Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી તમામ ખાનગી ક્લિનિકની બહાર લોકોની ભારે ભીડ: અમદાવાદમાં હાલ કોરોના સિવાયના રોગએ પણ માથુ ઉંચક્યું: લોકોમાં ભારે ચિંતા

અમદાવાદઃ રાજયમાં કોરોના વાયરસની બીજી લહેર ઘાતક બની રહી છે અને સૌથી વધુ અમદાવાદ, સુરતમાં પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે વધી રહેલા કેસને લઈ શહેરના તમામ હોસ્પિટલો પણ ફુલ થઈ ગયા છે. જેના કારણે બીજી બીમારી માટે લોકોને હવે ખાનગી ક્લિનિકમાં ઉભા રહેવું પડે છે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી તમામ ખાનગી ક્લિનિકની બહાર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જો કે, અમદાવાદમાં હાલ કોરોના સિવાયના રોગએ પણ માથુ ઉંચક્યું છે.

અમદાવાદ શહેરમાં હાલ કોરોના વાયરસના વધી રહેલા કેસને લઈ તમામ હોસ્પિટલો ફુલ જોવા મળી રહી છે અને કોરોના સિવાયની બીમારીવાળા દર્દીઓની હાલ કોઈ પણ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી નથી. જેના કારણે શહેરના તમામ ખાનગી ક્લિનિકમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી અન્ય બીમારી જેવું કે તાવ આવવો, શરદી – ઉધરસ, ઝાડા-ઉલટી જેવા રોગોમાં વધારો થયો છે જેના કારણે ખાનગી હોસ્પિટલમાં લોકોએ જવાનું શરૂ કર્યું છે. જેથી હવે શહેરની ખાનગી હોસ્પિટલમાં પણ હવે લાંબી લાઇન અને ભીડ જોવા મળી રહી છે.

જો કે, હાલ લોકો સોશિયલ મીડિયા મારફતે એટલા એક્ટિવ થઈ ગયા છે કે, કોરોના સિવાયની બીમારી થાય તો તે લોકો ઈન્ટરનેટ પર સર્ચ કરી ઘરે જ ઈલાજ કરતા હોય છે. હાલમાં કોરોનાનો જે દર્દી ઘરે દાખલ હોય તેઓ ઓક્સિજન ઓછું હોય તેના માટે એસ્પીડોસપર્મા નામની હોમિયોપેથીક દવાનો પણ ઉપયોગ જાતે જ કરી રહ્યા છે. પરંતુ તેવું ના કરવું જોઈએ. આ દવાનો ઉપયોગ ડોકટરની સલાહ લઈને કરવો જોઈએ કારણ કે જેમ રેમડીસિવિર ઇન્જેક્શનની ઘટ પડી છે તેમ આ દવાની પણ ઘટ પડી શકે છે.

સિવિલમાં 1150 ભરતી સામે 240 જેટલા ડિસ્ચાર્જ

કોરોનાના દર્દીઓના સતત ધસારાને કારણે મંડપ પણ બાંધવામાં આવ્યો છે. શુક્રવારે 1200 બેડ હોસ્પિટલમાં 1150થી વધુ કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા, તેની સામે 240 જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા. જ્યારેસિવિલ મેડિસિટીની તમામ હોસ્પિટલોમાં 2300થી વધુ કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા.

રાજ્યમાં 18 થી 44 વર્ષના નાગરિકોનું રસીકરણ શરૂ થયું

લોકોની ફરિયાદો વચ્ચે આખરે અમદાવાદ સહિત રાજ્યમાં 18થી 44 વર્ષના લોકોને રસીકરણનું કામ શરુ થઇ ગયું. પહેલી મેની સવાર થી અલગ અલગ જગ્યાએ પર હોબાળો જોવા મળી રહયો છે. નાગરિકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો પણ લીસ્ટમાં નામ જોવા મળી રહ્યા નથી.જેથી નાગરિકો અને સ્ટાફ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યા છે.અને લોકો ઉમટી પડ્યા હોવાથી સોશીયલ ડિસ્ટન્સ પણ જળવાતું જોવા મળી રહ્યું નથી.

(5:23 pm IST)