Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

નાંદોદના ગાડીત ગામમા સરકારી અનાજ કુપન વગર અપાતા ગ્રામજનોનો હોબાળો : દુકાનદાર ભાગ્યો

-ગ્રામજનોએ ભેગા થઈ હોબાળો મચાવતા સસ્તા અનાજનો દુકાનદાર દુકાન છોડી ભાગી ગયો: અમને બાકી પડતું 2- 3 મહિનાનું અનાજ સસ્તા અનાજનો દુકાનદાર આપવાની ના પાડે છે: ગ્રામજનોનો આક્ષેપ: ગાડીત ગામે લાયસન્સ ન ધરાવતી વ્યક્તિને સસ્તા અનાજની દુકાન ચલાવવાની મંજુરી આપી કોણે હશે, એ વ્યક્તિ કોણ હશે, આમાં અધિકારીઓની સાંઠગાંઠ હશે કે કેમ??

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ચાલતી સસ્તા અનાજની દુકાનોમાં મોટો ભ્રષ્ટાચાર ચાલતો હોવાની ઘણી બુમો સંભળાય છે.અંતરીયાળ વિસ્તારમાં રાશનકાર્ડની સસ્તા અનાજની સરકારી દુકાન ચલાવતા દુકાનદારો ગ્રાહકોને સરકારે નકકી કરેલા જથ્થા કરતા ઓછું અનાજ અપાતું હોવાની ઘણી ફરીયાદો ઉઠી છે. જિલ્લાના અધિકારીઓ આ મુદ્દે કોઈ પણ જાતની તપાસ કરવામાં રસ દાખવતા નથી .હાલમાં નાંદોદ તાલુકાના ગાડિત ગામે સરકારી અનાજ કુપન વગર અપાતુ હોવા બાબતે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો, દરમિયાન સ્થિતિ પામી ગયેલો દુકાનદાર દુકાન ખુલ્લી મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

નાંદોદ તાલુકાની ગાડિત ગ્રુપ ગ્રામ પંચાયતના માંડણ, નાની ડાભેર, ખુંટાઆંબા, આંબલી અને ગાડીત મળી 5 ગામોનો સમાવેશ થાય છે.એ તમામ 5 ગામના લોકો 2- 3 મહિનાનું સરકારી અનાજ ન મળ્યું હોવાની ફરિયાદ સાથે ગાડીત ગામે ચાલતી સસ્તા અનાજની દુકાને પહોંચ્યા હતાં.ત્યારે દુકાનદાર કુપન વગર અનાજ આપી રહ્યો હોવાથી ગ્રામજનોને હોબાળો મચાવ્યો હતો.

  ગામ લોકોએ આક્ષેપ લગાવ્યો હતો કે ગાડીત ગામે સ્થાનિક યુવાન સસ્તા અનાજની દુકાન ચલાવતો હતો.પરંતુ 2- 3 મહિનાનું અનાજ બાકી હોવાથી એણે અન્ય કોઈ ભળતી વ્યક્તિને દુકાને બેસાડ્યો છે.અમે એને પૂછ્યું કે તમને અહીંયા અનાજ આપવાની મંજૂરી કોણે આપી, તમારી પાસે લાયસન્સ છે, અમારું 2 મહિનાનું અનાજ ક્યારે મળશે.ત્યારે યોગ્ય જવાબ આપવાની જગ્યાએ દુકાનદાર ત્યાંથી ભાગી ગયો હતો.

અહીંયા પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ગાડીત ગામે લાયસન્સ ન ધરાવતી વ્યક્તિને સસ્તા અનાજની દુકાન ચલાવવાની મંજુરી આપી કોણે હશે, એ વ્યક્તિ કોણ હશે, આમાં અધિકારીઓની સાંઠગાંઠ હશે કે કેમ.કુપન વગર જો અનાજ અપાતું હોય તો ગ્રામજનોને નિયત કરેલા જથ્થા કરતા ઓછું અનાજ અપાતું હશે અને 2 મહિનાનું અનાજ પણ ક્યાંક સગેવગે કરી દેવાયુ હશે એવી લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે.હવે આ બાબતે નર્મદા જિલ્લા પુરવઠા વિભાગ તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં ભરે એવી ગ્રામજનોની માંગ છે.

(7:49 pm IST)