Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

સાહેબ, એક કેદમાંથી છૂટયા, હવે નજરકેદ થશુઃ આ તો જેલ ટ્રાન્સફર થઈ

કોરોના વાયરસ સંદર્ભે ૨૧૦ કેદીઓની મુકિત સમયે ગંભીર વાતાવરણમાં હાસ્યની છોડો ઉડેલીઃ જેલ વડા ડો. કે.એલ.એન. રાવ અકિલા સમક્ષ રસપ્રદ કથા વર્ણવે છે : ઘરમાં ઘર જેલર જેવા પત્નિ જેલથી વધુ કામ કરાવશેઃ અમે તો હરખાતા હતા કે છૂટયા પરંતુ આ તો ઘર 'જેલ'માં બંધ રહેવુ પડશે

રાજકોટ, તા. ૧ :.  સુપ્રિમ કોર્ટના આદેશથી હાઈકોર્ટની હાઈપાવર કમિટી દ્વારા થયેલા નિર્ણય મુજબ રાજ્યના જેલ વડા અને હાઈકોર્ટ દ્વારા નિમાયેલી હાઈપાવર કમિટીના સભ્ય ડો. કે.એલ.એન. રાવ દ્વારા નિયત થયેલી ગાઈડલાઈન્સ મુજબ અમદાવાદની સાબરમતી જેલ સહિત ગુજરાતની વિવિધ જેલોના કાચા-પાકા કામના ૨૧૦ જેટલા કેદીઓને મુકત કરતી વખતે કોરોના વાયરસ જેવી ગંભીર સ્થિતિમાં પણ કેટલાક કેદીઓએ વાતાવરણ હળવુ કરવા હાસ્યની છોડો ઉડાડતા ગભરાટના બદલે વાતાવરણ રસપ્રદ બન્યુ હતું તેમ વિવિધ જેલોમાથી મળેલા અહેવાલોની રસપ્રદ કથા ડો. કે.એલ.એન. રાવે વર્ણવી હતી.

કેટલાક કેદીઓએ જણાવેલ કે 'સાહેબ અમે એક કેદમાંથી છૂટયા પરંતુ હવે કોરોના વાયરસને કારણે ઘરમાં નજરકેદ રહેવુ પડશે' તેઓએ જણાવેલ કે સાહેબ હવે અમારા પત્નિ ઘરમાં જેલરની ભૂમિકા ભજવશે. અહીં પણ થોડુ કામ કરતા હતા હવે ઘરમાં પણ અમારા પત્નિ એવા ઘર જેલરની સૂચના મુજબ કામગીરી કરવી પડશે.

શરદી, ઉધરસની બિમારીથી પીડાતા લોકોની મેડીકલ ચકાસણી બાદ તેઓને ઘરમાં જ રહેવા અપાયેલા આદેશથી કેટલાક મજાકમાં કહેવા લાગ્યા કે 'અમે તો પહેલા હરખાતા હતા કે લાંબા સમયથી બહાર નથી ગયા તો આનંદથી હરીશુ ફરીશુ, પરંતુ આ તો અમારી જેલ ટ્રાન્સફર થઈ હોય તેવુ લાગે છે' આવી હળવી પળોને કારણે માત્ર અન્ય કેદીઓ જ નહી પણ જેલ સુપ્રિન્ટેન્ડન્ટો અને જેલરો તથા જેલના નાના મોટા સ્ટાફ તથા અન્ય લોકો ખળખળાટ હસતા જોવા મળ્યા હતા.

અત્રે યાદ રહે કે જેલ વાહન મારફત તમામ કેદીઓને ઘેર પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવનાર રાજ્યના જેલ વડા ડો. કે.એલ.એન. રાવની સૂચનાથી મુકત થયેલા કેદીઓને ઘરમાં જ રહેવા સૂચના આપવામાં આવી છે. આમ બે માસના વચગાળાના જામીન પર મુકત થયેલા કેદીઓને મુકિતનો આનંદ માણવો કે એક જેલમાંથી બીજી જેલમાં જવાનો અફસોસ કરવો ? તે સમજાતુ ન હતું.

(1:21 pm IST)