Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

ભરૂચના અંકલેશ્‍વરની ૪ વર્ષની પેરીસ વ્‍યાસે પીગી બેન્ક સરકારને આપવાનો નિર્ણય કર્યોઃ કોરોના સામે જંગ માટે પ્રોત્સાહન કાર્ય

ભરૂચ: સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યું છે. ત્યારે ભારત દેશમાં પણ દિવસેને દિવસે કોરોના વાયરસના સંક્રમણની સંખ્યા અને કેસ વધતા જાય છે. તો ભરૂચના અંકલેશ્વર જીઆઇડીસીમાં રહેતી પેરીસ વ્યાસ નામની ચાર વર્ષની નાની બાળકીએ પોતાની પીગી બેંક સરકારને આપવાનો નિર્ણય કર્યો છે. આમ, આ નાનકડી બાળકી અનેકો માટે પ્રોત્સાહનરૂપ બની છે.

ભરૂચના અંકલેશ્વરની નાની બાળકી પેરિસ વ્યાસે પોતાની પિગી બેંકમાં 1,12,00 રૂપિયાની બચત કરી હતી. ત્યારે પેરિસ વ્યાસ હવે આ રકમને સરકારને કોરોના પીડિતોની સારવાર તેમજ ગરીબોની મદદ કરવા માટે દાન કરશે. તેની આ વાતથી પ્રેરાઇને તેની અન્ય સાથી મિત્રો પણ હવે પોતાની પીગી બેંકના જમા થયેલ રૂપિયા સરકારને સુપરત કરશે. નાનકડી પેરિસે પોતાની કાલીઘેલી ભાષામાં લોકોને ખાસ સૂચનો કર્યા છે કે, ક્યાંય પણ જવું હોય તો હાથ ધોઈને જવાનું, લોકોથી દૂર રહેવાનું, તેમજ ભીડવાળી જગ્યા ઉપર નહિ જવાનું, કોઇને પણ મળો તો નમસ્તે કરવાનું. એવું પેરિસ વ્યાસના ફેવરિટ અને રોલ મોડલ મોદી દાદાએ કીધું છે તેમ દરેક લોકોએ લોક લોકડાઉનનું પાલન કરવું જોઈએ.

એક તરફ સમગ્ર દેશમાં કોરોના ભયના કારણે લોકડાઉન જાહેર કરાયું છે. ત્યારે ઘણા એવા પણ લોકો છે જેઓ લોકડાઉનનું પાલન નથી કરતા અને સરકાર દ્વારા કરવામાં આવેલા નિયમોનું ઉલ્લંઘન કરે છે. ત્યારે તેમણે આ નાના બાળકો પાસેથી પ્રેરણા લેવી જોઈએ કે કોરોના જેવી ગંભીર બીમારીનો સામનો કઈ રીતે કરવો અને શું કરવું જોઈએ તે આ બાળકોને ખબ જ સારી રીતે ખબર છે.

(4:37 pm IST)