Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

અમદાવાદની કિડની હોસ્પિટલમાં વાયરસ નાશક ટનલઃ દેશમાં આ પ્રકારની પહેલી ટનલ

દરેક વ્યકિત પર ૩૦ સેકન્ડ સુધી સ્પ્રે કરાય છે

અમદાવાદઃ શહેરની સિવીલ હોસ્પિટલ પરિસારમાં આવેલ ઇન્સ્ટીટયુટ ઓફ કીડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર (આઇકેડીઆરસી) માં હાલમાં એવી એક ટનલ બનાવવામાં આવી છે. જેમાંથી પસાર થનાર વ્યકિતને સંક્રમણનું જોખમ નથી રહેતું. અત્યારે તો તેને કોરોના વાયરસના સંક્રમણને નષ્ટ કરવાના ઉદેશથી તૈયાર કરાઇ છે પણ હોસ્પિટલ પ્રશાસનનું કહેવું છે કે સામાન્ય દિવસોમાં પણ આ ટનલ કાર્યરત રહેશે, માણસથી માણસમાં ફેલાતા સંક્રમણમાં ઘટાડો થશે.

કીડની તથા લીવરના ઉપચાર માટે વિખ્યાત આઇ કે ડીઆરસીમાં દુર દુર થી દર્દીઓ આવે છે. આ હોસ્પિટલમાં દર વર્ષે લગભગ ચારસો કિડની ટ્રાન્સપ્લાન્ટ અને અનેક લોકોના લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાય છે. આ દર્દીઓમાં કોરોના જેવા વાયરસના સંક્રમણ ફેલાવાનો ખતરો વધારે હોય છે. જેના લીધે હોસ્પિટલ પરિસરમાં બંધ ચેમ્બરમાં એક ટનલ બનાવવામાં આવી છે. આ ટનલમાંથી પસાર થનાર વ્યકિત પર ૩૦ સેકન્ડ સુધી વાયરસનાશક દ્વવ્યનો સ્પ્રે થશે. દાવો કરાયો છે કે તેનાથી શરીરના બહારી ભાગ, કપડા વગેરે પર લાગેલા વાયરસ નષ્ટ થઇ જાય છે.

આ સ્પ્રે આલ્કોહોલ જેવા પદાર્થમાંથી તૈયાર કરાયો છે. હોસ્પિટલના ડાયરેકટર ડોકટર વિનીત મિશ્રાનો દાવો છે કે દેશમાં કદાચ આ પ્રકારની ટનલ બીજે કયાંય નથી. એક નાનકડી ચેમ્બર બનાવીને તેની છતની નીચે સ્પ્રેની ગોઠવણ કરાઇ છે. હોસ્પિટલમાં આવનાર વ્યકિત દર્દી પાસે પહોંચતા પહેલા વાયરસ મુકત થઇ શકશે. આ ટનલને સેનેટાઇઝીંગ ટનલ નામ અપાયું છે. તેનાથી કોરોના જ નહીં પણ દરેક પ્રકારના વાયરસના સંક્રમણને ઘટાડી શકાય છે. મોલ, મોટી શાળાઓ અને કોલેજોમાં આ પ્રકારની વ્યવસ્થા કરી શકાય છે.

(3:44 pm IST)