Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

ધો. ૧૦ની પરીક્ષામાં બહાર આવી 'મહાચોરી'

૯૦ વિદ્યાર્થીઓનો જવાબ એકસરખો અને એ પણ ખોટો

અમદાવાદ તા. ૧ : આવું તો કેમ બની શકે કે એક જ સ્કૂલમાં બોર્ડની પરીક્ષા આપતા ૯૦ વિદ્યાર્થીઓને જવાબ એક સરખો હોય અને તે પણ ખોટો ? આ વર્ષે લેવાયેલ બોર્ડની પરીક્ષામાં જયાં માઉન્ટ આબુ હિલસ્ટેશન દેખાડવાનું હતું ત્યાં ધો. ૧૦ના બધા વિદ્યાર્થીઓએ નકસામાં સાપુતારા દેખાડ્યું. ચોરી નહીં પણ બધાએ ભેગા મળી મહાચોરી કરી તો પણ ખોટા જવાબો લખ્યા.

આવી જ બીજા એક માસ કોપી કેસમાં ૨૦૦ જેટલા એક જ પરીક્ષા સેન્ટરના વિદ્યાર્થીઓએ સ્કૂલના સ્પેલિંગમાં SCHOOL ની જગ્યાએ SCHOOL લખ્યું છે. ત્યારે ગણીતના પેપરને ચેક કરતા સુપરવાઈઝર્સ જોયું કે ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ એક પ્રશ્ન જેમાં ત્રિકોણના ખૂણા Aની ડિગ્રી પૂછવામાં આવી હતી ત્યાં ખૂણા Cની ડિગ્રી લખી છે.

ગુજરાત સેકન્ડરી એજયુકેશન બોર્ડની માસ કોપીની દલીલને ત્યારે પણ વધુ મજબૂતી મળે છે જયારે ગણીતના પેપરમાં એક જ સેન્ટરના ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓએ દાખલા ગણતી વખતે 'બરાબર'ની નિશાની '=' કરવાની જગ્યાએ 'બરાબર' એવો શબ્દ ગુજરાતીમાં લખ્યો છે. તો દાખલાઓના ખોટા જવાબ પણ એક સરખા છે.

આ ગજબના યોગાનુંયોગ બનાવોમાં બોર્ડે દાહોદ, અરવલી, જુનાગઢ, અમરેલી અને છોટા ઉદેપુરના ૨૦ જેટલા એવા સેન્ટર્સ જયાંથી બોર્ડની પરીક્ષા દરમિયાન મોટાપાયે સામૂહિત ચોરી થતી હોવાની અનેક ફરિયાદો મળી હતી. તેના ૧૪૦૦ પૈકી ૧૧૦૦ વિદ્યાર્થીઓને માસ કોપી કેસની શંકાના આધારે અલગ તારવ્યા છે.

GSEBના OSD એમ.એમ. પઠાણે કહ્યું કે, 'બોર્ડની તપાસ સમિતિ સમક્ષ આ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે અને તપાસ કરવામાં આવશે કે આ કેસ માસ કોપીનો છે કે કેમ? આખા ગુજરાતમાંથી આવા ૧૧૦૦ કેસ છે. જે પુરવાર થતા વિદ્યાર્થીઓ અને પરીક્ષા કેન્દ્ર પર ખૂબ જ આકારા પગલા લેવામાં આવશે.'

મહત્વપૂર્ણ છે કે ગત વર્ષે 'My Best Friend' નામના નિબંધે બોર્ડના અધિકારીઓનું ધ્યાન ખેંચ્યું હતું જેમાં ૭૫૦ જેટલા વિદ્યાર્થીએ નિબંધમાં પોતાના બેસ્ટ ફ્રેન્ડ તરીકે વિક્રમને દર્શાવ્યો હતો. ત્યારે આ વખતે GSEB પહેલાથી આવા કોપી કેસ અને સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રોના પેપરને ઝીણવટ પૂર્વક તપાસી રહી છે.

(11:43 am IST)