Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

ભાજપનો કોર્પોરેટર છું, અમારી સરકાર છે તેમ કહી રોફ જમાવી માસ્ક નહીં પહેરનાર કોર્પોરેટર બંદિશ શાહે અંતે ૧ હજારનો દંડ ભરી દીધો

વડોદરાઃ વડોદરા શહેરમાં માસ્ક નહીં કરનારા લોકો સામે પોલીસ કડક હાથે કામ કરી રહી છે અને રૂ ૧ હજારના દંડ બાબતે પોલીસનું લોકો સાથે ઘર્ષણ થઇ રહ્યું છે ત્યારે બીજી તરફ ભાજપના કેટલાક નેતાઓ જાણે તેમને કાયદો લાગુ નથી પડતો તે રીતે વર્તી રહ્યા હોવાથી લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે.

શિવજી કી સવારી અને ચૂંટણી દરમિયાન રાજકીય આગેવાનોએ છડેચોક લોકડાઉન ના નિયમો નો ભંગ કર્યો હતો અને આ બાબતે રાજ્યના પોલીસવડાએ એવો બચાવ કર્યો હતો કે પોલીસ પરિસ્થિતિ પ્રમાણે વર્તી રહી છે.

ગઈકાલે બપોરે આવા જ એક બનાવમાં કારેલીબાગ અને હરણી રોડ વિસ્તારના ભાજપના કોર્પોરેટર અને વડોદરા કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન બંદિશ શાહ વિવાદમાં આવ્યા છે.

કોર્પોરેટર તેમની કારમાં ડ્રાઇવર સાથે કમાટીબાગ બાલભવન પાસે થી પસાર થઇ રહ્યા હતા ત્યારે સયાજીગંજના હેડ કોન્સ્ટેબલ ધીરુભાઈએ તેમને અટકાવ્યા હતા અને માસ્ક નહીં પહેરવા બાબતે કહેતા બંદિશ શાહે હું ભાજપનો કોર્પોરેટર છું, અમારી સરકાર છે... તેમ કહી પોલીસ પર રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ વખતે લોકો પણ ભેગા થઇ ગયા હતા અને પોલીસ કોઈ કાર્યવાહી કરે તે પહેલાં કોર્પોરેટર કાર લઈ ત્યાંથી નીકળી ગયા હતા. પોલીસે આ અંગે સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી પણ પાડી હોવાનું જાણવા મળ્યું છે.

જોકે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ બાબતે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે અને સયાજીગંજ પીઆઇએ માત્ર બોલાચાલી થઈ હતી તેમ કહી જવાબ આપવાનું ટાળ્યું હતું. સમગ્ર પ્રકરણમાં વિવાદ સર્જાયા બાદ આખરે કોર્પોરેટર એક હજાર રૂપિયાનો દંડ ભર્યો છે.

(5:40 pm IST)