Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

કોરોનાની સાંપ્રત પરિસ્થિતીમાં નકલી રેમડેસિવિર ઇન્જેકશનો બનાવી તેના ગેરકાયદેસર વેચાણ -કાળા બજાર કે સંગ્રહ કરનાર વિકૃત લોકો સામે કડક કાર્યવાહી કરાશે: માનવ જીવન હણાય એવા ચેડા કરનાર મોતના સોદાગરો ચેતી જાય- તેમના આ કૃત્યને માનવ વધ અપરાધ ગણી તેમની સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરાશે :ગૃહરાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાની ચેેેતવણી

કાળા બજારીયાઓ સામે પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ (Prevention of Black Marketing) સહિતના કાયદાઓ હેઠળ પણ કાયદેસરની કાર્યવાહી કરાશે:રાજયભરમાં આ ઇન્જેકશનનાં કાળા બજાર કરનાર સામે ૨૩ ગુનાઓ નોંધી ૫૭ લોકોની ધરપકડ:ગુજરાત પોલીસે આજે મોરબીમાં રૂ. ૫૮ લાખની કિંમતના ૧૨૧૧ નંગ નકલી રેમડેસિવિર ઇન્જેકશન પકડી પાડ્યા; ૪ આરોપીને પકડી તેમની પાસેથી રૂ. ૧૯ લાખની રોકડ જપ્ત :રાજયના નાગરિકોને માત્ર એપ્રિલમાં જ ૬ લાખથી વધુ રેમડેસિવિર ઇન્જેકશનોનું વિતરણ :રાજ્યમાં કોરોનાની સારવાર માટે ૧પ માર્ચના રોજ ૪૧,૮૭૦ પથારીઓ ઉપલબ્ધ હતી જે વધારીને આજે ૯૬,૦૬૬ પથારીઓ ઉપલબ્ધ :રાજ્યની હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો સમયસર ઉપલબ્ધ બને તે માટે સિનિયર અધિકારીઓ ર૪ કલાક મોનિટરીંગ કરી રહ્યા છે: નવા ૧૧ PSA ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે કામગીરી ચાલુ

રાજકોટ તા ૧,ગૃહરાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ  છે કોરોાની સાંપ્રત પરિસ્થિતીમાં માનવજીવને બચાવવા માટે તથા લોકો ઓછા સંકમિત થાય એ માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ  ટીમ ગુજરાત અસરકારક કામગીરી  કરી રહી છે. તેમ છતાંય કેટલાક વિકૃત લોકો મોતના સોદાગર બનીને માનવજીવન હણાય  એ માટે ચેડા કરીને રેમડિસીવર ઇન્જેકશનનું નકલી વેચાણ  કરવાનો પ્રયાસ  કરી રહયા છે એમની સામે રાજય સરકાર કડક હાથે સખ્તાઇથી કામગીરી કરશે એટલે આવા કાળા બજારીયા અને સંગ્રહખોરી કરનારા તત્વો ચેતી જાય. 

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની આગેવાનીમાં રાજ્ય સરકાર નાગરિકોને સર્વોત્તમ સારવાર મળી રહે અને આરોગ્યની બાબતમાં સહેજ પણ કચાશ ન રહે તે માટે ‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ જેવા અભિયાનો થકી  નિર્ણાયક કામગીરી કરી રહી છે. કોરોનાના કપરાકાળમાં રાજ્યના નાગરિકોને ત્વરીત સારવાર પૂરી પાડવા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાત અવિરતપણે કામગીરી કરી રહી છે. રાજ્યમાં કોરોનાની સારવાર માટે ૧પ માર્ચના રોજ ૪૧,૮૭૦ પથારીઓ ઉપલબ્ધ હતી જે વધારીને આજે ૯૬,૦૬૬ પથારીઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તે ઉપરાંત અમદાવાદ ખાતે ડી.આર.ડી.ઓના સહયોગથી ૯૦૦ બેડની હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે જેમાં ૨૫૦ આઇ.સી.યુ. બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. રાજ્યની હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો સમયસર ઉપલબ્ધ બને તે માટે સિનિયર અધિકારીઓ ર૪ કલાક મોનિટરીંગ કરી રહ્યા છે. રાજ્યમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ છે. તે ઉપરાંત નવા ૧૧ PSA ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે કામગીરી ચાલુ થઈ ગઈ છે. 

