Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો વિડીયો સંદેશ : ગુજરાતના ૫૮માં સ્થાપનાદિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો દેશ-વિદેશમાં વસતા સહુ ગુજરાતવાસીઓ જોગ સંદેશ

ગુજરાતની ગરિમામય વિકાસયાત્રા સૌના સહયોગથી તેજોમય બનાવવા આહવાન કરતા મુખ્યમંત્રી : નયા ભારતના નિર્માણમાં, નયા ગુજરાતના નિર્માણના સંકલ્પ સાથે સહુને જોડાવવા કરી અપીલ

ગાંધીનગર : મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ પ૮માં ગુજરાત ગૌરવ દિવસે રાજ્યના નાગરિકોને પાઠવેલા સંદેશમાં ગુજરાતની ગરિમામય વિકાસયાત્રાને સૌના સહયોગથી વધુ તેજોમય બનાવવા પ્રેરક આહવાન કર્યું છે. તેમણે સૌ ગુજરાતી ભાઇઓ-બહેનોને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું છે કે આ સરકાર બધાનો આધાર બને એવા સર્વગ્રાહી વિકાસના કામો સાથે નયા ભારતના નિર્માણમાં નયા ગુજરાતના નિર્માણથી યોગદાન આપીએ. વિજયભાઇ રૂપાણીએ રાજ્યવ્યાપી સુજલામ-સુફલામ જળ અભિયાનમાં જનશકિતને જોડાઇને ભાવિ પેઢી માટે જળ સુરક્ષા-સંવર્ધનની પ્રેરણા આપી છે. 

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંદેશો પાઠવતા જણાવ્યું છે કે...

" વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતના સૌ નાગરિક ભાઇઓ અને બહેનો, આપણું ગુજરાત-ગૌરવવંતુ ગુજરાત પહેલી મે એ પ૯માં વર્ષમાં પ્રવેશે છે. ગુજરાતમાં વસતા, ગુજરાત બહાર સ્થાયી થયેલા અને વિશ્વભરમાં ગુજરાતની ગરિમા ઉન્નત કરનારા સૌ ગુજરાતીઓને...મારી અને મારા મંત્રીમંડળની ગુજરાત ગૌરવ દિવસની હ્રદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. 

ભાઇઓ-બહેનો, જેની પરિપાટીએ આપણને અલગ રાજ્ય તરીકેનું ૧૯૬૦માં અસ્તિત્વ મળ્યું તે ‘મહાગુજરાતની ચળવળ’ ગુજરાતની સંઘર્ષ યાત્રામાં શિરમૌર છે. ગુજરાતનું ખમીર અને ઝમીર ઇતિહાસની અટારીએ આજે પણ ચિર પ્રકાશિત જોઇ શકાય છે. દિસે અરૂણુ પ્રભાત- જય જય ગરવી ગુજરાત-એ નારા સાથે મહાગુજરાત આંદોલનના પ્રણેતા પૂજ્ય ઇન્દુચાચાના નેતૃત્વમાં અનેક દુધમલ યુવાઓએ મોત વ્હાલું કરી ગુજરાતના સ્વાભિમાનની-અસ્મિતાની લડાઇ લડી હતી. આ આંદોલનની સફળતાને પગલે ૧ મે ૧૯૬૦ એ ગુજરાત બૃહદ મુંબઇ રાજ્યમાંથી અલાયદા રાજ્ય તરીકે ભારતના નકશે સ્થાન પામ્યું. જ્યારે ગુજરાત મુંબઇ રાજ્યથી અલગ પડયું ત્યારે સૌના મનમાં દ્વિધા હતી-સવાલ હતો કે આ ગુજરાત શું કરશે? ના એની પાસે પાણી છે, ના ખાણ-ખનીજ છે, ના ઉદ્યોગો કે મોટા કારખાના છે. વિશાળ રણનો ખારોપાટ અને ઘૂઘવતો દરિયો જ છે. આના સહારે ગુજરાત કાંઇ નહિં કરી શકે એવું સૌને લાગતું હતું. કદાચ એ વેળાએ તેમની ચિંતા પણ સાચી હશે. પરંતુ વીર કવિ નર્મદની પંકિતઓ ‘‘ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું’’ને જ ગરવા ગુજરાતના ભાગ્યનિર્માણનો મંત્ર બનાવ્યો. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ, સ્વામી દયાનંદ સરસ્વતી, શ્યામજી કૃષ્ણ વર્મા, રવિશંકર મહારાજ, ઇન્દુચાચા. જેવા અનેક લોકોના અવિરત પરિશ્રમની પરાકાષ્ટાથી આપણા ગુજરાતની સાડા પાંચથી વધુ દાયકાની વિકાસયાત્રાની મંઝિલ આપણે પાર પાડી શક્યા.

