Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

અમદાવાદ ખાતેની આઇ.ટી. કંપની ત્રિધ્‍યા ટેકે સ્‍થાપનાના પાંચ વર્ષ પુરા થતા 13 કર્મચારીને કાર ભેટ આપી ખુશ કર્યા

13 કર્મચારીની આંખે પાટા બાંધી સરપ્રાઇઝ આપવા શો રૂમમાં લઇ જઇ કારની ચાવી આપતા કર્મચારીઓ ચોંકી ઉઠયા

અમદાવાદઃ અમદાવાદ ખાતેની આઇ.ટી. કંપની ત્રિધ્‍યા ટેકે કંપનીના સ્‍થાપનાના પાંચ વર્ષ પુરા કર્યા છે. કંપનીએ 13 કર્મચારીઓને ઇનામરૂપે કારની ભેટ આપી ખુશ કર્યા છે.

એક તરફ ગૂગલ સહિત અનેક મોટી-મોટી મલ્ટીનેશનલ કંપનીઓ પોતાના હજારો કર્મચારીઓની છટણી કરી રહી છે. આઈટી ફિલ્ડમાં કામ કરતા ઘણા લોકોને પોતાની નોકરી ગુમાવવાનો ડર છે. આ સમય વચ્ચે શું તમે વિશ્વાસ કરી શકો એક આઈટી કંપનીઓ ઈનામમાં પોતાના કર્મચારીઓને કાર ગિફ્ટ કરે? પરંતુ આ સત્ય છે. અમદાવાદની એક આઈટી કંપનીએ આ કર્યું છે. કંપનીએ પોતાના 13 કર્મચારીઓને નચી કાર આપીને પ્રોત્સાહિત કર્યાં છે.

અમદાવાદથી કામ કરે છે કંપની

અમદાવાદના બોપલ વિસ્તાર સ્થિત આઈટી કંપની ત્રિધ્યા ટેક આ દિવસોમાં ચર્ચામાં છે. હાલમાં કંપનીએ પોતાની સ્થાપનાના પાંચ વર્ષ પૂરા કર્યાં છે. કંપનીએ પોતાની સફળતાની શ્રેય કર્મચારીઓને આપતા 13ને મોંઘી કાર આપી છે. કર્મચારીઓને 23 જાન્યુઆરીએ આ કાર આપવામાં આવી હતી. આ માટે પણ કંપનીએ જોરદાર આયોજન કર્યું હતું. કંપનીએ આ 13 કર્મચારીઓની આંખે પાટા બાંધ્યા અને તેને સરપ્રાઇઝ આપવા માટે કારના શો-રૂમમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ દરેક કર્મચારીઓને કારની ચાવી સોંપવામાં આવી હતી. અચાનક કંપની તરફથી મળેલી સરપ્રાઇઝ જોઈને કર્મચારીઓ પણ ચોંકી ગયા હતા.

આ અંગે વાત કરતા કંપનીના એમડી રમેશ મારાંડે કહ્યુ કે તેમની કંપનીએ છેલ્લા પાંચ વર્ષમાં જે સફળતા મેળવી છે, તે કર્મચારીઓની આકરી મહેનતનું પરિણામ છે. 13 કર્મચારીઓને તેની મહેનત અને પ્રતિબદ્ધતાને સન્માનિત કરવા માટે આ ઈનામ આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, અમે કમાયેલા નાણા કર્મચારીઓની સાથે શેર કરવામાં વિશ્વાસ કરીએ છીએ.

એમડીએ કહ્યું કે આ માત્ર શરૂઆત છે અને ભવિષ્યમાં કર્મચારીઓ માટે આવી પહેલ કરવામાં આવશે. આ પ્રકારની પહેલથી કર્મચારી કંપની માટે વધુ સારૂ કામ કરવા માટે પ્રોત્સાહિત થશે. કંપનીમાં સાત વર્ષથી કામ કરી રહેલા ધ્રુવ પટેલ નામના કર્મચારીએ કહ્યું- સામાન્ય રીતે આઈટી કંપનીઓમાં કર્મચારી વધુ પગાર માટે 1-2 વર્ષમાં નોકરી બદલી નાખે છે, તેથી કંપનીએ એક ઉદાહરણ રજૂ કર્યું છે કે કંપનીમાં ટકીને કામ કરવા અને મહેનતને પ્રોત્સાહિત કરવામાં આવે છે. નોંધનીય છે કે થોડા વર્ષ પહેલા સુરતના હીરા કારોબારી સવજીભાઈ ધોળકિયાએ પોતાના કર્મચારીઓને દિવાળી પર કાર ગિફ્ટ આપી હતી.

(6:12 pm IST)