Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

અમદાવાદની સિવિલ નસિ*ગ સ્ટાફની હડતાલ સમેટાઇ ગઇ પરંતુ સરકારની કોન્ટ્રાક્ટ પ્રથા પર સવાલો ઉઠાવ્યા

અમદાવાદઃ પગારના મુદ્દે હડતાળ પર ઉતરેલા સિવિલની 1200 બેડ કોવિડ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ જો કે બપોર બાદ કામે ચઢી ગયો. પરંતુ અહીં સરકારની કોન્ટ્રાક્ટ પ્રથા પર સવાલ ઊભો કરી દીધો. ‘સમાન કામ સમાન વેતન’ની માંગ સાથે આજે સવારે 8 વાગે સિવિલ 1200 બેડ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો હતો. પરંતુ તેમની એજન્સી રાજદીપ એન્ટરપ્રાઇઝના કોન્ટ્રાક્ટરની સમજાવટ અને પરિસ્થિતિને ધ્યાનમાં લઇ તેમણે હડતાળ સમેટી લીધી હતી. સાડા 6 કલાક બાદ બપોરે 2.30 વાગે પાછા કામે ચઢી ગયા હતા.

મુદ્દો નવાને 20 હજાર, જુનાને 13000 પગારનો

વાસ્તવમાં ગઇ કાલે રુપાણી સરકારે કોરોના કાળમાં કામ કરવા માટે નવા નર્સિંગ સ્ટાફને માસિક 20,000નો પગાર આપવાની જાહેરાત કરી હતી. ત્યારથી મામલો ગરમાયો હતો. કારણ કે અત્યારે 2-3 વર્ષથી પણ વધુ વર્ષોથી કામ કરી રહેલા હોસ્પિટલના આશરે 250 મેલ-ફિમેલ નર્સિંગ સ્ટાફને માસિક 13000નો ફિક્સ પગાર મળે છે. જે કોન્ટ્રાક્ટર વતી તેમને આપવામાં આવે છે.

3 મહિનામાટે 20,000ની ખાતરી

આ ચાલુ સ્ટાફને માગણી પણ 20,000 પગારની છે. તેથી તેઓ હડતાળ પર ઉતર્યા હતા. પરંતુ ઉપરથી પ્રેસર આવતા રાજદીપ એન્ટરપ્રાઇઝના કોન્ટ્રાક્ટરે આવી સ્ટાફને સમજાવ્યા હતા અને ત્રણ મહિના માટે માસિક 20,000નો પગાર આપવાની ખાતરી આપી હોવાની વિગતો સાંપડી છે. તેથી સ્ટાફ માની ગયો અને કામે ચઢી ગયો.

80-80ના સ્ટાફની 10 દિસ માટે કોવિડમાં ફરજ

આ 250ના સ્ટાફમાંથી રોટેશન મુજબ 80-80 નર્સ (મેલ-ફિમેલ) 10 દિવસ માટે કોવિડમાં જોખમ વચ્ચે ફરજ બજાવે છે. તેથી તેમનું કહેવું છે કે તેઓ પણ રાત દિવસ જોખમની પણ પરવા કર્યા વિના કામ કરી રહ્યા છે. તો નવા સ્ટાફને ઘી કેળા અને અને લાપસી નહીં પણ સમાન કામ સમાન વેતન મળવું જોઇએ.

સરકાર આપે છે 23600, કોન્ટ્રાકટર આપે છે 13000

હવે મહત્વની વાત જે સૂત્રો તરફથી જાણવા મળી છે અને ત્યાર બાદ જ ઉક્ત સવાલ ઊભો થયો એ છે કે સરકાર નર્સદિઠ કોન્ટ્રાક્ટરને 23600 રુપિયા પગાર ચુકવે છે. તેમાંથી કોન્ટ્રાક્ટર 10600 પોતાની પાસે રાખી નર્સદીઠ માત્ર 13000 પગાર જ ચુકવે છે. એટલે આશરે અડધો પગાર કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં જાય છે અને બાકીનો રાત દિવસ પરસેવો પાડતા કર્માચારી તેના અને પરિવારના ગુજરાન માટે મળે છે. તો શું સરકારની નજરમાં કર્મચારીઓ કરતા કોન્ટ્રાક્ટર વધુ કિંમતી છે.

આવી સ્થિતિમાં દેશમાંથી ખાસ કરીને રાજ્યમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા રદ થવાની માગ ઊઠી શકે છે. પરંતુ હાલ તો ખાસ કરીને 2005 પછી દેશભરમાં સરકારી અને બિનસંગઠિત ક્ષેત્રે કોન્ટ્રાક્ટ સિસ્ટમ બળવત્તર બની છે. જેમાં કર્મચારીનો કોઇ પણ વિશેષ લાભ વિના માત્ર ફિક્સ પગાર મળે છે. જેના કારણે તે હંમેશા ભવિષ્યની ચિંતામાં ઘેરાયેલો રહે છે.

(5:41 pm IST)