Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

સુરતમાં રેમડેસિવિરની કાળાબજારી કરતા તબીબોને શરતી જામીન : 15 દિવસ કોરોના સંક્રમીતોની સારવાર કરવી પડશે

બન્ને તબીબોને કોરોનાગ્રસ્ત લોકોની સારવાર કરવા માટે સિવિલ હોસ્પિટલમાં ડ્યૂટી સોંપવામાં આવે.

સુરત: શહેરની એક સ્થાનિક અદાલતે બે ખાનગી હોસ્પિટલોના તબીબોને એવી શરત પર જામીન આપ્યાં છે કે તેઓ સુરત સિવિલ હોસ્પિટલમાં 15 દિવસ સુધી કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરશે. બન્ને ડોક્ટરો રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારી કરતા ઝડપાઈ ગયા હતા.  Surat Doctors

આ અંગે એડિશનલ ચીફ મેજિસ્ટ્રેટે ડો સાહિલ ઘોઘારી અને ડૉ હિતેશ ડાભીને કહ્યું કે, શુક્રવારથી 15 દિવસ સુધી સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોના વાઈરસથી સંક્રમિદ દર્દીઓની સેવા કરશે. આ બન્ને તબીબો સુરતમાં જ રહે છે અને ખાનગી પ્રેક્ટિસ કરે છે.

તેમને જામીન આપતા મેજિસ્ટ્રેટે કહ્યું કે, મહામારીના કારણે ડૉક્ટરોની કમી વર્તાઈ રહી છે અને આ સમાજના હિતમાં છે કે, બન્ને તબીબોને કોરોનાગ્રસ્ત લોકોની સારવાર કરવા માટે સિવિલ હોસ્પિટલમાં ડ્યૂટી સોંપવામાં આવે.

કોર્ટે સિવિલ હોસ્પિટલના મુખ્ય મેડિકલ ઑફિસરને કહ્યું કે, બન્ને ડોક્ટરોની સેવા મેળવવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવે અને 15 દિવસ બાદ તેમના કામનો રિપોર્ટ સોંપવામાં આવે. આ સાથે જ આરોપી ડોક્ટરોને કોર્ટની મંજૂરી વિના ગુજરાત નહીં છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત 25 એપ્રિલે જ સુરત પોલીસે બાતમીના આધારે રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારી કરતા 5 લોકોને ઝડપી પાડ્યા હતા. જેમાં ડૉ ડાભી અને ડો ઘોઘારી પણ સામેલ હતા. પોલીસે તેમની પાસેથી રેમેડેસિવિર ઈન્જેક્શનના 3 વાયલ પણ કબ્જે કર્યાં હતા.

(8:01 pm IST)