 

ગૃહમંત્રીશ્રી જાડેજાએ કહયું કે કોરોનાની સારવારમાં દર્દીઓ માટે અંત્યંત જરૂરી એવા રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો  માત્ર એપ્રિલ માસમાં જ છ લાખથી વધુ દર્દીઓને વિનામૂલ્યે પૂરા પડાયો છે.વિવિધ ફાર્મા કંપનીઓ  દ્રારા ઇન્જેકશનો જથ્થો GMSCL ને પુરો પાડવામાં આવે છે આ જથ્થાનું વિતરણ મહાનગરો અને તમામ જીલ્લાઓમાં નિયમિત રીતે કરવામાં આવે છે. સંબધિત મ્યુનિસિપલ કમિશ્નરશ્રીઓને જીલ્લા કલેકટરશ્રીના સીધા મોનિટરીંગ હેઠળ જથ્થાનું વિતરણ સૌ પ્રથમ સરકારી હોસ્પિટલોને તેમની જરૂરિયાત મુજબ વિતરણ કરવમાં આવે છે. ત્યાર બાદ ખાનગી હોસ્પિટલોને પડતર ભાવે જરૂરિયાત મુજબ સ્થાનિક કક્ષાએથી વિતરણ કરવામાં આવી રહયું છે. 

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યુ કે રાજ્યમાં રેમડેસીવીર જેવી કોરોના માટેની મહત્વની દવાના કાળા બજાર ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવી રહયું છે આ માટે પોલીસને કડક કાર્યવાહી કરવા આદેશો કરાયા છે જેથી આ દવાના કાળાબજાર અથવા ગેરકાયદેસરની સંગ્રહાખોરી અટકાવી શકાય, પરંતુ કેટલાક વિકૃત લોકો દ્રારા નકલી રેમડેસીવીર દવાના ઇન્જેકશન બનાવીને માનવવધ જેવા કૃત્યો કરવાનો હિન પ્રયાસ કરવામાં આવ્યો છે.  આવા તમામ બનાવોને અતિ ગંભીર ગણીને રાજય સરકાર  દ્વારા આ સંદર્ભે ૨૩ ગુનાઓ નોંધીને ૫૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

મંત્રીશ્રીએ કહયું કે, તાજેતરમાં જ અમદાવાદ શહેરમાં નકલી રેમડેસીવીર ઇન્જેક્શન વેચવા અંગેનો પ્રયાસ કરાયો છે જેમાં આરોપીઓ દ્વારા સીલબંધ ઇન્જેક્શનની શીશી લઇને તેના ઉપર રેમડેસીવીરના નકલી સ્ટીકર લગાડીને બનાવટી બોક્ષમાં પેક કરીને તેને સાચા રેમડેસીવીર તરીકે વેચવામાં આવતાં હતા. આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા કુલ-૮ આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરીને ૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આવી છેતરપીંડીથી કોઇ દર્દીના જીવનું જોખમ થઇ શકે છે. જેથી આ બનાવની ગંભીરતા ધ્યાને લેતાં ગુનામાં ગુનાહિત મનુષ્ય વધ કરવાની કોશિશની (આઇ.પી.સી કલમ-૩૦૮) કલમો સહિત છેતરપીંડી અને આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમો લગાડવામાં આવી  છે. 

એજ રીતે વડોદરા ખાતે પણ અમુક વ્યકિતઓ દ્વારા રેમડેસીવીરના કુલ-૪૫ ઇન્જેક્શન ગેરકાયદેસર રીતે કબ્જામાં રાખી તેને નિયત કરતાં વધુ કિંમતે વેચવા પ્રયત્ન કરવામાં આવી રહયા હતા. આ અંગે વડોદરા ક્રાઇમ બ્રાંચ દ્વારા ગુનો દાખલ કરી પાંચ વ્યકિતઓની રૂા. ૫.૧૮ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે. નકલી રેમડેસીવીર ઇન્જેક્શન વેચવા અંગેના અને કાળાબજારી અંગેના રાજયમાં૨૩ ગુન્હાઓ નોંધાયા છે જેમાં અમદાવાદ શહેરમાં નવ અને સુરત,રાજકોટ અને વડોદરા શહેરમાં ત્રણ ત્રણ ગુનાઓ તથા મહેસાણા, વલસાડ, દાહોહ, પાટણ અને ભરૂચમાં એક એક ગુનો નોંધવામાં આવેલ છે. 

