Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

૧૯૯૨ મુંબઇ બ્લાસ્ટના આરોપી અહેમદ લંબૂની ગુજરાત ATS દ્વારા ધરપકડ

અહેમદ દાઉદનો ખૂબ જ નજીકનો સાથી છે

અમદાવાદ તા. ૧ : ૧૯૯૨ મુંબઈ બ્લાસ્ટનો મોસ્ટ વોન્ટેડ આરોપી અહેમદ મોહમ્મદ લંબૂની ગુજરાત એટીએસએ દ્વારા ધરપકડ કરી છે. લંબુની ધરપકડ માટે સીબીઆઈએ લુક-આઉટ અને ઇન્ટરપોલ નોટિસ જાહેર કરી હતી. આ સાથે અહેમદ લંબુ અંગે જાણકારી આપનારને પાંચ લાખ રૂપિયાના ઇનામની પણ જાહેરાત કરવામાં આવી હતી. અહેમદ લંબૂ દાઉદનો ખૂબ જ નજીકનો સાથી છે.

મળતી માહિતી મુજબ વલસાડ અને વાપીની વચ્ચે દરિયા કિનારે ગુજરાત એટીએસ થોડા સમયથી એક સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. ગુરૂવારે રાત્રે આ ઓપરેશન અંતર્ગત તપાસ કરાઇ હતી. તે દરમિયાન એટીએસને મોટી સફળતા મળી હતી અને ૧૯૯૨ના મુંબઈ બ્લાસ્ટના આરોપીને પકડવામાં આવ્યો હતો. અહેમદ લંબૂ પર ૧૯૯૨ બ્લાસ્ટનું કાવતરૃં ઘડવાનો અને હથિયારો પૂરા પાડવાનો આરોપ છે. બોમ્બ બ્લાસ્ટ પછી લંબૂને ભગાડવામાં ડોસાએ મદદ કરી હતી. ત્યારથી તેની શોધખોળ કરવામાં આવી રહી હતી.

ઉલ્લેખનીય છે કે ૧૨ માર્ચ, ૧૯૯૨ના રોજ મુંબઇમાં થયેલા શ્રેણીબદ્ઘ બ્લાસ્ટમાં ૨૫૭ લોકોનાં મોત થયાં હતાં. મુંબઇમાં ઉપરાછાપરી એક પછી એક એમ ૧૨ પ્રચંડ બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટમાં ૭૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ કેસ કોર્ટમાં ચાલી જતા ગયા વર્ષે સીરિયલ બોંબ બ્લાસ્ટના દોષિતોને સજા સંભળાવવામાં આવી હતી. અબુ સાલેમને આજીવન કેદની સજા સંભળાવમાં આવી છે અને સાથે બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

જયારે તેના સાગરીત કરીમુલ્લાહ ખાનને પણ આજીવન સજા અને ૨ લાખનો દંડ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. રિયાઝ સિદ્દીકીને ૧૦ વર્ષની સજા કોર્ટે સંભળાવી હતી. તાહિર મર્ચન્ટ અને ફિરોઝ ખાનને ફાંસીની સજા સંભળાવામાં આવી હતી. આ કેસમાં એક આરોપી અબ્દુલ કયૂમને મુકત કરવામાં આવ્યો હતો. તેમજ મુસ્તફા ડોસાનું ૨૮ જૂન, ૨૦૧૭ના રોજ હાર્ટઅટેકથી મોત થયું હતું.

(5:01 pm IST)