Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

લોકડાઉનના કડક અમલ માટે 1526 વનવિભાગના અને 183 RTO ના કર્મચારીઓ પણ પોલીસ સાથે ફરજ બજાવશે : પોલીસવડા શિવાનંદ ઝા

દિલ્હી નિઝામુદ્દીન મરકઝમાં હાજરી આપનારા ગુજરાતના કુલ 72 નાગરિકોની ઓળખ કરાઈ : તમામને ક્વોરંટાઇન કરાયા : હજુ કોઇ સામેથી સંપર્ક કરી જાણ નહીં કરે તો ગુનો નોંધવા સહિતની કડક કાર્યવાહી :માલવાહક વાહનોને હેરફેર માટે કોઈ પાસની જરૂર નથી :પોલીસ દ્વારા હવેથી ધાર્મિકસ્થળોની પણ તપાસ કરાશે :ચારથી વધારે નાગરિકો એકત્ર થયેલા જણાશે તો ગુનો દાખલ કરાશે ડ્રોનના ફૂટેજ પરથી રાજ્યમાં 398 ગુના દાખલ : 368 લોકોની અટકાયત

અમદાવાદ : રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, દિલ્હી નિઝામુદ્દીન મરકઝમાં હાજરી આપનારા ગુજરાતના નાગરિકો અંગે કેન્દ્રીય એજન્સી દ્વારા મળેલી માહિતી તેમજ ટેક્નિકલ ડેટાના આધારે અત્યાર સુધીમાં કુલ 72 નાગરિકોની ઓળખ કરવામાં આવી છે. જેમાં અમદાવાદના 34 (જે પૈકી 27 ઉત્તરપ્રદેશના છે), ભાવનગરના 20 (જેમાંથી એક દર્દીનું મૃત્યુ થયું છે), મહેસાણાના 12, બોટાદના 4 તેમજ નવસારીના 2 નાગરિકોનો સમાવેશ થાય છે. હાલ આ તમામ નાગરિકોને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું

  તેમણે જણાવ્યું કે, દિલ્હી મરકઝથી આવેલા અન્ય નાગરિકોની ટ્રેસીંગ અને સર્વેલન્સની કામગીરી હજુ ચાલુ છે. આ સિવાયના કોઈ નાગરિકો મરકઝમાં કે અન્ય સ્થળે જઈને આવ્યા હોય, તો તેઓ સામેથી આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગનો સંપર્ક કરે એ ઇચ્છનીય છે. આમ કરવાથી તેમની અને તેમની આસપાસના અન્ય લોકોની સલામતી પણ જળવાશે, પરંતુ જો કોઈ નાગરિકો આવી જાણ નહીં કરે, તો તેમની સામે ગુનો નોંધવા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ શ્રી ઝાએ ઉમેર્યું હતું.

