Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

પત્રકાર સામે બાંયો ચઢાવનારો ખેરગામનો અંકુર શુક્લ ઘૂંટણીયે પડ્યો

માફીપત્ર મૂકી પોતાની ભૂલ થઈ હોવાનું સ્વીકાર્યું : ફરી વખત આવું કોઈ પણ કૃત્ય ના થાય તેની પણ બાહેધરી આપતાં મામલો થાળે પડ્યો .

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :  નવસારી જિલ્લામાં કરફયૂ અંગેનો ખોટો મેસેજ ફોરવર્ડ કર્યા બાદ એનું ધ્યાન દોરનારા ખેરગામના પત્રકારને ધમકી આપનારાં ખેરગામના અંકુર શુક્લાએ ગેવાનોની હાજરીમાં લેખિતમાં માફી માંગતા મામલો થાળે પડયો છે ખેરગામ પોલીસ મથકે અપાયેલી ફરિયાદ અરજીમાં જણાવ્યા મુજબ ખેરગામ બજારમાં રહેતા વિનોદભાઈ મિસ્ત્રી પત્રકાર તરીકે સેવા આપે છે. તા.28.04.21 ના રોજ રાજ્ય સરકારે ગુજરાતનાં 29 શહેરોમાં કરફ્યુ લગાવવાનો આદેશ જારી કરતા વોટ્સઅપ ઉપર ચાલતા “ભાજપ ગ્રુપ ખેરગામ તાલુકા”  ગ્રુપમાં ખેરગામના અંકુર હર્ષદરાય શુક્લએ નવસારી શહેરને બદલે સમગ્ર નવસારી જિલ્લામાં કરફ્યુ લાગ્યોનો ખોટો મેસેજ ગ્રુપમાં ફોરવર્ડ કર્યો હતો. જેમાં વિનોદભાઈએ એક જાગૃત નાગરિક તરીકે અંકુરને ગ્રુપમાં મેસેજ કરી ફક્ત નવસારી શહેરમાં કરફ્યુ છે. સમગ્ર જિલ્લામાં નથી એવો મેસેજમાં રીપ્લાય કરતા સામાવાળા રોષે ભરાયા હતા.  વિનોદભાઇનાં ઘરે પહોંચી જઈ તેમનાં પત્નીને વિનોદ ક્યાં છે એને મારી નાખીશ એમ કહી ધમકી આપી હતી. આ મામલો પોલીસ મથકે પહોંચતા આગેવાનોની હાજરીમાં અંકુર શુક્લે લેખિત માફી માંગી હતી. ઉપરાંત તેણે ભાજપના વોટ્સઅપ ગ્રુપમાં અપમાનજનક શબ્દો લખ્યા હોઈ પોતે ભાજપના વોટ્સઅપ ગ્રુપમાં માફીપત્ર મૂકી પોતાની ભૂલ થઈ હોવાનું સ્વીકાર્યું હતું. તેમજ ફરી વખત આવું કોઈ પણ કૃત્ય ના થાય તેની પણ બાહેધરી આપતાં મામલો થાળે પડ્યો હતો.

(7:34 pm IST)