષાએ જલ્દી ડેમેજ કંટ્રોલ કરવા ભલામણ કરવામાં આવી હતી.

કૉંગ્રેસમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ નવો સંચાર થયો છે. હાર મળી હોવા છતાં કૉંગ્રેસનો આત્મવિશ્વાસ વધ્યો છે. તેના કારણે, હાલમાં કોંગ્રેસ લોકસભામાં પોતાનો દેખાવ મજબુત કરવા પ્રયાસ કરી રહ્યું છે. અમિત ચાવડા અને પરેશ ધાનાણી કૉંગ્રેસના માળખાને ફરીથી બેઠુ કરવાના પ્રયાસમાં લાગી ગયા છે. ત્યારે, હવે ટૂંક સમયમાં કૉંગ્રેસ સંગઠનનું નવું માળખું પણ રચાઇ નવા ચહેરાને સ્થાન મળે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે.

તો બીજી તરફ ભાજપમાં પણ લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. તાજેતરમાં મળેસી ભાજપ કૉર કમિટીની બેઠકમાં ચૂંટણીલક્ષી રણનીતિની પણ ચર્ચા કરવામાં આવી હતી.

(6:28 pm IST)