તેમણે ઉમેર્યુ કે, રેમડેસીવીર ઉપરાંત ફેવીપીરાવીર, ટોસીલીઝુમેબ અને અન્ય આવશ્યક દવાઓ નિયત ભાવ કરતાં વધુ ભાવે વેચવામાં ન આવે તે માટે પોલીસ સતત સતર્ક છે. આ ઉપરાંત હાલમાં સરકાર દ્વારા સીટી સ્કેન માટે પણ મહત્તમ રૂ.3000 ચાર્જ લેવા આદેશ કરવામાં આવ્યા છે. જેથી કોઇ સ્થળે આ ભાવથી વધુ ભાવ લેવામાં ન આવે તે માટે પણ પોલીસને ચેકીંગ કરવા સૂચનાઓ આપવામાં  આવી છે. નકલી દવાઓના વેચાણ કે કાળાબજારી અંગેના હજુ પણ જે કિસ્સાઓ ધ્યાને આવે, તેમાં સાપરાધ મનુષ્ય વધ અને Prevention of Black Marketing જેવા કાયદાઓની ગંભીર કલમો સહિત અન્ય તમામ સુસંગત કાયદાની કલમો હેઠળ ગુનો નોંધીને કડક કાર્યવાહી કરવા પોલીસ વિભાગને સૂચના આપવામાં આવેલ છે. 

તે સિવાય અમુક લેભાગુ તત્વો દ્વારા માસ્ક, સેનીટાઇઝર, પીપીઇ કીટ જેવી વસ્તુઓમાં સારી કંપનીઓના લોગો લગાવીને નકલી માસ વેચવામાં આવતો હોવાનું પણ ધ્યાને આવેલ છે. આવી છેતરપીંડી ન થાય તે માટે પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ છે. આ તમામ બાબતો અંગે જે-તે એકમની લોકલ ક્રાઇમ બ્રાન્ચને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સંકલનમાંરહીને સતત વોચ રાખવા અને  આવી કોઇ પ્રવૃત્તિ ધ્યાને આવે તો તાત્કાલીક તે અંગે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ છે. 

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે આવા કાળા બજારીયાઓ સામેના ગુનાઓમાં રાજયમાં અત્યારે વિવિધ કાયદાઓની કલમો લગાડવામાં આવતી હતી જે અંર્તગત ગુનાહિત મનુષ્ય વધ કરવાની કોશિશ (IPC કલમ- 308) જેમાં ૭ વર્ષની સજાની જોગવાઇ, છેતરપીંડી અને વિશ્વાસઘાત (IPC કલમ- ૪૨૦, ૪૦૫) જેમાં ૭ વર્ષની સજાની જોગવાઇ, ભેળસેળ (IPC કલમ- ૨૭૪, ૨૭૫) જેમાં ૬ મહિના સુધીની કેદની જોગવાઇ, આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમની કલમ-૭ જેમાં ૭ વર્ષની સજાની જોગવાઇ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, કલમ-૫૩ જેમાં ૨ વર્ષની સજાની જોગવાઇ છે. 

પરંતુ, કોવીડ-૧૯ જેવી મહામારીના સમયે કોરોનાના દર્દીઓને રેમડેસીવીર જેવી દવાના જરૂરીયાત અને માંગનો ફાયદો મેળવવા સારૂ દર્દીઓના સ્વાસ્થ સાથે ચેડા કરતાં મોતના સોદાગરોને નશ્યત કરવા માટે ડુપ્લીકેટ ઇન્જેક્શન લેવાથી દર્દીઓના મોત નિપજી શકે તેવુ જાણવા છતા જરૂરીઆત મંદ દર્દીઓની મજબુરીનો લાભ લઇ ષડયંત્ર રચી માનવતા વિરૂધ્ધનું કૃત્ય આચરી જધન્ય અપરાધ કરે છે તેના ઉપર હવે પાસા અને PREVENTION OF BLACKMARKETING AND MAINTENANCE OF SUPPLIES OF ESSENTIAL COMMODITIES ACT, 1988  (PBM Act) હેઠળ Detention કરવામાં આવશે. 