 રાજ્યના પોલીસકર્મીઓની ફરજસોંપણીની વિગતો આપતાં રાજ્યના પોલીસવડા ઝાએ જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીઓ બે શિફ્ટમાં ફરજ બજાવશે. તદુપરાંત, ગ્રામ્યસ્તરે એસપી અને ડીવાયએસપી, જ્યારે શહેરી વિસ્તારોમાં પોલીસ કમિશનર, ડીસીપી તથા એસીપી સહિતના ઉપરી અધિકારીઓ દરેક પોઇન્ટ પર રૂબરૂ જઈ, કામગીરીનું મૂલ્યાંકન કરશે તેમજ ફરજમાં શું ધ્યાન રાખવું, શું કરવું અને શું ન કરવું તેની સમજણ આપશે. પોલીસ કર્મચારીઓ પણ તેમને પડતી મુશ્કેલીઓ વિશે આ અધિકારીઓને જણાવી શકશે.
  શ્રી ઝાએ જણાવ્યું કે, રાજ્યમાં લોકડાઉનની કડક અમલવારીને ધ્યાને રાખીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની સૂચના અનુસાર, રાજ્યના 1526 વનકર્મીઓ તેમજ 183 આરટીઓના કર્મચારીઓ પણ પોલીસની સાથે જોડાશે. જે તમામ પોતપોતાના હાલના ફરજના સ્થળે કામગીરી કરશે. આ ઉપરાંત, જરૂર પડ્યે ખાનગી સિક્યૉરિટીના કર્મચારીઓને પણ પોલીસની મદદમાં મૂકવામાં આવશે.
આ સિવાય કોરોનાના આ કપરાકાળમાં પોલીસની કામગીરીમાં મદદરૂપ થવા શ્રી ઝાએ આમ નાગરિકોને પણ વ્હોટ્સએપ, ટ્વિટર કે ફેસબુક જેવાં સોશિયલ માધ્યમો થકી તેમની ફરિયાદો, રજૂઆતો કે સૂચનો રાજ્ય પોલીસ વિભાગને પહોંચાડવા અનુરોધ કર્યો હતો.
રાજ્ય બહારથી માલ લઈને આવતાં ગુડ્સ વાહનો અંગે શ્રી ઝાએ કહ્યું કે આવાં માલવાહક વાહનોને કોઈ પાસની જરૂર નથી. જોકે, આવાં વાહનચાલકો પરત જતી વખતે અન્ય રાજ્યોના નાગરિકોને વાહનમાં બેસાડીને લઈ ન જાય, એ જોવા માટે ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના સંચાલકોને તાકીદ કરી હતી.
શ્રી ઝાએ જણાવ્યું કે, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે લોકો અવરજવર કરી શકે છે, પણ બિનજરૂરી ઘરની બહાર નીકળનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે સ્પષ્ટ કર્યું હતું. તદુપરાંત, હાલ રવી પાકની મોસમ ચાલી રહી હોઈ, ખેડૂતોને પાકની લણણી અને માવજત માટે જવા-આવવાની છૂટ રહેશે. જોકે, ગામડાંમાં પણ ગંભીરતાપૂર્વક સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની અપીલ કરી હતી.
રાજ્યમાં આજથી સસ્તા અનાજની દુકાનો પર શરૂ કરવામાં આવેલા અનાજ વિતરણની વ્યવસ્થામાં પડેલી મુશ્કેલીઓ દૂર કરાઈ હોવાની તેમજ અનાજ વિતરણને લગતી કોઈ પણ માહિતી શક્ય હોય, ત્યાં સુધી ફોન પર મેળવી લેવા જણાવ્યું હતું.
લોકડાઉનની કડક અમલવારી અંગે શ્રી ઝાએ જણાવ્યું કે, નાગરિકો સ્વ-જાગૃતિ કેળવી જાહેરનામા અને નિયમોનું પાલન કરે એ અત્યંત જરૂરી છે. આ માટે પોલીસ દ્વારા હવેથી ધાર્મિકસ્થળોની પણ તપાસ કરવામાં આવશે અને ચારથી વધારે નાગરિકો એકઠા થયેલા જણાશે, તો તેમની સામે ગુનો દાખલ કરવામાં આવશે.
રાજ્યમાં નિયમભંગ અને જાહેરનામા ભંગની વિગતો આપતા શ્રી ઝાએ જણાવ્યું કે, રાજ્યમાં કુલ 153 ડ્રોન તેમજ સ્થાનિક સીસીટીવી દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ડ્રોનના ફૂટેજ પરથી નોંધાયેલા 398 ગુનામાં 368 લોકોની અટકાયત કરવામાં આવી છે. જ્યારે જાહેરનામા ભંગના કુલ 958 ગુના, ક્વૉરન્ટાઇન ભંગના 336 ગુના તેમજ અન્ય 30 ગુના મળી કુલ 1324 ગુના નોંધાયા હતા. જેના આધારે 2292 લોકોની આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી તેમજ 6959 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા.

(9:04 pm IST)