Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

દેશને સમૃદ્ધિના શિખર સુધી લઈ જવા માટે મહિલાઓનું અમૂલ્ય યોગદાન રહેલું છે - શ્રદ્ધાબેન બારિયા

રાજપીપલાના ડો.બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયું મહિલા સંમેલન: સરકારની મહિલા લક્ષી વિવિધ યોજનાઓ અને તેના કાયદાઓ વિશે મહિલાઓને નિષ્ણાંતો દ્વારા વિસ્તૃતમાં માહિતી પુરી પડાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આજરોજ રાજપીપલાના ડો.બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે મહિલા સંમેલન યોજાયું હતું. જિલ્લા પંચાયતના સભ્ય તથા જિલ્લા મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃત્તિ સમિતિના અધ્યક્ષા શ્રદ્ધાબેન બારિયાની અધ્યક્ષતામાં યોજાયેલા આ સંમેલનમાં મહિલાઓને લગતા વિવિધ કાયદાઓ અને સરકાર દ્વારા ચાલતી મહિલાલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી પુરી પડાઈ હતી.

  પ્રાસંગિક ઉદબોધનમાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષા શ્રદ્ધાબેન બારિયાએ જણાવ્યું કે, ભારત દેશમાં અનાદિકાળથી વેદ-ઉપનિષદોમાં નારીને સન્માન આપી પુરૂષ સમાન દરજ્જો આપવામાં આવ્યો છે. તેના અનેક પુરાવા પણ આપણે જોઈ શકીએ છીએ. ત્યારે આધુનિક યુગમાં નારી પોતાના હક્ક - અધિકારો વિશે જાણી શકે અને સ્વમાનભેર જીવી શકે તેવા શુભ આશય સાથે આ નારી સંમેલન યોજાયું છે.

  મહિલાઓને સશક્ત બનાવવા માટે દરેક સમાજની મહત્વની ભૂમિકા રહેલી છે. મહિલાઓના ઉત્થાન માટે એક સ્વસ્થ પરિવારની જરૂર હોય છે. જે મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે મહત્વનું પરિબળ છે.

 વધુમાં તેઓએ ઉમેર્યું કે, દેશ અને રાજ્યની સરકારો બાળકો અને મહિલાઓના ઉત્થાન માટે અનેક કાર્યો કરી રહી છે. આજની મહિલાઓ સ્વમાનભેર જીવી પોતાની જવાબદારીઓ વહન કરી રહી છે. બેટી બચાવો બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિતની વિવિધ યોજનાઓ એટલે કે બાળકીના જન્મથી લઈને મહિલાના મૃત્યુ સુધીની અનેકવિધ યોજનાઓ અમલમાં છે. કારણ કે મહિલા એક પરિવારને ઘર બનાવે છે, પરિવારથી સમાજ બને છે. સમાજ થકી દેશને સમૃદ્ધિના શિખર સુધી લઈ જવા માટે મહિલાઓનું અમૂલ્ય યોગદાન રહેલું છે. મહિલા પોતાના જીવન દરમિયાન દીકરી, બહેન, પત્ની, માતા, સાસુ, દાદી સહિતની વિવિધ ભૂમિકા ઈમાનદારીથી અદા કરે છે.
 શ્રદ્ધાબેન બારિયાએ વધુમાં જણાવ્યું કે, શિક્ષણની સાથે સાથે પોષણની પણ વાત કરીએ તો, નર્મદા જિલ્લામાં કુપોષણને નાથવા માટે અનેક પ્રયાયો થઈ રહ્યા છે. અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જિલ્લા વહીવટી તંત્ર સાથે જોડાઈને કામગીરી કરી રહી છે. માત્ર વહીવટી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓ જ નહીં પણ સૌ જિલ્લાવાસીઓ આ અભિયાનમાં સહભાગી બની જિલ્લાને કુપોષણ મુક્ત બનાવીવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે તેવી અપીલ પણ તેઓશ્રીએ કરી હતી.
   આ સંમેલનમાં જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષા મમતાબેન તડવી, જિલ્લા પંચાયતના સભ્ય રશ્મિકાબેન, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક જે.કે. જાદવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુધાબેન વસાવા, આઈસીડીએસના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ક્રિષ્નાબેન પટેલ, નાયબ પોલીસ અધિક્ષક એકતાનગરના સુશ્રી વાણી દૂધાત સહિત સરકારના વિવિધ વિભાગો, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ-કર્મચારીઓએ ઉપસ્થિત રહી સરકારની વિવિધ યોજનાઓ અને તેના કાયદાઓ વિશે વિસ્તૃતમાં માહિતી પુરી પાડી હતી. સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓ ઉપસ્થિત રહી હતી.

(8:14 pm IST)