Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

બારડોલી તાલુકાના વાંકાનેરમાં અમૃત સરોવરનું જળ બન્યું અમૃત:જનભાગીદારીથી વાંકાનેર ગામના તળાવની થઈ કાયાપલટ

જળસંગ્રહ ક્ષમતા વધવાથી ગામની આસપાસ ભૂગર્ભ જળસ્તર ઊંચા આવવાની સાથે પીવા અને દૈનિક વપરાશના પાણીની વર્ષો જૂની સમસ્યા હલ:તળાવની આસપાસ બગીચો અને પિકનીક સ્પોટ બનતાં ગામની શોભામાં થઈ અભિવૃધ્ધિ

અમદાવાદ:ભારતની આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’  અંતર્ગત ગત તા.૪ એપ્રિલ-૨૦૨૨ના રોજ પંચાયતી રાજ દિવસે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં ૫૦ હજાર અમૃત સરોવરોનું નિર્માણ કરવાનું દેશવાસીઓને આહ્વાન કર્યું હતું. આ આહ્વાનને સફળ બનાવવાની સાથેસાથે ગુજરાતમાં પણ ભાવિ પેઢીને જળનો સમૃદ્ધ વારસો આપવાની નેમ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના ૩૩ જિલ્લાઓમાં અમૃત સરોવર નિર્માણ કરવામાં આવી રહ્યા છે.

ગુજરાતના પ્રત્યેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરો બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. જેના પરિણામે ગુજરાતના ગામોમાં પાણીના જળસ્તર ઊંચા આવ્યા છે અને પીવાના પાણી - સિંચાઈની સુવિધામાં વધારો થયો છે. આજે વાત કરવી છે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાંકાનેર ગામની. જ્યાં જનભાગીદારીથી અમૃત સરોવરનું નવનિર્માણ-નવીનીકરણનું કામકાજ પૂર્ણ થયું છે. સુજલામ સુફલામ યોજના અંતર્ગત ‘અમૃત સરોવર’ના નિર્માણથી વાંકાનેર ગામ આસપાસ ભૂગર્ભ જળસ્તર ઉંચા આવવા સાથે પીવા અને દૈનિક વપરાશના પાણીની વર્ષો જૂની સમસ્યા હલ થઈ છે. કુદરતના સાનિધ્યમાં આ તળાવના કિનારે  વન વિભાગના અધિકારીઓ તથા ગ્રામજનોની હાજરીમાં ગત ૨૬ જાન્યુઆરી- ગણતંત્ર દિનની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી હતી.       

વાંકાનેરના સરપંચ શ્રીમતી નિકિતાબેન બારીયાએ જણાવ્યું હતું કે, અમારા વાંકાનેર ગામના તળાવને ‘અમૃત સરોવર’રૂપે વિકસાવવા માટે પસંદગી થઈ હતી. જેમાં ગામની બ્લોક નં.૧૩૧૦ની ૩.૦૯ એકરની જમીનમાં તળાવનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. તળાવમાંથી માટી બહાર કાઢીને તેના પાળાનું મજબૂતીકરણ કરવાથી જળસંગ્રહ ક્ષમતા વધીને ૧.૨૨ મિલિયન ઘનફૂટ થઈ છે તળાવમાંથી નીકળેલી માટીનો ગામના વિકાસ કામોમાં જ ઉપયોગ થાય છે. અગાઉ વધુ વરસાદ પડે ત્યારે તળાવનું પાણી ઓવરફ્લો થઈને બહાર નીકળી જતું, જેનાથી તળાવના પાળાનું ધોવાણ થતું હતું અને વરસાદી પાણીનો સંગ્રહ પણ ઓછો થતો હતો. આ સમસ્યામાંથી ગ્રામજનોને હવે મુક્તિ મળી છે. તળાવમાં સંગ્રહિત થનારા પાણીથી ખેડૂતોને તળાવના પાણી મળતા સિંચાઈની સુવિધા પણ બહેતર બની છે. અગાઉ તળાવમાં ગંદકી હોવાથી તેના પાણીનો ઉપયોગ કરી શકાતો ન હતો.  

         

તેમણે વધુમાં કહ્યું હતું કે, તળાવની આજુબાજુની જગ્યાની સાફસફાઈ કરી ગ્રામજનો આનંદપ્રમોદ, હરીફરી શકે, વોકિંગ કરી શકે એ માટે આ તળાવને ગામના ‘પિકનિક સ્પોટ’ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. ગ્રામપંચાયતની માલિકીની ખાડીની ગંદકીવાળી જગ્યામાં તળાવમાંથી નીકળેલી માટીનું પુરાણ કર્યું છે, જ્યાંની જગ્યાને સ્વચ્છ અને સુઘડ બનાવી એ જગ્યા પર વૃક્ષોનું વાવેતર કરી સુંદર બગીચો બનાવાયો છે. આ બગીચો ગામના પ્રવેશ દ્વાર પાસે બન્યો હોવાથી ગામની શોભામાં પણ વધારો થવા પામ્યો છે. ગ્રામજનો તળાવ આસપાસ લીમડો, પીપળો, વડ જેવા ઘટાદાર વૃક્ષો વાવ્યા છે. આ વૃક્ષોથી નવી પેઢીને શીતળતા, આહ્લાદક્તા અને પ્રકૃત્તિના દર્શનનો અનુભવ થશે. 

              

સુજલામ સુફલામ્ યોજના થકી વાંકાનેર ગામમાં અમૃત સરોવરનું જળ ખેતી માટે ખરા અર્થમાં અમૃત સમાન બનશે એવી ભાવના વ્યક્ત કરતા  ખેડૂત ભાવિકભાઇ પટેલે જણાવ્યું છે કે, અમે વર્ષોથી અત્યાર સુધી વરસાદ આધારિત ખેતી કરતા હતા, એટલે સ્વાભાવિક છે કે અમારા માટે જળનો એક માત્ર સ્ત્રોત વરસાદ જ હતો, પરંતુ સરકારની અમૃત સરોવર યોજના થકી અમારા  ગામના તળાવને ઊંડું કરવામાં આવ્યું છે, જેનાથી હવે પાણીની સંગ્રહ ક્ષમતામાં ખૂબ વધારો થયો છે. 

 

આ તળાવના પુનઃનિર્માણથી ગામના મારા જેવા એનક ખેડૂતોને પાણી સમસ્યાનું નિરાકરણ થયું છે. તળાવના નિર્માણ થકી જળસ્તર ઉપર આવતા ખેતરોમાં ૨૪ કલાક પાણીની સુવિધા ઉપલબ્ધ થઈ છે. આ ઉપરાંત અમે ગ્રામજનો ‘હરિયાળા ગુજરાત’અભિયાનને સાકાર કરવા તળાવ આસપાસ લીમડો, પીપળો, વડ જેવા ઘટાદાર વૃક્ષો વાવીને તેની સુંદરતામાં વધારો થાય એ દિશામાં કાર્ય કરી રહ્યા છીએ એટલે હવે અમે વરસાદના નહી પણ ગામના અમૃત સરોવરના ભરોસે છીએ તેવો ભાવિકભાઈએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

(6:49 pm IST)