ગુજરાતની આ વિકાસયાત્રામાં સૌ નાગરિકોનું, દરેક સરકારોનું યોગદાન છે. સૌ કર્મયોગીઓનું પણ સમયદાન-યોગદાન છે. આજે એ સૌનું સ્મરણ કરવાનો, ઋણસ્વીકાર સાથે અભિવાદન-અભિનંદન કરવાનો અવસર છે. કોઇ પણ રાષ્ટ્ર કે રાજ્યના વિકાસના પાયામાં સ્થિર સરકાર અને સુશાસન રહેલા છે. ગુજરાતમાં રર વર્ષથી અમારામાં આપ સૌ એ જે ભરોસો ને વિશ્વાસ મૂકયાં છે, પ્રચંડ જનસમર્થન આપીને આપ સૌની સેવા કરવાનો સતત-સાતત્યપૂર્ણ અવસર આપ્યો છે તેનું આ તકે ઋણસ્વીકાર કરીએ છીયે. 

ભાઇઓ-બહેનો, ગુજરાતમાં વિકાસની રાજનીતિનો એક નવો જ અધ્યાય આપણા પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇના નેતૃત્વમાં રચાયો છે. છેવટે તો વિકાસના કેન્દ્રસ્થાને સામાન્ય માનવી દલીત, પીડિત, શોષિત, ગરીબ, વંચિત વર્ગ જ છે. એ વાત ગુજરાતે ‘સૌના સાથ સૌના વિકાસ’ ના મંત્રથી પ્રસ્થાપિત કરી છે. આજે વિશ્વ આખામાં ગુજરાતના વિકાસના વાવટા લહેરાય છે. ગુજરાતના સપૂત નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશના જન-જનમાં એક નવી આશાનો સંચાર થયો છે-નયા ભારતનું નિર્માણ થવા માંડયું છે. આપણે તેમના જ પદચિન્હો પર ચાલીને ગુજરાતની આ વિકાસયાત્રાને-સૌના વિકાસને સુશાસનનો મંત્ર બનાવીને આપણે આગળને આગળ વધી રહ્યા છીએ. નયા ભારતના નિર્માણમાં નયા ગુજરાતના સંકલ્પથી આપણે જોડાયા છીએ. 

ભાઇઓ-બહેનો, જ્યારે રાજ્યના સ્થાપના દિનની ઉજવણી કરતા હોઇએ ત્યારે સ્વાભાવિક છે કે, રાજ્યના વિકાસની ગતિ-પ્રગતિની દિશા જાણવાની અપેક્ષા સૌને હોય. 

ભાઇઓ-બહેનો, આજે રાજનીતિનું કલેવર બદલાયું છે. માત્ર સત્તા ચલાવવા માટે અમે કામ નથી કરતા. અમારે તો રાજ્યના ખૂણે-ખૂણાનો વિકાસ કરવો છે. જ્યાં માનવી ત્યાં સુવિધા. વ્યથા નહિં પરંતુ, વ્યવસ્થા આપવાનો ભેખ અમે લીધો છે. સત્તાના આટાપાટા ખેલવાની સંસ્કૃતિ અમારી નથી.  સત્તાને સેવાનું માધ્યમ બનાવી જનતાની સુખાકારીમાં સતત વધારો કરવાનો મદદરૂપ થવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ છે. સૌનો સમ્યક-સમતોલ વિકાસ થાય એ દિશામાં જનહિતના નિર્ણયો-કલ્યાણકારી પગલાંઓ પ્રમાણિકતાથી અમે લઇ રહ્યા છીએ. 

