Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

કેમ ધો.૧૦ની બોર્ડ પરીક્ષા સરકાર રદ્દ નથી કરતી ?

વટ પર આવી છે વાત? : વિદ્યાર્થીઓએ કહ્યું પરીક્ષાનો ડર નથી આ માહોલમાં ઘરની બહાર જતાં બીક લાગે છે એટલે પરીક્ષા રદ્દ કરવી જોઈએ

અમદાવાદ,તા.૧ : છેલ્લા થોડા દિવસોમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો આવતાં રાજ્ય સરકારે પબ્લિક હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પાટા પર ચડાવા માટે પ્રયત્નો વર્ધાયા છે. આ કપરા સમયમાં ગુજરાતના શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે ધોરણ ૧૦માં ૧૨ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. એક તરફ સેન્ટ્રેલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા દસમાના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે ત્યારે રાજ્ય સરકાર આનાથી વિપરીત વર્તી રહી છે.

પીએમ નરેન્દ્ર મોદી સાથે કેંદ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે દેશમાં કોવિડ-૧૯ની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. પોખરિયાલના આદેશ બાદ સીબીએસઈ બોર્ડે ૨૦૨૧માં યોજાનારી ધોરણ ૧૦ની પરીક્ષા રદ્દ કરી હતી અને ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ માટે મોકૂફ રાખી હતી. ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે કહ્યું, જીએસએચએસઈબી દ્વારા લેવાનારી ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા રદ્દ કરવા માટે અમે વારંવાર ગુજરાત સરકાર સમક્ષ રજૂઆતો કરી છે.

આવા સમયગાળામાં પરીક્ષા યોજાશે તો લાખો વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાના જીવ સામે જોખમ ઊભું થશે. આજ ૧૮થી ઉપરની વયના નાગરિકો માટે રસીકરણની પ્રક્રિયા શરૂ થઈ છે. અગાઉ માત્ર ૪૫ વર્ષથી ઉપરના લોકો અને ફ્રંટલાઈન વર્કર્સને કોવિડ-૧૯ની રસી આપવામાં આવતી હતી. કેટલાક સરકારી અધિકારીઓએ ધોરણ ૧૦ બાદ ડિપ્લોમા અથવા સર્ટિફિકેટ કોર્સ કરવા માગતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પણ પ્રશ્ન ઉઠાવ્યા છે.

કેંદ્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે, સીબીએસઈ બોર્ડના ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન ઓબ્જેક્ટિવ માપદંડને આધારે થશે. આ જ બાબત ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે લાગુ કરી શકાય છે, તેમ સરકારી અધિકારીએ કહ્યું. સરકારી સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આ સમસ્યા કેટલાક અધિકારીઓ માટે વટની વાત થઈ ગઈ છે.

આ અધિકારીઓએ અત્યાર સુધી પોતાના ઉપરીઓને આગ્રહપૂર્વક કહ્યું હતું કે પરીક્ષાઓ યોજાવી  જોઈએ અને હવે તેઓ પોતાની વાત પરથી ફરવા માગતા નથી. ધોરણ ૧૦ની પરીક્ષા રદ્દ થવી જોઈએ કે નહીં તે અંગે વિદ્યાર્થીઓએ પણ પોતાનો અભિપ્રાય રજૂ કર્યો છે. ડિવાઈન લાઈફ સ્કૂલના દસમાના વિદ્યાર્થી નિમિત દેસાઈએ કહ્યું, હાલની પરિસ્થિતિને જોતાં તો સરકારે બોર્ડની પરીક્ષા રદ્દ જ કરી દેવી જોઈએ. પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા જુઓ અને તેની સામે તોળાઈ રહેલા જોખમ વિશે વિચારો. વિદ્યાર્થીઓ સુપરસ્પ્રેડર બની શકે છે.

જો સરકાર પરીક્ષા રદ્દ કરીને માસ પ્રમોશન આપી દે તો અમે આગામી ધોરણની તૈયારી કરી શકીએ છીએ.  માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલમાં દસમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની વિહા દેસાઈએ કહ્યું, ગુજરાતની પરિસ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. પરીક્ષા વારંવાર પાછી ઠેલવાથી વિદ્યાર્થીઓમાં તણાવ ઓર વધે છે. અમારી સ્કૂલના શિક્ષકોએ અમને પરીક્ષા માટે સારી રીતે તૈયાર કર્યા છે.

હું એપ્રિલ ૨૦૨૦થી બોર્ડની પરીક્ષા માટે તૈયારી કરી રહી છું અને મેં મારી એકમ કસોટી અને પ્રી-બોર્ડ એક્ઝામમાં સારો દેખાવ કર્યો હતો. હું પરીક્ષા આપવાથી ડરતી નથી પરંતુ આ સ્થિતિમાં ઘરની બહાર નીકળવાની બીક લાગે છે. જૂન મહિનાની ભારે ગરમીમાં બે માસ્ક પહેરીને પરીક્ષા આપવાની અપેક્ષા ૧૫ વર્ષના વિદ્યાર્થી પાસેથી કોઈ કેવી રીતે રાખી શકે? સંત કબીર સ્કૂલમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની વિશ્વા પટેલે કહ્યું, બોર્ડની પરીક્ષા ઓફલાઈન ના યોજાવી જોઈએ કારણકે હાલ સ્વાસ્થ્ય વધુ અગત્યનું છે.

એક જ પરીક્ષા ખંડમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થાય ત્યારે રિસ્ક પણ વધી શકે છે. બધી જ સ્કૂલોએ પ્રી-બોર્ડ એક્ઝામ લીધેલી છે માટે આ પરીક્ષાઓને આધારે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં સહેજ પણ તકલીફ નહીં આવે.

જો મે મહિનામાં કેસ અડધા થશે તો સરકાર પરીક્ષાઓ લેશે? લોયલા હોલ સ્થિત સેન્ટ ઝેવિયર્સના ધોરણ ૧૦ના વિદ્યાર્થી ક્રીસ બિજોયે કહ્યું, આ મહામારી દરમિયાન બોર્ડની પરીક્ષા ઓફલાઈન લેવી હિતાવહ નથી. વિદ્યાર્થીઓની સુરક્ષા જોખમાઈ શકે છે. જો સંભવ હોય તો ઓનલાઈન વિદ્યાર્થીઓની એમસીક્યુ પ્રકારની ઓબ્જેક્ટિવ પરીક્ષા લેવી જોઈએ. પરિણામ આ એમસીક્યુ પરીક્ષામાં મેળવેલા માર્ક અને આંતરિક મૂલ્યાંકન દ્વારા તૈયાર કરવું જોઈએ. જે-તે ક્ષેત્રે કરિયર બનાવવા માટે ધોરણ ૧૧ને પાયારૂપ વર્ષ કહી શકાય. બોર્ડની પરીક્ષા પાછી ઠેલાવાના કારણે વિદ્યાર્થીઓને પાછળથી ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા માટે પણ પૂરતો સમય નહીં મળે. જેના કારણે ટૂંકાગાળામાં અભ્યાસ પૂરો કરવાનું બિનજરૂરી દબાણ વિદ્યાર્થીઓ પર પડશે, તેમ દિવ્યપથ સ્કૂલના ધોરણ ૧૦ના વિદ્યાર્થી રિષભ શાહે કહ્યું.

(9:10 pm IST)