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું હતું કે, જે લોકો કોઇ વસ્તુની સંગ્રહાખોરી કરે, તેનું નિયત ભાવ કરતાં વધુમાં વેચાણ કરે, મિલાવટ કરે, નકલી માલ વેચે વિગેરે જેવી પ્રવૃતિઓ માટે જોગવાઇઓ કરવામાં આવેલ છે. આ કાયદાની કલમ-૨ મુજબ Essential Commodities Act, 1955 હેઠળની ચીજ વસ્તુઓના કાળાબજાર પણ આ કાયદા હેઠળ આવરી લેવાયા છે. આથી રેમડેસીવીર જેવી દવાઓ તથા કોરોનાની સારવાર માટેના અન્ય ઔષધો/વસ્તુઓને પણ PBM કાયદો લાગુ પડે છે. આ કાયદાની કલમ-૩ હેઠળ જીલ્લા મેજીસ્ટ્રેટને આવી પ્રવૃત્તિ કરતાં ઇસમોને Preventive Detention (અટકાયત)માં લેવાની સત્તા પ્રાપ્ત છે. 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આવા ગુનાના આરોપીઓ સામે ધ ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એક્ટ-૧૯૪૦ હેઠળ બનાવટી દવાઓનું લાયસન્સ વગર વેચાણ, ઉત્પાદનનો ગુન્હો તેમજ ધ પ્રાઇઝ કંટ્રોલ એક્ટ હેઠળના ગુન્હાઓ બને છે. પરંતુ આ ગુન્હાઓ અંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઔષધ નિરીક્ષક જ કેસ કાર્યવાહી કરવા સક્ષમ હોઇ આ કાયદા હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અલગ રીતે ગુન્હો નોંધી આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્યના પોલીસ વડા શ્રી આશિષ ભાટીયાએ જણાવ્યું કે, આજે સવારે પોલીસે મોરબીમાં રૂ. ૫૮ લાખની કિંમતના ૧૨૧૧ નંગ નકલી રેમડેસિવિર  ઇન્જેકશન પકડી પાડ્યા છે. આ ગુના સંદર્ભે મોરબીથી ૪ આરોપિને પકડી તેમની પાસેથી રૂ. ૧૯ લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે. આરોપીઓ વિરુદ્ધ કલમ ૨૭૪,૨૭૫,૩૦૮, ૪૨૦,૩૪,૧૨૦બી, તથા આવશ્યક ચીજ ચીજ વસ્તુ અધિનિયમ ની કલમ-૩,૭,૧૧, તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૩ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. 

શ્રી આશિષ ભાટીયાએ ઉમેર્યું કે, આરોપીઓની પુછપરછ કરતા અમદાવાદ- જુહાપુરાના આશીફભાઇ પાસેથી આ ઇન્જેકશનો જથ્થો મેળવ્યાની હકીકત બહાર આવતા તાત્કાલીક એલ.સી.બી. મોરબીની એક ટીમ બનાવી વધુ નકલી ઇન્જેકશનનો જથ્થો કબજે કરવા અમદાવાદ ટીમ રવાના કરવામાં આવી હતી. અમદાવાદ શહેરના એ.સી.પી.શ્રી  ડી.પી.ચુડાસમાની મદદ મેળવી જુહાપુરા, ખાતે રેઇડ કરતા સપ્લાયર મહમદઆશીમ ઉર્ફે આશીફ તથા રમીઝ કાદરી વાળાના રહેણાંક મકાનેથી ભેળસેળ યુકત નકલી રેમડેસિવિર ઇન્જેક્શનનંગ-૧૧૭૦ કી.રૂ. ૫૬,૧૬,૦૦૦/- તથા ઇન્જેકશનના વેચાણના રોકડા રૂપીયા- ૧૭,૩૭,૭૦૦/- ના વધુ જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા હતા. 

અમદાવાદ ખાતે વધુ પુછપરછ કરતા આ ઇન્જકશનો જથ્થો સુરતના કૌશલ વોરા પાસેથી લાવ્યા હોવાનુ આરોપીઓએ જણાવતા તાત્કાલીક એક ટીમ સુરત ખાતે રવાના કરી હતી. કૌશલ વોરાની તપાસ કરતા આ જથ્થો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પીંજરાત ગામે ફાર્મ હાઉસ ખાતેથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. આ સંદર્ભે સુરત એ.સી.પી.શ્રી આર.આર.સરવૈયાની મદદ લઇ ફાર્મ હાઉસ ખાતે રેઇડ કરતા કૌશલ મહેન્દ્રભાઇ વોરા તથા તેનો ભાગીદાર પુનિત ગુણવંતલાલ શાહ ફાર્મહાઉસમાં ડુપ્લીકેટ રેમડેસિવિર ઇન્જેક્શનબનાવવાની સામગ્રી સાથે ઝડપાઇ ગયા હતા. આ ફાર્મહાઉસમાં આરોપીઓના કબ્જામાંથી રેમડેસિવિર ઇન્જેક્શનની આશરે ૫૫,૦૦૦ થી ૫૮૦૦૦ કાચની બોટલો,  બોટલ પર લગાવવાના ૩૦,૦૦૦ સ્ટીકરો, બોટલોને સીલ કરવાનુ મશીન વિગેરે મળી આવ્યું હતું. આરોપીઓ આ બનાવટી ઇન્જેકશનમાં ગ્લુકોઝ અને મીઠુ ક્રશ કરીને નાખતા હોવાનુ પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે. હાલ સુરત ખાતે રેઇડની કાર્યાવહી ચાલુ છે.  

દિલીપ ગજજર 

(4:44 pm IST)