ભાઇઓ-બહેનો, વિકાસનું આકલન-મૂલ્યાંકન કરવાનું હોય ત્યારે ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડકટની સાથોસાથ વિકાસની સાચી દિશા કેવી હોય એ જાણવા માટે મુખ્યત્વે ઉદ્યોગ, કૃષિ અને સેવા ક્ષેત્રોમાં જનહિતના કાર્યો અને વિકાસ આયામો મહત્વના છે. રર વર્ષથી ગુજરાતમાં હોલીસ્ટીક એપ્રોચથી ઓલ રાઉન્ડ ડેવલપમેન્ટ આપણે કરી રહ્યા છીયે. ઉદ્યોગોના વિકાસથી રોજી-રોટી વધે, આર્થિક સક્ષમતાનું પ્રમાણ વધારવાનો, કૃષિના વિકાસથી ગ્રામીણ અર્થતંત્રને વિકસીત કરવાનો અને સમાજના પ્રત્યેક વર્ગની અંત્યોદય સુધી સુખ-સુવિધા સમૃદ્ધિનો વિચાર કર્યો છે.

ગુજરાતને આજે વિશ્વભરમાં ‘ગ્લોબલ ગેટ વે ઓફ ઇન્ડીયા’ તરીકે જોવાઇ રહ્યું છે.  બે દશક પહેલાં ગુજરાતમાં કોઇ પણ શહેરમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટની વાત જ કરી શકાય એમ ન હતી. વાયબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે ર૩ જેટલી પ્રોત્સાહક પોલીસીના અમલથી આજે ગુજરાત ‘બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ’ બન્યું છે. ગુજરાત મેન્યૂફેકચરીંગ અને ઓટો હબ ગણાય છે. આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓ-સ્ટોક-શેર માર્કેટના કારોબાર પણ સાબરમતીના તટ ઉપર હાઇટેક ગ્લોબલ ફાયનાન્સિયલ અને આઇ.ટી. હબની ગિફટ સિટીમાં થાય છે. આજે ઇન્ટરનેશનલ બિઝનેસ ત્યાં સ્થાપિત થયો. ગિફટ સિટીમાં જે નાણાંકિય સંસ્થાઓની ગતિવિધિઓ થઇ રહી છે તે આવનારા દિવસોમાં લાખો યુવાઓને નાના-મોટા રોજગારના અવસર આપશે. ધોલેરાને ઇન્ટરનેશનલ બિઝનેસ એકટીવીટી હબમાં આપણે નવા નવા પ્રકલ્પો ઉપાડયા છે, અને આપણે સોલાર પાર્ક દ્વારા દુનિયામાં ૫,૦૦૦ મે.વોટ; સૌથી વધુ સોલાર પાવર જનરેશન ધોલેરામાં ઉભા કરવાના છીએ. સિંગાપોર કરતાં દોઢ ગણા વિસ્તારમાં ધોલેરાનો SIR આકાર પામશે. વાયબ્રન્ટ સમિટમાં આવનારા ઉદ્યોગો સમક્ષ ધોલેરાને શો-કેસ કરીને આપણે વાયબ્રન્ટ ઇકોનોમીથી ધોલેરા-ભાવનગર-પીંપળીના સમગ્ર પટ્ટાને રોજગાર-ઉદ્યોગથી ધમધમતા કરવા છે. ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ૩૩ ટકાનું મૂલ્યવર્ધન થયું છે. ર૦૧૩થી ૧૭ ના ચાર જ વર્ષમાં ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ પણ ચાર ગણું વધ્યું છે.

સ્વાભાવિક છે કે, ઉદ્યોગોનો વ્યાપ વધે એટલે યુવાનોને રોજગારીની તકો પણ વધે જ છે. વર્ષ-ર૦૦રથી રોજગારી આપવામાં ગુજરાત નંબર વન રહ્યું છે. ગુજરાતમાં એમ્પ્લોયમેન્ટ એકસચેન્જમાં નોંધાયેલા બેરોજગારોની સંખ્યામાં લગભગ મોટા રાજ્યોમાં સૌથી ઓછી સંખ્યા ગુજરાતની છે. ગુજરાતના યુવાને રોજગાર અવસર આપીને આ સરકારે ‘જોબ સીકર’ નહિં પરંતુ સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને સ્ટેન્ડ અપ ઇન્ડિયાના માધ્યમથી ‘જોબ ગીવર’ બનાવ્યા છે. રોજગાર કચેરીઓ દ્વારા ત્રણ થી સાડાત્રણ લાખ યુવાનોને રોજગારી આપી છે. યુવાશકિતને રોજગાર સાથે તાલીમ આપવા મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના આપણે લાવ્યા છીએ. આ યોજનામાં ૧ લાખ યુવાઓને તાલીમ ઉપરાંત સરકાર અને ઉદ્યોગગૃહો દ્વારા સ્ટાઇપેન્ડ આપીને તેમને સ્થાઇ બનાવવાનો કાર્યક્રમ મોટાપાયે ઉપાડ્યો છે. 

