Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

અમદાવાદમાં હુક્કાની મહેફિલ માણતા ૭ નબીરાઓ ઝડપાયા

મેચ જોવાની સાથે બાર જેવી સગવડો અપાતી હતી : અમદાવાદના જુહાપુરાના એક શખ્સે આઇપીએલ મેચ ચાલતી હોવાથી કમાણીનો નવો ધંધો શોધી લીધો હતો

અમદાવાદ,તા.૩૦ : કર્ફ્યૂના માહોલમાં નબીરાઓ છાકટા બની હુક્કાની મહેફિલ માણતા ઝડપાઇ ગયા છે. જુહાપુરાના એક શખશે આઇપીએલ મેચ ચાલતી હોવાથી કમાણીનો ધંધો શોધી લીધો હતો. યુવાધનને બોલાવી ૮૦૦ રૂ. માં હુક્કા પીરસી આઇપીએલ મેચ જોવાનો સેટ અપ ગોઠવી દીધો હતો. પોલીસને જાણ થતા જ પોલીસે રેડ કરી ૧૧ લોકો સામે ગુનો નોંધી ૭ આરોપીઓની ધરપકડ કરી ચાર સગીરો સામે કાર્યવાહી કરી છે. જુહાપુરામાં આવેલી પ્રાચીના સોસાયટીમાં રહેતો અદનાન ગાંધી હાલ પોલીસ પકડમાં આવી ગયો છે.

આરોપીએ તેના જ ઘરમાં હુક્કા બાર શરૂ કરી દીધું હતું. પકડાયેલા અદનાન ગાંધી, અયાન નિલગર, અબુતુરાબ પઠાણ, મહોમદ ઝેઇદ પઠાણ, આદિલ ખત્રી, ઝેઇદ વોહરા, મુબિન સૈયદ નામના સાત પકડાયેલા આરોપીઓ અને અન્ય ચાર સગીર લોકો હુક્કાની મહેફિલ માણતા પોલીસ ગિરફતમાં આવી ચૂક્યા છે. પકડાયેલા આરોપીઓમાંથી મુખ્ય આરોપી અદનાન ગાંધી જુહાપુરાની પ્રાચીના સોસાયટીમાં રહે છે અને તે જ આ ઘરમાં હુક્કા બાર ચલાવતો હતો. સાંજ પડે અને આઇપીએલ મેચ શરૂ થાય કે યુવાનો અહીં આવી જતા અને અદનાન આ તમામ લોકોને હુક્કા પીરસ્તો હતો. પોલીસને મેસેજ મળતા જ પોલીસે રેડ કરી અને સાત આરોપીઓને પકડી કાર્યવાહી કરી છે.

પોલીસને એવી માહિતી મળી છે કે આરોપી અદનાન એકાદ વર્ષથી આ હુક્કાબાર ચલાવતો હતો. સૂત્રોનું માનીએ તો આરોપી અદનાન એકાદ વર્ષથી ઘરમાં જ હુક્કા બાર ખોલીને બેઠો હતો. તેમાંય કર્ફ્યૂ હોવાથી પોલીસ રોડ પર ફરજ બજાવતી હોવાથી તેણે વધુ લોકોને એકઠા કરવાનું શરૂ કર્યું હતું. આઇપીએલ મેચ ચાલતી હોવાથી યુવાનો અહીં મેચ જોવાની સાથે હુક્કો પીતા હતા. ૮૦૦ રૂ. નો એક હુક્કો આરોપી અદનાન આપતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

અલગ અલગ ફ્લેવર અને હુક્કા રાખી દુબઇની ક્લબની જેમ ઘરમાં જ હુક્કા બાર શરૂ કરી દેવાયુ હતું. હાલ રમજાન માસ ચાલતો હોવાથી લોકોની ધાર્મિક લાગણી ન દુભાય તે હેતુથી પોલીસ સોસાયટીમાં તપાસ કરવા ન જતા આરોપીએ આ હુક્કા બાર શરૂ કરી પોલીસને પડકાર ફેંક્યો હતો. પણ પોલીસે બાતમી આધારે આખરે આ બદી દૂર કરી આરોપીઓ સામે કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે.

(9:20 pm IST)