Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

કચ્‍છની રામબાગ હોસ્‍પિટલના તબીબ (મેડીકલ ઓફીસરને) રૂા.૧૫૦૦ની લાંચ લેવાના કેસમાં ચાર વર્ષની સજા અને ૨૦ હજારના દંડનો ગાંધીધામ સેશન્‍સ અદાલતે હુકમ કરતા સન્‍નાટોઃ સરકારી તબીબને સજા થયાની પ્રથમ ઘટનાઃ પંચમહાલના જીલ્લાના સર્કલ ઓફીસરને સાત વર્ષની કેદની સજા તથા રૂા.૧૦,૦૦૦ નો દંડ ફટકારાયોઃ લાંચિયાઓને અદાલતમાં પણ સજા કરવવાનું એસીબી વડા કેશવકુમારનુ અભિયાન આગળ વધ્‍યું

રાજકોટઃ  કચ્‍છની રામબાગ હોસિપટલમાં તબીબ (મેડીકલ ઓફીસરને) રૂા.૧૫૦૦ની લાંચ લેવાના કેસમાં ચાર વર્ષની સજા અને ૨૦ હજારનો દંડ ગાંધીધામ સેશન્‍સ અદાલતે હુકમ કરતા સન્‍નાટો મચી ગયો છે સરકારી તબીબને સજા થયાની  આ  પ્રથમ ઘટના હોવાનુ જાણકારો માની રહ્યા છે.

ઉક્‍ત હોસ્‍પિટલના મેડીકલ ઓફીસર છોટેલાલ છંગારામ જોનલાવ, મેડીકલ ઓફીસર, રામબાગ હોસ્‍પિટલ, ભુજ, વર્ગ-૨ વિરૂધ્‍ધ રૂા.૧૫૦૦ની લાંચ લેવા અંગે વિવિધ કલમો હેઠળ કચ્‍છ (પૂર્વ) ગાંધીધામ એ.સી.બી. પો.સ્‍ટે, ગાંધીધામ ખાતે ગુ.ર.નં.૦૯-૨૦૦૬ થી ગુનો નોંધાયેલ હતો.

જે ગુનાના કામે (સ્‍પે.એ.સી.બી)કેસ નં.૭-૨૦૦૭)ના કામે આરોપી વિરૂધ્‍ધ કેસ ચાલી જતાં ગાંધીધામના ત્રીજા એડીશનલ સેશન્‍સ જજ શ્રી ડી.આર.ભટ્ટે આરોપી છોટેલાલ છંગારામ જોનલાવ, મેડીકલ ઓફીસર, રામબાગ હોસ્‍પિટલ, ગાંધીધામ વર્ગ-૨ નાઓને ભ્રષ્‍ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ની કલમ-૭ હેઠળ ચાર વર્ષની કેદ અને ૨૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તથા ભ્ર.નિ.અધિ.૧૯૮૮ની કલમ-૧૩ (૧)(ધ) તથા ૧૩ (૨) હેઠળ પણ ચાર વર્ષની કેદ અને ૨૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આજ રીતે પંચમહાલ જીલ્લાના સર્કલ ઓફીસર આરોપી કિરણકુમાર કનૈયાલાલ સુથાર વિરૂધ્‍ધ કેસ ચાલી જતાં મહિસાગર સેશન્‍સ કોર્ટે કિરણકુમાર કનૈયાલાલ સુથાર, સર્કલ ઓફીસરને સાત વર્ષની કેદની સજા તેમજ રૂા.૧૦,૦૦૦ ના રોકડ દંડની સજા ફરમાવેલ છે. આમ એસીબીએ હવે ફકત લાંચિયાઓ સામે ગુન્‍હા દાખલ કરી સંતોષ માનવાને બદલે અદાલતમાં તેઓને સજા થાય તે માટે એસીબી વડા કેશવકુમારે ઉપાડેલ અભિયાનને સફળતા સાંપડી રહી છે.

 

(9:37 pm IST)