Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

વિશાળ વોટ્સએપ ગ્રુપ દ્વારા જ્ઞાન સાથે ગમ્મત અને કંટાળો ન આવે તે રીતે વલસાડ એસપી સુનિલ જોશી જ્ઞાન આપે છે

કોરોના વાયરસ અસરઃ સ્કૂલો ભલે બંધ હોય, પરીક્ષા ભલે ન લેવાય પરંતુ આ આઈપીએસએ એક નવતર પ્રયોગ શોધી કાઢયો : તજજ્ઞો સાથે ચર્ચાઓઃ અભ્યાસ બાદ ઓબ્જેકટીવ ટેસ્ટઃ મ્યુઝીક અને વિવિધ ગેઈમોનું પણ નોલેજ પણ અપાય છે

રાજકોટ, તા. ૧ :. કોરોના વાયરસને કારણે સ્કૂલો બંધ રહેતા વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત ન રહે તે માટે વિવિધ ચેનલોમાં વિવિધ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા વિવિધ વિષયોના અભ્યાસ કરાવવામાં આવે છે. માસ પ્રમોશન ભલે અપાયા પરંતુ વિદ્યાર્થીઓ અભ્યાસક્રમથી વંચિત ન રહે અને સંબંધક વિષયનું એકસ્ટ્રા જ્ઞાન મળે તે દિશામાં ચાલતા પ્રયાસોમાં વલસાડના એસપી સુનિલ જોશી દ્વારા વિદ્યાર્થીઓને વોટસએપને માધ્યમથી વિવિધ પ્રશ્નોત્તરીના ઓબ્જેકટીવ પ્રશ્નો તૈયાર કરી તેના જવાબો આપવા માટે કસોટી લેવાય છે. પ્રથમ તો સંબંધક વિષયનું જ્ઞાન આપ્યા બાદ આ રીતે લેવાતી કસોટીને કારણે એક પ્રકારે રદ થયેલી પરીક્ષાઓ આ રીતે લેવાય જાય છે.

અકિલા સાથેની વાતચીતમાં વલસાડના એસપી સુનિલ જોશીએ જણાવેલ કે, વિવિધ સ્કૂલો તથા કલાસીસનો સંપર્ક કરી વિદ્યાર્થીઓના મોબાઈલ નંબર મેળવી સ્કૂલો, કલાસીસની મદદથી આખુ વોટસએપ ગ્રુપ બનાવી અન્ય તજજ્ઞો સાથે ચર્ચા કરી સૌ પ્રથમ તેનુ જ્ઞાન આપી ત્યાર બાદ વિદ્યાર્થીઓની ઓબ્જેકટીવ પદ્ધતિથી જ્ઞાનની ચકાસણી કરવામાં આવે છે. તેઓએ જણાવેલ કે, તેઓના આ પ્રયાસોને વિદ્યાર્થીઓએ તથા શિક્ષણ જગતે વધાવી લેવા સાથે સુંદર સહકાર આપવા સાથે હોંશે હોંશે સૌ જોડાયા છે.

તેઓએ જણાવેલ કે આ કસોટીમાં વય મર્યાદા રાખવામાં આવી નથી. ગમે તે ઉંમરના વિદ્યાર્થીઓ તથા રસ ધરાવતા લોકો આમા જોડાઈ શકે છે. ફકત અભ્યાસ કે વિદ્યા પુરતુ મર્યાદીત રાખવાના બદલે આ પ્રોજેકટ દ્વારા મ્યુઝીકના વાજીંત્રોની સમજ આપવા સાથે તેની પણ કસોટી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને આ કાર્યમાં રસ પડે તે માટે વિવિધ ગેઈમો પણ તૈયાર કરવામાં આવી છે. તેઓએ જણાવેલ કે દર વર્ષે ગુણોત્સવ પ્રસંગે વિવિધ જિલ્લાઓમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા જઈએ છીએ તેના દ્વારા આ વિચાર સ્ફુર્યો હતો. વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત મળે તથા ઘરમાં રહેવાનોે કંટાળો ન આવે તે હેતુથી આ અભિનવ પ્રયોગ હાથ ધરાયો છે.

(1:22 pm IST)