Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

સાસરિયાંના લોકો ત્રાસ ગુજારતા મહેણાં, ટોણાં પણ મારતાં સોલા પોલીસ સ્ટેશનમાં દેહેજની ફરિયાદ નોંધાઈ

સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

અમદાવાદ, તા.૩૧ ;'તારા પિતાએ દહેજમાં પૈસા કે મકાન આપ્યાં નથી તેમ કહી ગોતા વિસ્તારમાં ડોક્ટર યુવતીને મૂઢ માર મારીને તરછોડી દેતાં મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. સાસુ, સસરા પણ ડોક્ટર યુવતીને માનસિક ત્રાસ આપતાં હતાં.

ગોતામાં રહેતી મિતા (નામ બદલ્યું છે)એ પતિ તેમજ સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મિતા એસજીવીપી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. મિતાએ વર્ષ ૨૦૧૮માં લલિત પટેલ સાથે સમાજના રીત રિવાજ મુજબ લગ્ન કર્યાં છે. મિતાને બે મહિના સુધી સાસરિયાંએ સારી રીતે રાખી હતી. ત્યારબાદ મિતા પતિ સાથે ગોતા ખાતે રહેવા આવી ગઈ હતી.

મિતાનાં સાસુ, સસરા ગોતા આવતાં જતાં હતાં. જોકે મિતાને હાલમાં કોઈ સંતાન નથી. સાસુ, સસરા મિતાને કહેતાં હતાં કે તારા પિતાએ દહેજમાં કાંઈ પૈસા કે ઘર વખરીનો સામાન આપ્યો નથી. આ વાતને લઈને અવારનવાર મિતાને ત્રાસ આપી મહેણાં, ટોણાં મારતાં હતાં. પતિ પણ મિતાને દહેજ બાબતે મારતો હતો. મિતા સમાજની બીકે અને લગ્નજીવન ટકાવી રાખવા માટે બધું મૂંગા મોઢે સહન કરી લેતી હતી.જ્યારે સાસુ, સસરા ગોતા આવતાં હતાં ત્યારે મિતાને માનસિક ત્રાસ આપતાં હતાં. એક દિવસ પતિએ મિતાને તરછોડી દેતાં મિતા ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ મિતાએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(9:38 pm IST)