Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

અમદાવાદના સાંડેસરા ગ્રુપ સામે બેંક લોન કૌભાંડનો આરોપઃ ઇડી દ્વારા ૪૭૦૦ કરોડની સંપત્તિ જપ્ત

નવી દિલ્હીઃ બેંકિંગ કૌભાંડનો વધુ એક કિસ્સો સામે આવતાં એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ હરકતમાં આવ્યું છે. કથિત 5000 કરોડના આ કૌભાંડમાં ઇડીએ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં નેટવર્ક ધરાવતા સાંડેસરા ગ્રુપ સામે કાર્યવાહીનો કોરડો વીંઝ્યો છે. ઇડીએ કાર્યવાહી કરતાં સાંડેસરા ગ્રુપની 4700 કરોડની સંપત્તિ સીઝ કરી છે. જપ્ત કરાયેલી સંપત્તિ વડોદરા, અમદાવાદ અને મુંબઇમાં હોવાનું સામે આવ્યું છે. જાણકારોના મતે સાંડેસરા ગ્રુપની જપ્ત કરાયેલી સંપત્તિમાં 4000 એકર જમીન સહિતની પ્રોપર્ટી છે. કહેવાય છે કે સાંડેસરા ગ્રુપના માલિક કોંગ્રેસ નેતા અહેમદ પટેલ સાથે વધુ નિકટતા ધરાવે છે. 

સાંડેસરા ગ્રુપ પર 300 ખોટી કંપનીઓ બનાવી લોન લઇને કૌભાંડ કરવાનો આરોપ છે. ગ્રુપ પર આરોપ છે કે, આંધ્ર બેંક, યૂકો બેંક, એસબીઆઇ, બેંક ઓફ ઇન્ડિયા અને અલ્હાબાદ બેંકમાંથી ખોટી રીતે લોન લીધી હતી. લોનના પૈસે શાનદાર બંગલા અને અન્ય સંપત્તિ બનાવી હતી. 

ઇડીએ કાર્યવાહી દરમિયાન રેન્જ રોવર જેવી મોંઘી કારનો કાફલો જપ્ત કર્યો છે. 200થી વધુ બેંક ખાતાઓ અને ચેકબુક જપ્ત કરવામાં આવી છે. ઉપરાંત દેશના વિવિધ સ્થાનો પર અંદાજે 50થી વધુ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે. 

(6:25 pm IST)