ઔદ્યોગિક ગતિ-પ્રગતિ સાથે ગુજરાત હવે પ્રવાસન પ્રેમીઓનું પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દેશના એવરેજ ટુરિઝમ ગ્રોથ કરતાં ગુજરાતનો ટુરિઝમ ગ્રોથ લગભગ ડબલ થયો છે. સાડા ચાર કરોડ પ્રવાસીઓ ગયા વર્ષે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગરીબમાં ગરીબ માનવીને, છેવાડાના વિસ્તારના નાગરિકને આપણે પ્રવાસન દ્વારા રોજી-રોટી આપી રહ્યા છીએ.

ભાઇઓ-બહેનો, ઉદ્યોગો વિકસે, સાથોસાથ ખેડૂત-ખેતી સમૃદ્ધ બને ‘ખેડૂત સમૃદ્ધ તો ગામડાં સમૃદ્ધ, ગામડાં સમૃદ્ધ તો શહેર સમૃદ્ધ’ આ પ્રકારના કૃષિ વિકાસમાં આપણે આગળ વધી રહ્યા છીએ. છેલ્લા બે દાયકાથી ગુજરાતનો કૃષિ વિકાસ દર ડબલ ડિઝીટમાં રહ્યો છે. રાજ્યનો વાવેતર વિસ્તાર ૧રપ લાખ હેકટર કરી રહ્યા છીએ. ઓછા પાણીએ વધુ પાક માટે ‘પરડ્રોપ મોર ક્રોપ ડ્રીપ’ અને માઇક્રો ઇરીગેશનથી ૧પ લાખ હેકટરને ઓછા પાણીના ઉપયોગ થકી સિંચાઇ સુવિધા મળે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ. આ સરકાર ખેડૂત અને ખેતી બન્નેની દરકાર લેતી સંવેદનશીલ સરકાર છે. ખેડૂતોને સિંચાઇની સુવિધા આપવા માટે નર્મદા મૈયાના પાણી કેવડીયાથી છેક કચ્છ-સૌરાષ્ટ્રમાં ‘સૌની યોજના’ અને ઉત્તર ગુજરાતની ‘સુજલામ્ સુફલામ્’ યોજના દ્વારા આપણે કરી રહ્યા છીએ. આપણે થોડાક સમયમાં ‘સૌની યોજના’ના કામ પૂર્ણ કરીને ૧૧૫ થી વધુ જળાશયોને મા નર્મદા સાથે જોડી રહ્યા છીએ. જગતનોા તાતને તેના પાકના પૂરતા પોષણક્ષમ ભાવ મળે તે માટે સરકાર કટિબદ્ધ છે. ‘કિસાનોને સહી દામ’ એ અમારૂ સ્લોગન છે. પ હજાર કરોડથી વધુ રકમની ટેકાના ભાવથી આ વર્ષે મગફળી, રાયડો, ચણા, ડાંગર, ઘઉં જેવી અનેક ખરીદી સરકારે મોટા પાયે કરી છે. ઝીરો ટકા વ્યાજ આપીને ખેડૂતોને પાક ધિરાણ આપણે આપીએ છીએ, જેથી ખેત પ્રોડકશન કોસ્ટ નીચે આવે તે દિશામાં સરકાર આગળ વધી રહી છે. પશુપાલન કરતા પશુપાલકોના પશુઓ-ઢોર ઢાંખરની ચિંતા કરીને બજેટમાં મોટી જોગવાઇ કરી છે. બિમારી-માંદગી ધરાવતા પશુઓની સારવાર માટે કરૂણા એમ્બુલન્સ. માનવી માટે એમ્બુલન્સ તો પશુ માટે પણ એમ્બ્યુલન્સ-એવા ભાવથી એમ્બ્યુલન્સની વ્યવસ્થા ઉભી કરી છે. જળ વ્યવસ્થાપન અને જળ સંચય માટે મહત્વના પાસાઓને આગળ વધારી રહ્યા છીએ. આગામી ચોમાસા પહેલાં ૧લી મે થી ૩૧-મે દરમિયાન આપણે રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન ઉપાડવાના છીએ તળાવો ઊંડા કરવા, તળાવોના આવરાઓ સાફ કરવા, નદીઓ જે મૃતપાય છે તેને જીવંત કરવી, કેનાલ નેટવર્કની સફાઇ, નદીઓને સાફ-સુથરી કરવી અને જ્યાં પણ લીકેજીસ છે તે બધા દૂર,  કરી પાણીની કરકસર કરવા પાણી બચાવવા, રીચાર્જીગ, રીસોર્સીસ, રીડ્યુસ આ પ્રકારની તમામ વ્યવસ્થા પાણી વ્યવસ્થાપન માટે કરી રહ્યા છીએ. 

