Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

આવતા સપ્‍તાહથી કેસર કેરીનું બજારમાં આગમન

જો કે આ વખતે કેરીનો ભાવ થોડો વધુ હશે

અમદાવાદ તા. ૧ : ગુજરાતવાસીઓ જેની કાગડોળે રાહ જોઇ રહ્યા છે તે જુનાગઢ પંથકની કેસર કેરીનું આવતા સપ્‍તાહથી આગમન થશે તેવું જાણવા મળે છે. કેસર કેરી ગુજરાતી લોકોની મનપસંદ કેરી છે.

ગીરમાં કેસર કેરી પકવતા ખેડૂતોના જણાવ્‍યા પ્રમાણે આ વર્ષે ૧૦ કિલો કેરીનો ભાવ ૧ હજાર રૂપિયા હશે. આટલા ઊંચા ભાવ લોકોના ગજવાને પણ ભારે અસર કરશે.

ખરાબ વાતાવરણ અને લાંબા સમય સુધી ચાલેલા શિયાળાના કારણે આ વર્ષે કેસર કેરી ૧૦ દિવસ મોડી બજારમાં આવશે. ગીરમાં કેરી પકવતા ખેડૂતોના જણાવ્‍યા પ્રમાણે આ વર્ષે પહેલીવાર એવું બનશે કે પાકી કેરી સીઝનમાં દસ દિવસ મોડી બજારમાં આવશે. જાન્‍યુઆરી અને ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે કેરીના પાકને ભારે નુકસાન થયું હતું.

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પાસે આવેલા એક ગામના ખેડૂત જયેશ હિરપરાએ કહ્યું કે, ‘આ વર્ષે બદલાયેલા વાતાવરણના કારણે પાકને અસર થઈ છે. ગયા વર્ષ કરતા આ વર્ષે ૨૦થી ૨૫ ટકા ઓછું ઉત્‍પાદન થયું છે. સામાન્‍ય રીતે ૧૫મી માર્ચે અમે કેરી વેચવાનું શરૂ કરીએ છીએ, પરંતુ આ વર્ષે પાક મોડો થયો હોવાથી આવતા અઠવાડિયાથી અમે વેચવાનું શરૂ કરીશું.' ગીરમાં ૨૦ હજાર હેક્‍ટર જેટલી જમીનમાં કેરીનું વાવેતર કરવામાં આવ્‍યું છે. ગીર સોમનાથ, જુનાગઢ અને અમરેલી મુખ્‍ય જિલ્લાઓ છે જે પૂરી દુનિયામાં પ્રખ્‍યાત એવી કેસર કેરીનું ઉત્‍પાદન કરે છે.

મેન્‍ગો ફેસ્‍ટીવલના બેનર હેઠળ છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતો કેસર કેરીનું ડાયરેક્‍ટ અમદાવાદમાં વેચાણ કરે છે. ફાર્મર્સ પ્રોડ્‍યુસર્સ ઓર્ગેનાઈઝેશનથી (FPO) રજિસ્‍ટર થયેલી ઓર્ગેનાઈઝર ગીર કૃષિ વસંત પ્રોડ્‍યુસર કંપની લિ. આ વર્ષે એક અનોખો વિચાર લઈને આવી છે. તે મે મહિનાના બીજા અઠવાડિયાથી અમદાવાદમાં કેરીનું વેચાણ કરવાનું વિચારી રહી છે, અને તે પણ એક ટ્‍વિસ્‍ટ સાથે.

એફપીઓના ડાયરેક્‍ટર ભગીરથ ડામળીયાએ જણાવ્‍યું કે, ‘અમે આ વર્ષે અનોખી માર્કેટિંગ ટેકનિક્‍સ અંગેનું પ્‍લાનિંગ કરી રહ્યા છે, જેમા કેરી પકવતા ખેડૂતોને ગીરના બ્રાન્‍ડ એમ્‍બેસેડર બનાવવામા આવશે અને તેઓ રેડિયા જોકી સાથે આ અંગે વાતચીત કરશે. ખેડૂતો, તેમના પરિવાર અને ગ્રાહકો સાથેનો ફેસ્‍ટિવલમાં એક વીડિયો બનાવવામાં આવશે જેને અમે યુટ્‍યુબ પર પણ અપલોડ કરીશું. આ ઉપરાંત અમે ફેસબુક લાઈવ પણ કરીશુ જેથી ગ્રાહકોને ખેડૂતો સાથે સોશિયલ મીડિયા દ્વારા જોડી શકાય.'

ગુજરાત એગ્રિબિઝનેસ કન્‍સોર્ટિયમ પ્રોડ્‍યૂસર્સ કંપની લિ. (GUJPRO)માર્કેટિંગ ટેકનિક્‍સ અને ટ્રેઈનિંગ પૂરુ પાડશે. આ કંપની ખેડૂતોને અમદાવાદ શહેર જેવું મોટુ પ્‍લેટફોર્મ પૂરુ પાડે છે. ગયા વર્ષે આ કંપનીએ દિલ્‍હીમાં કેરી વેચવા માટે ખેડૂતોને મદદ કરી હતી.

(10:37 am IST)