Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

દેડીયાપાડા ખાતે IOCL અને અક્ષયપાત્રના સંયુક્ત ઉપક્રમે “સ્ત્રી શક્તિ કીટ” વિતરણ કાર્યક્રમ યોજાયો

નર્મદા જિલ્લામાં વહિવટીતંત્રના સઘન પ્રયાસો સાથે સીએસઆર પ્રવૃત્તિઓ દ્વારા પોષણસ્તરમાં ઉત્તરોત્તર જોવા મળી રહેલ સુધારો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દેડીયાપાડાના ખટામ પ્રાથમિક શાળા ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ. અને અક્ષય પાત્રના સંયુક્ત ઉપક્રમે “સ્ત્રી શક્તિ કીટ” વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં  સગર્ભા અને ધાત્રી માતાઓને ૪૦૯૦ પોષણકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના સિનિયર મેનેજર આર.કે.કરાંડિકરે કાર્યક્રમ સંદર્ભે CSR માં ચાલતી વિવિધ કામગીરી વિશે માહિતી આપીને ઉજ્જવલા યોજના અંતર્ગત IOCL ની કામગીરી અને બહેનોને ગેસ કનેક્શનથી મળેલ લાભો વિશે માહિતી આપી હતી.
અક્ષય પાત્રના વાઈસ પ્રેસિડન્ટ રાયા રામા દાસે પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું કે, અક્ષય પાત્ર સંસ્થા સરકાર સાથે સંકલન સાધીને પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન અને આંગણવાડી કેન્દ્રો ખાતે પૂરક પોષણ યોજના અંતર્ગત બાળકોને ગરમ પોષણ યુકત ભોજન પુરુ પાડે છે. વધુમાં તેઓએ જિલ્લા વહિવટી તંત્રના સંકલનમાં રહીને લાભાર્થીઓને ફાળવેલ કીટ બાદ ખુશી વ્યક્ત કરી જિલ્લા વહિવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
  અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના માર્ગદર્શન અને આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફીસર ક્રિષ્નાબેન પટેલના નેતૃત્વમાં જિલ્લાના પોષણસ્તરને સુધારવા અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં સીએસઆર પ્રવૃત્તિ હેઠળ જિલ્લાના પોષણ ક્ષેત્રને નવીન વેગ મળી રહયો છે. આ પ્રસંગે ક્રિષ્નાબેન પટેલે પણ સગર્ભા અને ધાત્રી અવસ્થામાં જરૂરિયાત મુજબ પોષણની સમજ પુરી પાડી પોષણ કીટમાંથી વિવિધ વાનગી બનાવીને પોષણયુક્ત આહાર લેવા બહેનોમાં સમજ કેળવી હતી.
આ પ્રસંગે આઈ.સી.ડી.એસ.પ્રોગ્રામ ઓફિસર ક્રિષ્નાબેન પટેલ, ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના સિનિયર મેનેજર આર.કે.કરાંડિકર, અક્ષય પાત્રના વાઈસ પ્રેસિડન્ટ રાયા રામા દાસ, દેડીયાપાડા સીડીપીઓ નિલમબેન ગામીત સહિત આઈ.સી.ડી.એસ.ના તમામ સ્ટાફગણ હાજર રહ્યાં હતાં.

(8:16 pm IST)