Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

પેટા ચૂંટણીના પરિણામ બાદ ગમ ભૂલાવવા ઉજવણીને બદલે થિયેટર બુક કરાવી ૧૦૦ ભાજપ કોર્પોરેટરોએ ફિલ્‍મ નિહાળી

ખાનપુર ખાતે જશ્‍ન મનાવવાનો કાર્યક્રમ હતો પણ રદ કરવો પડયો

અમદાવાદ : કોઇપણ રાજયની ચૂંટણીમાં ભાજપ જીતે એટલે ખાનપુર સ્‍થિત ભાજપ કાર્યાલય ખાતે જશ્‍નનો માહોલ હોય છે. કોર્પોરેટરો માટે જશ્‍ન એ શકિત પ્રદર્શન છે. ફટાકડા ફોડે છે અને છૂટા પડે છે. ગઇકાલે સવારથી જ કોર્પોરેટરોએ ખાનપુર કાર્યાલયે જશ્‍ન મનાવવાની તૈયારી કરી હતી પણ બપોરે ચાર લોકસભા અને ૧૦ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપી તરફેણમાં પરિણામો આવ્‍યા ન હતા જેથી ભાજપના ૧૦૦ જેટલા કોર્પોરેટરો અને કાર્યકરો ગમ ભૂલાવવા એસજી હાઇવેની એક થિયેટર બુક કરાવી ફિલ્‍મ નિહાળી હતી.

સુત્રો એવું કહે છે કે, પેટા ચૂંટણીમાં જીતે તો તમામ કાર્યકરો અને કોર્પોરેટરોએ ખાનપુર કાર્યાલયે આવી જવું તેવી સુચના હતી પણ પરિણામો ભાજપ તરફી હતા નહીં જેથી તાકીદે તમામ કોર્પોરેટરો અને કાર્યકરો ફિલ્‍મ જોવા જતાં રહ્યા હતા તે કાર્યક્રમ પહેલેથી ફિકસ ન હતો.

ભાજપના એક કોર્પોરેટરે નામ ન આપવાની શરતે ખુલાસો કર્યો હતો કે, પેટાચૂંટણીના પરિણામો અને ફિલ્‍મ જોવા જવાને કોઇ સબંધ નથી. તત્‍કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના વખતમાં અણુ પરીક્ષણ કરાયું હતું તેની પૃષ્‍ઠભૂમિ ઉપર બોલીવુડની ફિલ્‍મ આવી છે. પ્રદેશના નેતાઓ દ્વારા સ્‍પષ્‍ટ સુચના હતી કે, આ ફિલ્‍મ બધા કોર્પોરેટરો અને કાર્યકરોએ જોવી તેથી તમામ લોકોએ ભેગા  મળી ફિલ્‍મ જોવાનો કાર્યક્રમ રાખ્‍યો હતો પહેલેથી ફિકસ ન હતો પણ તમામની અનુકુળતા હતી જેથી ફિલ્‍મ જોવા ગયા....!!

(12:19 pm IST)