આવો, આપણે પ૮માં ગુજરાત ગૌરવ દિવસે સૌ સાથે મળીને આ સુજલામ્-સુફલામ્ જળ અભિયાનને સફળ બનાવવા સમગ્ર ગુજરાતની જનતા અને સરકાર સાથે મળીને આ પ્રકારનું શ્રમદાન કરીને શ્રમદાનની સાથે તન-મન-ધનની મદદથી આ અભિયાનને સફળ બનાવીએ. પરમેશ્વરના પ્રસાદ સમાન પાણીને આપણી ભાવિ પેઢી માટે સુરક્ષિત-સંવર્ધિત કરીએ. ગુજરાતમાં જોડીયા પાસે લગભગ ૬૦૦ થી ૭૦૦ કરોડના ખર્ચે દરિયાના ખારા પાણીને મીઠું બનાવી ડિ-સેલિનેશન પ્લાન્ટ સ્થાપીત કરી રહ્યા છીએ, એને સફળતા મળશે તો કાયમ માટેનો દુષ્કાળ ભૂતકાળ બનાવવા સરકાર આગળ વધી રહી છે. આના દ્વારા વોટર સિકયુરીટી સુનિશ્ચિત કરવી છે. ખેતીવાડી અને પીવાના પાણીની તંગીની સમસ્યા ન રહે તે માટે અમે પ્રતિબદ્ધ છીયે. 

ભાઇઓ-બહેનો, નર્મદા એ આપણી જીવાદોરી છે અને નર્મદાના પાણી દ્વારા ગુજરાતનો વિકાસ વધારવો છે. મા નર્મદાના આશીર્વાદ-પાણી ને પ્રસાદી ગણી અને આપણે સૌ કરકસરયુક્ત ઉપયોગથી આગળ વધીશું તો મને લાગે છે, આપણે ગુજરાતમાં સાચું આયોજન કર્યું ગણાશે અને નર્મદાના પાણીના એક એક બુંદ દ્વારા ગુજરાતના વિકાસને સોળે કલાકે ખીલવીને હજુ વધુ ને વધુ આગળ વધીશું. 

આ વખતના ઉનાળામાં મધ્યપ્રદેશમાં ઓછો વરસાદના કારણે ગુજરાતમાં મા નર્મદાનું પાણી ઓછું આવ્યું, છતાં સુવ્યવસ્થિત આયોજનોને કારણે આપણે કોઇને તકલીફ ન પડે, ગામડું હોય કે શહેર હોય બધે ય આપણે પીવાના પાણી, વાપરવાના પાણીની પૂરતી કાળજી અને વ્યવસ્થા કરી છે. જેને કારણે આ સંકટને બધાના સાથ-સહકારથી પાર પાડીને આપણે આગળ વધી રહ્યા છીએ. હવે દોઢ મહિનો સુવ્યવસ્થિત અયોજન કરી લઇએ અને પછી નવા ચોમાસાથી આપણે નવી દિશાામાં આગળ વધીશું. 

