Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

વિરમગામના મુનસર તળાવ અને ફુલવાડી વાવમાં નેચરલ સોર્સ તરીકે પોરાભક્ષક માછલીઓ મુકવામાં આવી

એક પોરાભક્ષક માછલી એક દિવસમાં મચ્છરના આશરે 300 ઇંડા અને પોરા ખાઇ જાય છે અને મચ્છરના ઉપદ્રવમાં ઘટાડો કરે છે

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા છેલ્લા પાંચ વર્ષથી મેલેરીયા નિયંત્રણ માટે નેચરલ સોર્સ તરીકે ગપ્પી - ગામ્બુશિયા માછલીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિરમગામના ઐતિહાસીક મુનસર તળાવ અને ફુલવાડી વાવમાં તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા પોરાભક્ષક ગપ્પી – ગામ્બુશિયા માછલીઓ મુકવામાં આવી હતી. પોરાભક્ષક માછલીઓ બારેમાસ પાણી ભરાઇ રહેતા હોય તેવા પાણીના સ્ત્રોતમાં મુકવામાં આવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે ત્રણ વર્ષ પહેલા અલીગઢની વાવમાં આરોગ્ય વિભાગ દ્વારા પોરાભક્ષક માછલીઓ મુકવામાં આવી હતી અને જેમાં માછલીઓનું પ્રમાણ વધતા તેમાંથી આરોગ્ય કર્મચારીઓ દ્વારા માછલીઓ એકત્રીત કરીને વિરમગામના મુનસર તળાવ અને ફુલવાડી વાવમાં પોરાભક્ષક માછલીઓ મુકવામાં આવી હતી. અમદાવાદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેશ પરમાર, ઇન્ચાર્જ જીલ્લા મેલેરીયા અધિકારી ડો.ચિંતન દેસાઇ, વિરમગામના તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામની ટીમ દ્વારા પોરાક્ષક માછલી મુકવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત આસપાસના બારેમાસ પાણી ભરાઇ રહેતો સ્ત્રોતોમાં પણ પોરાભક્ષક માછલીઓ મુકવાની કામગીરી હાથ ધરાઇ છે.
પોરાભક્ષક માછલી કઇ રીતે મેલેરીયા નિયંત્રણ કરે?
અમદાવાદના ઇન્ચાર્જ જીલ્લા મેલેરીયા અધિકારી ડો.ચિંતન દેસાઇએ જણાવ્યુ હતુ કે, ગપ્પી - ગામ્બુશિયા માછલી પોરા ભક્ષક માછલી છે અને તે તળાવોમાં કે જ્યાં મચ્છરોના ઈંડામાથી પોરા તૈયાર થાય છે તે પોરાને ગપ્પી - ગામ્બુશિયા માછલી ખાઈ જાય છે અને તેનાથી મચ્છરોની ઉત્પતિ અટકી જાય છે.માનવીનું લોહી ચુસ્યા પછી જ મચ્છર ઇંડા મૂકે છે. મેલેરિયા માટે ખતરનાક ગણાતો માદા એનોફિલીસ મચ્છર ૧૦૦થી વધુ ઇંડા મુકે છે. તેમાંથી ખુબ ઝડપથી થતાં મચ્છરના ઉપદ્વને નાથવા માટે મોટા તળાવોમાં ગપ્પી - ગામ્બુશિયા માછલી છોડવામાં આવે છે. એક ગપ્પી - ગામ્બુશિયા માછલી એક દિવસમાં મચ્છરના આશરે 300 ઇંડા અને પોરા ખાઇ જાય છે. જેથી મચ્છરોના ઉપદ્રવમાં ઘટાડો કરી શકાય છે

(7:25 pm IST)