Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

દેવભૂમિ દ્વારિકા જિલ્લામાં એસ્સારના ૧૦૦ બેડ કોવિડ કેર સેન્ટરનો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો

સાચી દિશા-સાફ નિયત સાથે સૌ સાથે મળીને સહિયારા પુરૂષાર્થથી કોરોનાની બીજી લ્હેર સામેના જંગમાં સફળતા મેળવીશું : મુખ્યમંત્રી

અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દેવભૂમિ દ્વારિકા જિલ્લામાં એસ્સાર ગૃપ દ્વારા શરૂ કરાયેલા ૧૦૦ બેડના કોવિડ કેર સેન્ટરનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવતાં સ્પષ્ટ નિર્ધાર વ્યકત કર્યો કે, સૌ સાથે મળીને સાચી દિશા-સાફ નિયતના સહિયારા પ્રયાસોથી કોરોનાની આ મહામારીની બીજી લ્હેર સામેના જંગમાં સફળતા મેળવીશું.  

   તેમણે ઉમેર્યુ કે, કોરોના સંક્રમણની આ બીજી લ્હેરની વ્યાપકતા ગુજરાત સહિત ભારતમાં સંકટ રૂપ છે. ગુજરાતમાં હરેક જિલ્લામાં કેસો વધ્યા છે ત્યારે રાજ્ય સરકારે પણ સઘન આરોગ્ય સેવા સારવાર અને ફ્રન્ટલાઇન વોરિયર્સ, તબીબો-આરોગ્ય કર્મીઓના પુરૂષાર્થથી કોરોના સામેનું યુદ્ધ જિતવા કમર કસી છે.
મુખ્યમંત્રીએ રાજ્યમાં માર્ચ મહિનામાં ૪૧ હજાર બેડની વ્યવસ્થા હતી તે આજે ૧ લાખ કરવામાં આવી છે તેની વિસ્તૃત વિગતો આપતાં ઉમેર્યુ કે, ઓકસીજન આઇ.સી.યુ બેડની સંખ્યા પણ ૧૬ હજારથી વધીને પ૭ હજાર થઇ છે. ઓકસીજનનો વપરાશ પણ ૧૧૦૦ ટન જેટલો થયો છે.
  વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં મોટા ઊદ્યોગો, સ્ટીલ પ્લાન્ટસ, ઓકસીજન ઉત્પાદકો સહિતના ઊદ્યોગ ગૃહોના સંશાધનો સાથે સહયોગથી કોરોના સંક્રમણ નિયંત્રણની આરોગ્ય સેવા કામગીરી પાર પડી રહી છે.
    તેમણે આ તબક્કે આવા મોટા ઊદ્યોગ ગૃહો પોતાના કાર્ય ક્ષેત્રોમાં સામાજિક જવાબદારી રૂપે ૧ હજાર બેડથી માંડી ૧૦૦ બેડ સુધીની કોવિડ કેર સુવિધાઓ વિકસાવી રહ્યા છે તેની પ્રસંશા કરી હતી.
   વિજયભાઇ રૂપાણીએ એસ્સાર ગૃપ દ્વારા ૧૦૦ ઓકસીજન બેડ સાથેનું આ કોવિડ કેર સેન્ટર દેવભૂમિ દ્વારિકા જિલ્લામાં કોરોના સારવાર માટે ઉપકારક પૂરવાર થશે તેવી અપેક્ષા દર્શાવી હતી અને આ સુવિધામાં ભવિષ્યમાં વધુ બેડ જોડવા પણ અનુરોધ કર્યો હતો.  
આ પ્રસંગે સાંસદ પૂનમબહેન માડમ, એસ્સાર ઊદ્યોગ સમૂહના ડાયરેકટર પ્રશાંત રૂહિયા, ઓપરેટીંગ પાર્ટનર રાજીવ અગ્રવાલ, રેસીડેન્ટ ડાયરેકટર ભાવેન ભટ્ટ વગેરેએ પ્રાસંગિક સંબોધન કર્યા હતા.
જિલ્લા કલેકટર સહિત પ્રશાસનિક અધિકારીઓ, એસ્સારના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(6:01 pm IST)