Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

આયશા ગર્ભવતી હતી ત્યારે તેણીના પતિ અને સસરાએ માર મારતા પ્રેગ્નન્સી મિસ થયેલી :પાંચ લાખની માંગણી કરી 'તી

પતિ આરિફ ખાનને પકડવા માટે એક સ્પેશ્યલિ ટીમ બનાવો :ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી કાર્યવાહી કરવા આયશાને પિતાની માંગ

અમદાવાદની દિકરીએ પતિના શારીરિક માનસિક ત્રાસના કારણે આપઘાત કર્યો છે. યુવતીએ અમદાવાદ રિવરફ્રન્ટ પર આપઘાત પહેલા એક વીડિયો બનાવી તેના પતિને મોકલી આપ્યો હતો, જેથી તેના પતિએ પોતાના બચાવને લઈ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ વીડિયો અને આઈશાની તેના પિતા સાથેની અંતિમ વાતચીતના આધારે પોલીસે આરોપી આરીફ સામે  દુષ્પેરણાની ફરિયાદ નોંધી તેની ધરપકડ કરવા માટેના ચક્રોગતિમાન હાથ ધર્યા છે.

  અમદાવાદના રીલીફ રોડ ખાતે આજે આઈશાના પરિવારે એક પત્રકાર પરિષદ કરી હતી. આ પત્રકાર પરિષદમાં ઘણા એવા ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં તેના પિતાએ આરીફ અને તેના પરિવાર પર આઈશાને માર મારવાનો આરોપ લગાડ્યો છે. તેના પિતાએ જણાવ્યું છે કે, આઈશા જયારે ગર્ભવતી હતી ત્યારે તેના સસરા અને તેના પતિએ તેને માર મર્યો હતો જેથી તેની પ્રેગનેન્સી મિસ થઈ હતી. ત્યારે તેઓ આઈશાને અમદાવાદ મુકી ગયા હતા. ત્યાર બાદ થોડાક દિવસો બાદ તેઓએ ફોન પર પાંચ લાખ રુપિયાની માંગણી કરી હતી જેથી હમારા પાસે આટલા પૈસા ન હોવાથી દોઢ લાખ રુપિયા આપ્યા હતા

  જો કે, આરીફ અને આઈશાના લગ્નના બે મહિના બાદ આરીફના ફોનમાં અન્ય કોઈ વ્યકિત સાથે સંબધ હોવાની વાત તેને ખબર પડી હતી,જેથી તે તેની સાસુને આ વાતની જાણ કરવા માટે ગઈ હતી. તેની સાસુએ પોતાના દિકરાને સમજાવવાને બદલે આઈશાને જ ધમકાવવા લાગી હતી અને પાછી ઘરે મોકલી દીધી હતી. ઘરે આવ્યા બાદ ફરી એકવાર તેઓએ પૈસાની માંગણી કરી હતી. જો કે, આઈશાના પિતા પાસે પૈસાની સગવડ ન હોવાથી તેઓને પૈસા આપી શક્યા ન હતા.

પત્રકાર પરિષદમાં આયશાના પિતાએ સરકાર પાસે માંગ કરી છે કે, ખાસ સમિતીની રચના કરવામાં આવે જે આ મુદ્દે યોગ્ય રીતે તપાસ થાય. આ ઉપરાંત તેના પતિ આરિફ ખાનને પકડવા માટે એક સ્પેશ્યલિ ટીમ બનાવવામાં આવે. આ મુદ્દે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી કાર્યવાહી કરવામાં આવે. જેથી ઝડપથી ચુકાદો આવી શકે. સરકાર દ્વારા ખાસ કરીને ગૃહ વિભાગ દ્વારા ખાસ કોઇ વ્યવસ્થા કરવામાં આવે જેથી ફરી કોઇ આયેાશાને આવી સ્થિતીનો સામનો કરવો ન પડે.

(10:01 pm IST)