Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

તેલ - કઠોળ - લોટ - શાકભાજી - અનાજના ભાવમાં ભડકો

લોકડાઉનમાં જીવનજરૂરી બધી ચીજવસ્તુના ભાવ વધી ગયા મધ્યમવર્ગનો મરો : અનેક ચીજવસ્તુની કૃત્રિમ અછત

અમદાવાદ તા. ૧૦ : કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે વડા પ્રધાન દ્વારા ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યંુ છે. લોકડાઉનના સાતમે દિવસે જીવનજરૂરિયાત ચીજવસ્તુઓના વિસ્તાર પ્રમાણે વધુ ભાવો લેવામાં આવી રહ્યા છે. બજારમાં તેલ, લોટ અને કઠોળનો ભાવો ભડકે બળી રહ્યા છે. શહેરમાં મોટાભાગની કરિયાણાની દુકાનમાં સિંગતેલ અને કપાસિયા તેલ ખાલીખમ થઈ ગયું છે. જયાં પડયું છે ત્યાં ડબ્બે રૂ.૩૦૦થી ૪૦૦ વધુ લેવામાં આવી રહ્યા છે. બીજી તરફ ઘઉંના લોટના ભાવોમાં પણ વધારો થઈ ગયો છે. સામાન્ય દિવસોમાં ખાંડ રૂ.૪૦ કિલો મળતી હતી જે વધીને રૂ.૪૫ થઈ ગઈ છે. શાકભાજીના ભાવોમાં પણ અચાનક વધારો થતા મધ્યમવર્ગ અને ગરીબોની હાલત કફોડી બની છે.

શહેરના મોટાભાગની કરિયાણાની દુકાનોમાં કઠોળના ભાવોમાં રૂ.૨૦થી ૪૦ સુધીનો વધારો કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ શહેરની મોટાભાગની દુકાનોમાં સિંગતેલ અને કપાસિયા તેલ અદૃશ્ય થઈ ગયું છે. જે દુકાનમાં તેલ છે ત્યાં છુપાવીને રાખવામાં આવ્યંુ છે અને ડબ્બે રૂ.૩૦૦થી ૪૦૦ વધુ લેવામાં આવી રહ્યા છે. સામાન્ય દિવસોમાં સિંગતેલ રૂ.૨૦૦૦નો ડબ્બો મળતો હતો જે વધીને રૂ.૨૩૦૦થી ૨૪૦૦ લેવામાં આવી રહ્યો છે એ જ રીતે કપાસિયા તેલ રૂ.૧૪૫૦ ડબ્બો મળતો હતો તે વધીને રૂ.૧૭૫૦થી ૧૯૫૦માં વેચાઈ રહ્યો છે. તો બિસ્કિટો, મેગી, બેકરીની આઇટમો, મમરા, પોપકોર્ન, પૌંઆ સહિતના પેકેટો ખાલીખમ થઈ ગયાં છે. કઠોળના ભાવોમાં પણ કિલોએ રૂ.૧૦થી ૩૦ સુધીનો વધારો થઈ ગયો છે. ઘઉંના લોટ ૧૦ કિલોમાં ૪૦ રૂપિયાનો વધારો થયો છે. જયારે ખાંડ બ્રાન્ડેડ કંપનીમાં રૂપિયા આઠનો વધારો થયો છે. જુહાપુરામાં ખાંડ અને તેલના ભાવ વધારે લેવાતાં ભારે ઉહાપોહ થયો હતો. જયારે સરદારનગર, પાલડી, નારણપુરા અને કોટ વિસ્તારમાં કરિયાણાની દુકાનવાળા ભાવો વધુ લેતા હોવાની ફરિયાદો પુરવઠા વિભાગને કરવામાં આવી હતી. જો કે, પુરવઠા વિભાગે કોઈ કાર્યવાહી હાથ ધરી નથી.

સામાન્ય દિવસોમાં રૂ.૨૬થી ૨૭ કિલો ઘઉંનો લોટ મળતો હોય છે પરંતુ લોકડાઉને પગલે પશ્યિમ વિસ્તારમાં એક કરિયાણાની દુકાનમાં ઘઉંનો લોટ રૂ.૬૦ કિલો વેચાણ કરવામાં આવ્યો હતો.જે અંગે ગ્રાહકે પોલીસમાં લેખિત ફરિયાદ કરી હતી પછી પુરવઠા વિભાગના અધિકારીઓ કરિયાણાની દુકાન પહોંચીને ઘઉંના લોટનો ભાવ પૂછતા રૂ.૬૦ કહ્યો હતો. પરંતુ પુરવઠા વિભાગના અધિકારીઓ અને પોલીસે કરિયાણાની દુકાનદારને માત્ર ઠપકો આપીને મામલો શાંત પાડી દીધો હતો.

સામાન્ય દિવસોમાં ટામેટાં રૂ.૧૫ કિલો હતા જે વધીને રૂ.૫૫ કિલો થઈ ગયા છે. જયારે બટાકા રૂ.૨૦થી ૨૫ કિલો હતા જે વધીને રૂ.૩૫થી ૪૫ કિલો થઈ ગયા છે. ડુંગળી રૂ.૪૦થી વધીને રૂ.૬૦ કિલો થઈ ગઈ છે. મરચાં રૂ.૯૦ કિલો, ગાજર રૂ. ૭૦ કિલો, કાકડી રૂ.૬૦ કિલો, વટાણા રૂ.૧૦૦ કિલો અને લીલા શાકભાજી સામાન્ય દિવસોમાં રૂ.૪૦ કિલો હતા જે વધીને રૂ.૫૫થી ૯૦ કિલો થઈ ગયા છે. એમાંય ફેરિયા વિસ્તાર પ્રમાણે ભાવો લઈ રહ્યા છે.

(10:39 am IST)