Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

પાલીકા-પંચાયતોમાં સરેરાશ ૬૩.૭૪ ટકા મતદાનઃ કાલે પડદો ઉંચકાશે

મહાનગરો કરતા નગરો-ગામડાઓમાં ઉત્‍સાહ વધુઃ કાલના જનાદેશ પર મીટ

રાજકોટ, તા., ૧:  રાજયની ૮૧ નગર પાલીકાઓ ર૩૧ તાલુકા પંચાયતો અને ૩૧ જીલ્લા પંચાયતોમાં ગઇકાલે શાંતીપુર્ણ રીતે મતદાન સંપન્ન થયું છે. આવતીકાલે મંગળવારે સવારથી મત ગણતરી થશે. ભાજપ-કોંગ્રેસ વગેરે પક્ષો ઉપરાંત અપક્ષો અને અન્‍ય પક્ષોના ભાવી નક્કી થશે.

ચુંટણી પંચે જાહેર કરેલા આંકડાઓ મુજબ નગર પાલીકાઓમાં પ૮.૮ર ટકા જીલ્લા પંચાયતોમાં ૬પ.૮૦ ટકા, તાલુકા પંચાયતોમાં ૬૬.૬૦ ટકા મતદાન થયું છે. ત્રણેય સ્‍તરની સ્‍થાનીક સ્‍વરાજયની સંસ્‍થાઓમાં કુલ ૬૩.૭૪ ટકા સરેરાશ મતદાન થયું છે. આવતીકાલે મત મશીનમાંથી પરીણામ પ્રગટશે.

૨૦૧૫ની ચુંટણીમાં કોંગ્રેસને ૩૧ જીલ્લા પંચાયતો અને ૧૪૬ તાલુકા પંચાયતોમાં બહુમતી મળેલ. આ વખતે સમીકરણોમાં ઘણા ફેરફાર છે. ભાજપને ગયા વખતની સરખામણીએ મબલખ ફાયદો થવાની સંભાવના છે.  આ વખતે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી વગેરે વિપક્ષોએ ખેડુતોના પ્રશ્નો, મોંઘવારી, મંદી, બેકારી વગેરે મુદાઓ ઉઠાવ્‍યા છે. ભાજપે મુખ્‍યત્‍વે વિકાસના નામે મત માંગ્‍યા હતા. ઉપરાંત રામમંદિર, ૩૭૦ કલમ વગેરે મુદ્દે પણ પ્રચાર કર્યા હતા. મતદારોએ કોની વાત માન્‍ય રાખી છે? તે આવતીકાલના પરીણામ પરથી સ્‍પષ્‍ટ થઇ જશે. પરીણામની રાજકીય અસર પડશે.

      સંસ્‍થા      મતદાનના ટકા

નગર પાલીકાઓ      ૫૮.૮૨

જિલ્લા પંચાયતો       ૬૫.૮૦

તાલુકા પંચાયતો        ૬૬.૬૦

  ત્રણેયનું સરેરાશ      ૬૩.૭૪

(11:36 am IST)