Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

નર્મદા જિલ્લાના ઝઘડિયા કાંઠાના વિસ્‍તારમાં જોશીમઠ જેવી સમસ્‍યા સર્જાઇઃ પૌરાણિક મંદિરોમાં તિરાડો પડીઃ જીઆઇડીસી પંપ હાઉસને પણ નુકશાન

ભેખડોના ભુસ્‍ખલનને કારણે ઘણા પશુઓના મોત

ભરૂચ: ભરૂચ જિલ્લામાં ઉત્તરાખંડના જોષીમઠ જેવું સંકટ ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં પરિસ્થિતિ સર્જાઈ છે. નર્મદા નદીમાં દક્ષિણ કિનારે ભેખડોના ભૂસ્ખલનથી ભરપાય ના થાય તેવડું નુકસાન સ્થાનિકોને થઈ રહ્યું છે. જિલ્લામાં નર્મદાના દક્ષિણ તટે કેટલાય પૌરાણિક મંદિરોને કિનારો ફાટવાથી અસલામતી સર્જાઈ છે. હાલમાં શ્રી ઉદાસીન કાર્ષણી કુટીયા મંદિરની નીચે 50 ફૂટ તિરાડો પડતા મંદિર તૂટી પડ્યું જેથી કરોડોનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. સરકાર આ નુકસાનનો સર્વે કરી સહાય કરે તેવી માંગ લોકોની છે.

35 વર્ષ પહેલા ઝઘડિયા જીઆઇડીસીને પાણી પહોંચાડવા પંપ હાઉસ બનાવેલ અને પાંચ વર્ષ પહેલા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા 70 ગામોને પીવાનું પાણી 96 હજાર લોકોને આપવા પંપ હાઉસ બનાવેલ છે. પાણી પુરવઠાના પમ્પ હાઉસ અને કુવાના છેલ્લા કોલમ અને કૂવો ઉત્તર દિશા નદી બાજુ ત્રાંસા થઈ ગયા છે. જેથી પંપ હાઉસ પણ 20 ફૂટ પાછળ લેવાયુ છે, ક્યારે તૂટી પડશે તેનું નક્કી નથી. ભેખડ આશરે 100 ફૂટ ધસી ગઈ છે અને હજુ પણ ધસી રહી છે ગામ બાજુ . ઘણી વખત અમારા પશુ ચરતા હોય ત્યારે ભેખડ ધસી જવાથી પશુ પણ નદીમાં જતા રહ્યા છે જેને કારણે અત્યાર સુધીમાં ઘણા પશુનું મોત થયું છે.

શ્રી ગૌતમેશ્વર મહાદેવ મંદિર 300 વર્ષ પૌરાણિક છે. જેનો ઉલ્લેખ નર્મદા પુરાણમાં પણ છે. સો વર્ષ પહેલા મંદિરની બાજુમાં મોટું ફળિયું વસેલું હતું. ધીમે ધીમે કિનારો ધોવાતા લોકોએ મંદિરની પાછળ જતા રહ્યા છે. 35 વર્ષથી સાધુ રામદાસ શિવજીની સેવા અને પૂજા કરે છે. અત્યારે શિવજીના મંદિરની નીચેથી આખી માટી ધોવાઈ ગઈ છે. પરંતુ ગૌતમેશ્વર મહાદેવની કૃપાથી મંદિરને ઉની આંચ નથી આવતી. આ ગૌતમેશ્વર લિંગની સ્થાપના ગૌતમ ઋષિએ કરી હતી અને તેની સામે તેમના ધર્મપત્ની અહલ્યાબાઈ એ અહેલેશ્વર લિંગની સ્થાપના કરી હતી. મંદિર જેટલો જ ભાગ ધોવાણથી બચેલો છે બાકીનો ફરતે નદીમાં ઘસી ગયો છે.

19 વર્ષ પહેલા ઓમકારેશ્વર આવેલા ત્યાંથી પરિક્રમા પૂર્ણ કરી કૃષ્ણપરી નર્મદા દક્ષિણ કિનારે આવેલ ત્યારે અહીં આવી નાની કુટીયા બનાવી ત્યારે નર્મદા મૈયાનો કિનારો ઘણો મોટી કોરલ બાજુ હતો ત્યારબાદ 14 વર્ષ ક્ષેત્ર સન્યાસ લીધો હતો પછી ધીમે ધીમે કિનારા પર તિરાડો પડી નદીનો પટ મોટો થઈ ગયો છે. અહીં લાખો રૂપિયાના ખર્ચે નર્મદામાતા, હનુમાનજી, નવગ્રહ, ગણેશજી મંદિર બનાવેલ અને શિવજીનું મંદિર બનાવી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની બાકી હતી.

અહીં નર્મદા પરિક્રમાવાસીઓ માટે આશ્રમ, ભોજનશાળા તેમજ વિશ્રામસ્થાન બનાવ્યું હતું. પરંતુ હાલ એક મહિના પહેલા ધડાકા સાથે મોટી તિરાડો પડી આશરે 50 ફૂટ જેટલો ભાગ 60 ફૂટ નીચે નદીમાં તૂટી પડ્યો હતો. કોઈ સહાય મળી નથી આ દક્ષિણ તટ ઉપર સંરક્ષણ દીવાલ ખૂબ આવશ્યક છે.

(6:08 pm IST)