Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

કોરોના – કોવિડ - ૧૯ સંક્રમણ નિયંત્રણ-સારવાર માટે ઉપયોગમાં લેવાતી સાધન - સામગ્રીની વિદેશમાંથી આયાત પરનો આઇ.જી.એસ.ટી વેરો રાજ્ય સરકાર ભોગવશે

રાજ્ય સરકારની-સ્થાનિક સ્વરાજ્યની-રાજ્ય સરકારે મંજૂરી આપેલી હોસ્પિટલો સંસ્થાઓમાં વિનામૂલ્યે અપાનારી આવી આયાતી સાધન - સામગ્રી આયાત પરના વેરાનું ભારણ આયાતકાર પર આવશે નહિ : કોરોના સામેના જંગમાં રાજ્ય સરકારની મદદ માટે આગળ આવી રહેલી સ્વૈચ્છિક સંસ્થાઓ - કોર્પોરેટ કંપનીઓ - વ્યકિતઓને વધુ પ્રોત્સાહિત કરતો મુખ્યમંત્રી વિજયભાઈનો નિર્ણય

રાજકોટ, તા ૧ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ તેમજ કોરોનાગ્રસ્તોની સારવાર માટે ઉપયોગમાં લેવાતી વિદેશી સાધન-સામગ્રીની આયાત પર લાગતો આઇ.જી.એસ.ટી વેરો રાજ્ય સરકાર ભોગવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે

મુખ્યમંત્રીશ્રીએ કરેલા આ નિર્ણય અનુસાર જો કોઇ સ્વૈચ્છિક સંગઠનો, કોપોરેટ કંપનીઓ કે વ્યકિતઓ મેડિકલ ઑકસીજન, ઑકિસજન સિલીન્ડર, ઑકસીજન પ્લાન્ટ, ઑકિસજન ફિલીંગ સિસ્ટમ, ઑકિસજન સ્ટોરેજ ટેન્ક, ઑકિસજન જનરેટર, ક્રાયોજેનિક રોડ ટ્રાન્સપોર્ટ ટેન્ક વગેરે અને આ સાધનો બનાવવામાં વપરાતા પાર્ટ્સ, વેન્ટીલેટર્સ, વેકસીન, રેમડેસીવીર ઈન્જેકશન અને તે બનાવવામાં વપરાતી સામગ્રી વગેરે વિદેશથી આયાત કરીને રાજ્ય સરકાર અથવા રાજ્ય સરકાર સંચાલિત હોસ્પીટલો અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા સંચાલિત હોસ્પીટલો અથવા રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલ હોય તેવી હોસ્પીટલ/ સંસ્થાઓને વિના મૂલ્યે આપે તો તેના પર લાગતો આઇજીએસટી વેરો રાજ્ય સરકાર દ્વારા ભોગવવામાં આવશે અને તેનું ભારણ આયાતકાર પર આવશે નહિ.

શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોવિડ-૧૯ કેસોની સંખ્યામાં અચાનક ઘણો વધારો થવાથી અને આ સંક્રમણમાં રોગની તીવ્રતાને કારણે મેડિકલ ઑકસીજન અને તે સંબંધિત સાધનો, વેન્ટિલેટર્સ, વેકસીન, દવાઓ  વગેરેની માંગમાં થયેલા વધારાના સંજોગો ધ્યાને લેતાં મોટી સંખ્યામાં કોર્પોરેટ કમ્પનીઓ, સ્વૈચ્છીક સંસ્થાઓ અને વ્યકિતઓ રાજ્ય સરકારને આવી સામગ્રી અને સંલગ્ન સાધનોની મદદ પૂરી પાડવા આગળ આવેલ છે. ત્યારે આવી કોર્પોરેટ કંપનીઓ, સ્વૈચ્છીક સંસ્થાઓ અને વ્યકિતઓને પ્રોત્સાહિત કરવા આ સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે.

(3:55 pm IST)