Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

બાંગ્લાદેશના રેમડેસીવીર ઇન્જેક્શનના કાળાબજાર કરવા આવેલો શખ્સ અમદાવાદમાં રંગેહાથ ઝડપાયો

ચાંદખેડા તપોવન સર્કલ પાસે આરોપીને 2.90 લાખના 58 નંગ ઇન્જેક્શન સાથે પકડી લીધો

અમદાવાદ : ચાંદખેડા તપોવન સર્કલ પાસે બાંગ્લાદેશના રેમડેસીવીર ઇન્જેક્શન બ્લેકમાં એટલે કે 5 હજાર માં વેચાણ કરવા આવેલો શખ્સ શનિવારે મોડી સાંજે પકડાયો હતો. શહેરના ડીસીપી વિજય પટેલના સ્ક્વોડ આરોપીને 2.90 લાખના 58 નંગ ઇન્જેક્શન સાથે પકડી પાડ્યો હતો.

આ અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ચાંદખેડા તપોવન સર્કલ પાસે કોઈ શખ્સ બાંગ્લાદેશના રેમડેસીવીર ઇન્જેક્શન બ્લેકમાં વેચાણ કરવાના હોવાની માહિતી પોલીસને મળી હતી. આ અંગે ઝોન 2 ના ડીસીપી વિજય પટેલને જાણ થતાં તેમને વોચ રખાવી રાહુલ પ્રવીણ પટેલ ( ઉં.31, રહે.આશ્રય સિરિન, ચાંદખેડા)ને પકડી પાડ્યો હતો. તેની પાસેથી 58 નંગ બાંગ્લાદેશના રેમડેસીવીર ઇન્જેક્શન કબ્જે કર્યા હતા.

ઇન્જેક્શન પર પ્રતિબંધ હોવા છતાં બ્લેકમાં વેચાણ કરતાં હતાં. આરોપીઓ બાંગ્લાદેશના રેમડેસીવીર ઇન્જેક્શન 5 હજાર માં વેચાણ કરતા હતા. આ બાંગ્લાદેશના રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો મિત્ર રાહુલ દુષ્યંત ઝવેરી (રહે. નક્ષત્ર એપાર્ટમેન્ટ, પાલડી) પાસેથી લાવ્યા હતા અને ગઈ કાલે જ આ જથ્થો લાવ્યા હતા. આ ઝોન 2 ડીસીપીના સ્કવૉડે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:23 pm IST)