Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

ગુજરાતમાં મફતમાં અનાજ લેવા રેશનિંગ દુકાનો પર ભારે પડાપડી

અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં કાર્ડની બબાલ : સસ્તા અનાજની દુકાનો પર અંધાધૂધી જેવા દ્રશ્યોની વચ્ચે લોકોમાં ભારોભાર નારાજગી તેમજ આક્રોશ સામે આવ્યા : લોકડાઉનના નિયમોનો થયેલો ભંગ

અમદાવાદ, તા.૧ : કોરોનાના કહેર અને લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે આજથી રાજ્યમાં સવા ત્રણ કરોડ જેટલા ગરીબ અને શ્રમિક લોકોને રાશન વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. રાજ્યના ૬૬ લાખ રેશનકાર્ડ ધારક પરિવારોને મફતમાં અનાજ કીટ વિતરણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ પહેલા જ દિવસે અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં કાર્ડની બબાલ, રાશનનો જથ્થો નહી હોવા સહિતના અનેકવિધ મુદ્દે ભારે હોબાળા અને બબાલના દ્રશ્યો સામે આવ્યા હતા. તો વળી કેટલાક ઠેકાણે રાશનીંગ દુકાનો પર પુરવઠાનો જથ્થો હોવાછતાં કોઇ ને કોઇ કારણ હેઠળ ગરીબો-શ્રમિકોને પુરવઠાનો જથ્થો અપાયો ન હતો, જેને લઇ લોકોમાં ભારોભાર નારાજગી અને આક્રોશ સામે આવ્યા હતા. આજે વહેલી સવારથી જ રાજયભરની સસ્તા અનાજની દુકાનોમાં લાંબી લાઈનોથી માંડીને ધક્કામુક્કી શરૂ થઇ ગઇ હતી. જેના લીધે લોકડાઉનની  ક્યાંય અસર જોવા મળી નહોતી. એટલુંજ નહીં અનેક જગ્યાએ તો હોબાળો મચી ગયો હતો. આ દરમિયાન કોરોનાને ફેલાતો અટકાવવાના કારગર ઉપાય સેલ્ફ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા.

              આજથી રાજ્યમાં સસ્તા અનાજની દુકાનમાં અનાજ વિતરણની શરૂઆત થઈ હતી. અમદાવાદમાં  પણ મોટાભાગની દુકાનોમાં સવારથી લાઈનો લાગી હતી. લોકોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. દુકાનો લોકો પહોચ્યા હતા ત્યારે એપીએલ અને બીપીએલ કાર્ડધારકોને ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. કેટલાક દુકાનદારોએ કહ્યું હતું કે પૂરતો જથ્થો નથી, જેથી તા.૪ એપ્રિલે કરીયાણું આવશે એટલે આપીશું તેમ કહ્યું હતું. નવરંગપુરા વિસ્તારમાં લોકોએ લાંબી લાઈન લગાવી હતી. જો કે કેટલાક વિસ્તારોમાં પોલીસ અને વહીવટી તંત્ર કામે લાગ્યું હતું અને દુકાનોમાં  સોશિયલ ડિસ્ટન્સ સાથે વહેંચણી કરવાની કામગીરી હાથ ધરી હતી. 

              આ જ પ્રકારે સુરત પુણા ગામ, કાપોદ્રા અને પાંડેસરા વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાન પર વહેલી સવારથી જ લોકોનો ધસારો જોવા મળ્યો હતો. સરકારની ગાઈડ લાઇન વગર રેશનિંગની દુકાન ખોલી નંખાતા લોકો ફ્રીમાં અનાજ લેવા પડાપડી કરતા દેખાયા હતા. એટલું જ નહીં ન સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની અપીલને પણ લોકોએ બાજુ મૂકી દીધી હતી. આ જ પ્રકારે વહેલી સવારથી જ વડોદરા શહેરમાં સસ્તા અનાજની દુકાનો ઉપર ભીડ લાગી ગઇ હતી. વડોદરામાં સસ્તા અનાજની દુકાનો ઉપર લોકોએ પડાપડી કરી હતી અને પોલીસે લોકોને હટાવવાની ફરજ પડી હતી. બીજી તરફ એપીએલ કાર્ડધારકોને અનાજ ન આપવામાં આવતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. અને પુરવઠાની કચેરી પર પહોંચેલા રાજ્યના મંત્રી યોગેશ પટેલનો ઘેરાવ કરીને અનાજ આપવા માટે રજૂઆત કરી હતી. આ સમયે કેટલીક ગરીબ મહિલાઓ રડી પડી હતી. વડોદરા ઉપરાંત જિલ્લાના તમામ તાલુકા મથકો ઉપર પણ અનાજ લેવા માટે લોકની ભીડ જોવા મળી રહી છે. તો, કોરોનાની મહામારીમાં રાજકોટમાં એનએફએસસી કાર્ડ ધારકોને અનાજ આપવામાં ન આવતા કાર્ડધારકોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ ટોળે વળી હોબાળો મચાવ્યો હતો. આથી ૧૪૪ની કલમનો ભંગ કરવામાં આવ્યો છે.

               સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સસ્તા અનાજની દુકાન દ્વારા મામલતદારોનો સિક્કો લગાવી આવવાનું કહે છે. હાલના ધોરણે એનએફએસસી કાર્ડને નોન એનએફએસસી કાર્ડ કરાવ્યા બાદ જ અનાજ મળી શકશે તેવું કહેવામાં આવી રહ્યું છે. આથી મહિલાઓએ કલેક્ટર કચેરીએ હોબાળો મચાવ્યો હતો. ગોંડલમાં પણ સસ્તા અનાજની દુકાનો પર લોકોની લાંબી લાઇન જોવા મળી હતી. આમ, રાજયભરમાં આજે ઠેર-ઠેર હોબાળા અને અંધાધૂધી જેવા દ્રશ્યો અનાજ-પુરવઠાની વિતરણ કામગીરી દરમ્યાન સામે આવ્યા હતા. જે પરથી સ્પષ્ટ કહી શકાય કે, સરકારે ઉતાવળે મફત અનાજ વિતરણની જાહેરાત તો કરી નાંખી હતી પરંતુ તેની અમલવારીનું યોગ્ય આયોજન ના કરી શકાયું.

(9:42 pm IST)