Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

લોકોની રક્ષા કરતી નર્મદા પોલીસના રહેણાંક મકાનો અને પો.સ્ટે.નોને સેનેટાઈઝ કરાયા

નર્મદા પોલીસ દ્વારા તમામ પોલીસ લાઇન તેમજ પોલીસ સ્ટેશન સેનેટાઈઝ કરાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોરોના વાઇરસ(coid 19)ને નાથવા માટે સમગ્ર ભારત દેશ તકેદારીના પગલાં લઇ રહ્યું છે ત્યારે ગૃહ વિભાગ દ્વારા તકેદારીનાં તમામ પગલા લેવા માટે મળેલ દિશા-નિર્દેશ અને વડોદરા રેંજના પોલીસ મહાનિરિક્ષક અભય ચુડાસમાંની સૂચનાથી અને પોલીસ અધિક્ષક હિમકરસિંહનાં માર્ગદર્શનમાં નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક સુ.શ્રી.ચેતનાબેન એન ચૌધરીની આગેવાનીમાં બુધવારે નર્મદા પોલીસ દ્વારા તમામ પોલીસ લાઇન અને તમામ પોલીસ સ્ટેશનને સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા
  કોરોના વાઇરસ (covid 19) ને WHO દ્વારા વૈશ્વીક મહામારી જાહેર કરવામાં આવી છે અને ભારત સરકાર તરફથી તકેદારીનાં તમામ પગલા લેવા માટે નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે જેથી વડી કચેરી તરફથી સોડિયમ હાઇપોકલોરાઇડ સોલ્યુશનની ફાળવણી નર્મદા પોલીસને કરવામાં આવી હતી, જેથી તમામ પોલીસ લાઈન તેમજ પોલીસ સ્ટેશનને સેનેટાઇઝ કરવાની કામગીરી કરવામાં આવી હતી.
 આ અંગે જિલ્લા પોલીસ વડા હિમકર સિંહે જણાવ્યું કે સમગ્ર ભારત આજે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી મળેલ નિર્દેશો મુજબ કોરોના વાઇરસ(covid 19) સામે રક્ષણ મેળવવા માટે તકેદારીના પગલાં લઈ રહ્યું છે જેથી નર્મદા પોલીસની તમામ પોલીસ લાઇન અને તમામ કચેરીઓને આજે સોડિયમ હાઇપોકલોરાઇડ સોલ્યુશન દ્વારા સેનેટાઇઝ કરવામાં આવી હતી.
 આ વૈશ્વિક મહામારીમાં જ્યારે નર્મદા પોલીસ ખડે પગે બંદોબસ્તમાં વ્યસ્ત છે ત્યારે રેંજના વડા અને જીલ્લા પોલીસ વડાનું આ કદમ પોલીસ પરીવાર માટે એક ઉમદા કદમ કહી શકાય.

(9:00 pm IST)