Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

બેંકોમાં માત્ર પ્રાયોરિટી બેન્કિંગ : ગ્રાહકોની સંખ્યા ઘટી

પૈસા જમા કરાવવા, ઉપાડવાના અને અતિ આવશ્યક કામગીરી જ કાર્યરત

અમદાવાદ,તા. ૧ : ગુજરાતમાં કોરોનાને કારણે ૩૦ બેંક કર્મચારીઓના અવસાન થયા છે જયારે ૧૫ હજારથી વધુ બેંક કર્મચારીઓ સંક્રમિત થયા હતા, જેને પગલે બેંક કર્મચારી સંગઠન દ્વારા સરકાર સમક્ષ કરાયેલી રજૂઆત બાદબેંકોમાં ગ્રાહકોનો ધસારો ઘટાડવા માટે માત્ર પ્રાયોરિટી બેન્કિંગ સેવાઓ જ કાર્યરત રાખવામાં આવી છે. જેને પગલે બેંકોમાં આવતા ગ્રાહકોની સંખ્યામાં નોંધનીય ઘટાડો થયો છે. સાથે સાથે સંક્રમણનું પ્રમાણ પણ ઘટશે તેમ ગ્રાહકો અને બેંક કર્મચારીઓ માની રહ્યાં છે.

કોરોનાનું પ્રમાણ સતત વધતું જઈ રહ્યું છે ત્યારે જ પોતાની ફરજ દરમિયાન સંખ્યાબંધ લોકોના સંપર્કમાં આવતાં બેંક કર્મચારીઓ કોરોનાથી સંકામિત થઈ રહ્યાં છે. બેંક કર્મચારી સંગઠનના જણાવ્યા મુજબ, કોરોનાની બીજી લહેરમાં માત્ર ગુજરાતમાં જ ૩૦ બેંક કર્મચારીના કોરોનાને કારણે મૃત્યુ થયા છે. જયારે ૧૫ હજારથી વધુ કર્મચારી સંકમિત થયા છે. રાજયમાં કેટલીક શાખાઓમાં તો પૂરો સ્ટાફ કોરોનાથી સંક્રમિત થયો છે.

આ પરિસ્થિતિમાં કોરોનાનું સંકમણ ઘટાડવા માટે અને બેંક કર્મચારીઓમાં ફેલાયેલો ભય દૂર કરવા માટે સંગઠન દ્વારા સરકાર સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી હતી કે, બેંક કર્મચારીઓને શનિ-રવિ રજા આપવી તથા બેન્કિંગ અવર્સ ઘટાડવા આ ઉપરાંત બેંકમાં આવતાં ગ્રાહકો નો ઘસારો ઘટાડવા માટે માત્ર પ્રાયોરિટી બેન્કિંગ સેવા કાર્યરત રાખવી. એટલે કે, અન્ય તમામ પ્રકારના કામ બંધ કરી માત્ર પૈસા જમા કરાવવા કે ઉપાડવા તથા આવશ્યક કામગીરીજ કાર્યરત રાખવી. આ રજૂઆતને પગલે હાલ બેંકોમાં માત્ર પ્રાયોરિટી બેંકિંગ કામગીરી ચાલી રહી છે. જેને પગલે બેંકમાં આવતા ગ્રાહકોનો ધસારો પણ શકે છે.

બીજી તરફ હવે કોરોનાના વધતા જતા આંકડાને લઇને લોકો પણ ભયભીત થઈ ગયા છે અને કારણ વગર બહાર જવાનું કે બેંકમાં જવાનું ટાળી રહ્યાં છે. તેના કારણે પણ બેંકમાં આવતાં ગ્રાહકોનો ધસારો ખાસ્સો ઘટ્યો છે.

(10:48 am IST)