આવનારા દિવસોમાં ગુજરાતનો શૈક્ષણિક વિકાસ, આરોગ્યમાં વિકાસ સહિત તમામ પ્રકારના વિકાસના કામો; પછી સામાજિક ક્ષેત્રના હોય કે ઇન્ફ્રાસ્ટ્રકચરના હોય, પરંતુ વંચિત, પીડિત, શોષિત, ગરીબ, ગામડું, આ બધાને ધ્યાને રાખી આપણે સંતુલીત રીતે આગળ વધવું છે. સરકારે આ વખતના બજેટમાં તમામ વસ્તુઓને આવરી લઇને કીડીને કણ અને હાથીને મણ એ પ્રકારની યોજનાઓનો લાભ આપ્યો છે. પછી એ વનબંધુ હોય, અનુસૂચિત જાતિ હોય, પછાત વર્ગના લોકો હોય કે પછી સ્ત્રીઓ હોય કે બાળકો હોય, વૃદ્ધ હોય કે પછી દિવ્યાંગ હોય, બધા માટે આ સરકાર બધાનો આધાર બને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. 

મારે ભારપૂર્વક ધ્યાન દોરવું છે કે, ગુજરાતનો વિકાસ એટલા માટે થઇ રહ્યો છે કે, સૌનો સાથ સૌનો વિકાસ. પરંતુ કમનસીબે ગુજરાત વિરોધી લોકો ગુજરાતમાં સામાજિક સમરસતા તૂટે, સમાજ-સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય. આ પ્રકારની પ્રવૃત્તિઓમાં ગુજરાતની શાણી જનતા ખૂબ બેલેન્સ રાખે. તોડવાનું કામ કરનારા લોકોને કહેવું પડે કે, આ અડીખમ ગુજરાતને અમે ધીરું નહીં થવા દઇએ. આ પ્રકારની આખી સમજણ સાથે આપણે સૌ ગુજરાતીઓએ આ વસ્તુનો વિચાર કરવો પડશે. 

ભાઇઓ-બહેનો, ગરીબો માટે આ સરકાર કાર્યરત છે. સસ્તી દવા, એટલે કે નરેન્દ્રભાઇ કહે છે કે. પઢાઇ, કમાઇ ઔર દવાઇ - આ ત્રણ વસ્તુ પર ભાર આપી રહ્યા છીએ. સસ્તું શિક્ષણ મળે અને એટલા માટે જ આપણે ફી નિયમનનો કાયદો લાવ્યા છીએ. બધાને રોજી રોટી મળે એના માટે પણ આપણે વ્યવસ્થા બનાવી છે અને સસ્તી દવા મળે, ઓપરેશનો સસ્તા થાય એટલા માટે અમૃતમ યોજના, વાત્સલ્ય યોજના પ્રજાની વચ્ચે મૂકીને જેની આવક ૩ લાખથી નીચે છે એના ઓપરેશનમાં ૩-૩ લાખ રૂપિયા રાજ્ય સરકાર આપશે અને સીનીયર સીટીજનને પણ જેની વાર્ષિક ૬ લાખની આવક છે એમાં ૬૦ વર્ષથી મોટી ઉંમરના વડીલોને પણ ઓપરેશનમાં ૩-૩ લાખ રૂપિયા રાજ્ય સરકાર આપશે. ની-રીપ્લેસમેન્ટ માટે રાજ્ય સરકાર રૂ.૮૦,૦૦૦/- આપશે અને આ રીતે રાજ્ય સરકારે પઢાઇ, કમાઇ ઔર દવાઇ આ ત્રણેયનો વિચાર કર્યો છે.  

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની બાબતમાં પણ રાજ્ય સરકાર ગંભીર છે. પોલીસ દળની સતર્કતાને કારણે ધાડ-લૂટ, ખૂન, બળાત્કારના આરોપીઓને પાતાળમાંથી પણ પકડી પાડીને નશ્યત કરવા માટે સરકાર કટિબદ્ધ છે. 

