Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

ભૂપેન્દ્રસિંહના કેસમાં ડે. કલેકટર ધવલ જાની સામે પગલા ભરવા ચૂંટણી પંચનો આદેશ

બેલેટ પેપરની ગણતરી વખતે ફરજમાં બેદરકારીનો આરોપ :ખાતાકીય તપાસ અને ફરજ મોકુફી સુધીના પગલાની સંભાવના

રાજકોટ, તા. ૧ : વિધાનસભાની ર૦૧૭ની ચૂંટણી વખતે અમદાવાદ જિલ્લાની ધોળકા વિધાનસભાની મત ગણતરી વખતે બેલેટ પેપરની ગણતરીમાં બેદરકારીના આરોપસર તે વખતના ત્યાંના ચૂંટણી અધિકારી ડે. કલેકટર ધવલ જાની અને ચૂંટણી નિરીક્ષક રાજસ્થાનના શ્રીમતી વિનિતા બોહરા સામે પગલા ભરવા કેન્દ્રીય ચૂંટણી પંચે આદેશ કરતા વહીવટી તંત્રમાં ચર્ચા જાગી છે.

ધવલ જાનીએ કર્મચારીઓના મત (બેલેટ પેપર)ની ગણતરીમાં નીતિ નિયમ ભંગ કરી ભાજપના ઉમેદવાર વર્તમાન શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને ઉતાવળે વિજેતા જાહેર કર્યાની ફરીયાદ પરાજીત કોંગી ઉમેદવારે હાઇકોર્ટમાં કરી છે. હાઇકોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે. સમગ્ર મામલો ચૂંટણી પંચમાં પહોંચતા પંચે જવાબદાર મનાતા બન્ને અધિકારીઓ સામે પગલા ભરવા રાજસ્થાન અને ગુજરાતના મુખ્ય સચિવને લેખિત સૂચના આપી છે.

ધવલ જાનીને થોડા સમય પહેલા જ ધોળકાના પ્રાંત અધિકારી પદેથી હટાવાયા છે. નવી નિમણૂંક માટે પ્રતિક્ષા હેઠળ છે. ચૂંટણી પંચના આદેશના પગલે મુખ્ય સચિવ દ્વારા તેમને શોકોઝ નોટીસ અપાય તેવી સંભાવના છે. ખાતાકીય તપાસ અને ફરજ મોકુફી સુધીના પગલાની શકયતા વહીવટી તંત્રના વર્તુળો દર્શાવી રહ્યા છે.

(3:53 pm IST)