Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

અમદાવાદ : ફરી ડી-માર્ટ, સ્ટાર સહિતના મોલ ખુલ્યા

લોકોએ ખરીદી માટે લાંબી લાઇનો લગાવી : અમદાવાદ હવે કોરોના વાયરસ એપિસેન્ટર છે : નવા ૮ કોરોના પોઝિટિવ કેસો સાથે અમદાવાદમાં કુલ ૩૧ કેસો

અમદાવાદ,તા. ૧ : ગુજરાતમાં કોરોના વધતાં જતા કહેર વચ્ચે જાણે અમદાવાદ શહેર કોરોના વાઈરસનું એપિસેન્ટર બન્યું છે. રાજ્યમાં આજે ૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ તમામે તમામ કેસો અમદાવાદના છે. આ સાથે જ અમદાવાદ કોરોના વાઈરસનું હોટસ્પોટ બન્યું છે. એક જ દિવસમાં ૮ પોઝિટિવ કેસો સામે આવતાં શહેરભરમાં ભારે ચકચાર મચી ગઇ છે. ખાસ કરીને નાગરિકોમાં કોરોના વાયરસની દહેશત અને ચિંતાની લાગણી પ્રસરી ગઇ છે. બીજીબાજુ, લોકડાઉનની સ્થિતિ વચ્ચે આજથી શહેરના ડી માર્ટ, સ્ટાર બજાર, બીગ બજાર સહિતના મોલ ખુલતાં લોકોએ કરિયાણું સહિતની આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી માટે આ મોલમાં લાંબી લાઇનો લગાવી પડાપડી કરી હતી. શહેરના તમામ મોલ ફરી એકવાર ખુલતાં ના ગરિકોમાં રાહતની લાગણી અનુભવાતી હતી. એક અઠવાડિયાના બંધ બાદ આજે અમદાવાદ શહેરમાં ડીમાર્ટ, સ્ટાર બજાર સહિતના મોલ ફરી ખોલવામાં આવ્યા હતા. 

         મોલ ખોલવામાં આવતા લોકોએ ખરીદી માટે દોટ મૂકી હતી. થોડા દિવસ પહેલા મ્યુનિસિપલ કમિશનર  વિજય નહેરાએ મોલ પર થતી ભીડ દૂર કરવા ખરીદી બંધ કરી હોમ ડિલિવરી જ કરશે તેવી જાહેરાત કરી હતી. વિજય નહેરાની જાહેરાતના થોડા દિવસ પહેલા મોલ બંધ રાખવા સૂચના આપ્યા બાદ ફરીથી ખરીદી માટે ખુલ્લા મુકાયા છે, ઉપરાંત હોમ ડિલિવરી પણ કરવામાં આવે છે. મોલમાં સેનિટાઈઝ કરી પ્રવેશ આપવામાં આવતો હતો. જ્યારે સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવવાનો પણ પ્રયાસ કરાયો હતો. તો, નાગરિકોએ પણ મોલ ખુલી જતાં રાહતની લાગણી અનુભવી હતી.

              બીજીબાજુ, અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં સામે આવેલા આઠ પોઝિટિવ કેસોમાં ૪ આંતર રાજ્યના,૩ લોકલ ટ્રાન્સમિશનના અને એક વિદેશી દર્દી છે. આ સાથે અમદાવાદમાં કોરોના પોઝિટિવના દર્દીઓનો આંક ૩૧ થઇ જતાં હવે તંત્રની સાથે સાથે નગરજનોમાં પણ ભારે ફફડાટની લાગણી પ્રસરી ગઇ છે. કારણ કે, અમદાવાદમાં હવે ચાંદખેડા, બોડકદેવ, શાહપુર, કાલુપુર, રાયપુર, બાપુનગર સહિતના વિસ્તારોમાં કોરોના વાયરસના સંક્રમણના કેસો સામે આવતાં આ તમામ વિસ્તારોમાં ખાસ સાવધાની રાખવા અને ત્યાં જવાનું ટાળી ઘરોમાં જ રહેવા પણ તંત્ર દ્વારા તાકીદ કરાઇ છે. અમદાવાદમાં કેસોની સંખ્યા વધી છે. અમદાવાદના જે નવા આઠ કેસ પોઝિટિવ આવ્યા છે તેમાં પાંચ પુરુષો અને ત્રણ સ્ત્રીઓનો સમાવેશ થાય છે. આ તમામ લોકલ ટ્રાન્સમિશનના પરિણામે થયા છે.

(8:49 pm IST)