ગુજરાતમાં ગુનેગારોને ગમે ત્યાંથી શોધીને સજા આપવી એ આપણું લક્ષ્ય છે અને એટલા માટે જ ગુજરાતના પોલીસ દળમાં મોટા પાયે ભરતી કર્યા પછી બધાને આધૂનિક ટેકનોલોજી સાથે જોડવાનું કામ હમણાં જ પોકેટ કોપ આપીને કર્યું છે. પોલીસ કર્મચારીઓ પાસે ૬૫ લાખ ગુન્હાહિત પ્રવૃત્તિ કરનારાઓનો રેકર્ડ હોય અને એના કારણે ઝડપથી નિર્ણયો કરી શકે. પાસપોર્ટ માટે ધક્કા ન ખાવા પડે. પોલીસ ઘરે આવીને ૧૦ મીનીટમાં પાસપોર્ટ આપે એ પ્રકારની વ્યવસ્થા કરી છે. સીસીટીવી કેમેરાઓ લગાવીને આજે ગુજરાતમાં એ નેટવર્ક દ્વારા કોઇપણ ગુનેગાર છટકી ન જાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે. ગુજરાતના પોલીસ દળને અભિનંદન આપું છું કે, છેલ્લા થોડાક સમયમાં જ જેટલા મોટા ગુનાઓ બન્યા એ તમામ ગુનેગારોને છત્રીસ કલાકમાં પાતાળમાંથી કાઢીને પણ ગુજરાત પોલીસે પકડીને એના પર કેસો કર્યા છે. 

ભ્રષ્ટાચાર માટે પણ આ સરકારે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. કયાંય કોઇને એક રૂપિયો લાંચ આપવી ન પડે એવી વ્યવસ્થા ઉભી થઇ રહી છે. ભ્રષ્ટ અને લાંચિયા અધિકારીઓને પકડવા માટે એન્ટી કરપ્શન બ્યુરોને પણ વધુ સુસજ્જ, ટેકનોલોજી યુકત વધુ સ્ટાફ આપીને, વધુ વકીલો ફાળવીને, અમે સુવ્યવસ્થિત કરી રહ્યા છીએ. એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા અમે ગુજરાતમાં ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા છીએ. 

ભાઇઓ-બહેનો, અનેક-અનેક પહેલરૂપ અનેક-અનેક નિર્ણયો, યોજનાઓ, આયોજનો, ગુજરાતની વિકાસ યાત્રાને તેજોમય બનાવવા આ સરકારે કર્યો છે. વિકાસ જ અમારો પ્રાણ છે. વિકાસ જ અમારી પ્રેરણા છે અને વિકાસ જ અમારી પ્રતિજ્ઞા છે. વિકાસથી વૈશ્વિક પ્રગતિના શિખરો સર કરવા છે. અડીખમ, અણનમ ગજરાતને આન-બાન-શાનથી લગીરે ઠેસ ન પહોંચે એવા સંકલ્પ સાથે આપણે ગુજરાતીઓએ આવનારા દિવસોમાં ગુજરાતને આગળ વધારવાનું છે.  આ ગુજરાત મહાત્મા ગાંધીનું ગુજરાત છે. આ ગુજરાત સરદાર વલ્લભભાઇ પટેલનું છે. આ ગુજરાત શ્યામજી કૃષ્ણ વર્માનું છે. આ ગુજરાત નરસિંહ મહેતા, કવિ નર્મદ, પૂજ્ય પ્રમૂખ સ્વામી થી માંડીને પૂજ્ય હેમચંદ્રાચાર્યજી મહારાજ, પૂજ્ય મોરારિ બાપુ, પૂજ્ય રમેશભાઇ ઓઝા હોય કે પછી આદિવાસીઓના ક્રાન્તિવીર પૂજ્ય ગોવિંદગુરૂનું હોય કે પછી દલિત વંદનીય નેતા વીર મેઘ માયાનું ગુજરાત છે. આ ગુજરાત ઓબીસી માટે જે માન ધરાવે છે એવા સદારામ બાપુનું ગુજરાત છે. આ ગુજરાત મોરારજીભાઇ દેસાઇનું ગુજરાત છે. આ ગુજરાત નરેન્દ્રભાઇ મોદીનું ગુજરાત છે.  

આવો, આપણા ગૌરવવંતા ગુજરાતની ગરિમા અને વિકાસ ગાથાને વધુ ઉજ્જવળ કરીએ અને ગુજરાતની વિકાસકૂચના સેનાની બનીને જ્યાં હોઇએ ત્યાં ગુજરાતીપણું છલકાવીએ. ફરી એકવાર સૌને ગુજરાત ગૌરવ દિનની અનેક શુભેચ્છાઓ પાઠવું છું. આપણે સૌ ગજરાતીઓ સાથે મળીને ગુજરાતને આગળ વધારીએ. જય જય ગરવી ગુજરાત ... જય જય ગરવી ગુજરાત..."

(7:26 pm IST)