Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

ખેડૂતો પર દમન કરનાર પોલીસ કર્મીઓની સામે FIRનો હુકમ

ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ આદેશ : ભાવનગરના સ્થાનિક ખેડૂતોને હાઇકોર્ટમાંથી મોટી રાહત આંદોલન દરમિયાન પોલીસ ટુકડીએ અત્યાચાર ગુજાર્યો

અમદાવાદ, તા.૧ : ભાવનગરમાં અલ્ટ્રાટેક સિમેન્ટના જમીન સંપાદનના વિરોધમાં ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા આંદોલન દરમ્યાન પોલીસ દ્વારા ગુજારાયેલા અમાનવીય અત્યાચારના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આજે એક મહત્વપૂર્ણ આદેશ મારફતે આ સમગ્ર પ્રકરણમાં પોલીસ દમન ગુજારનાર જે કોઇ જવાબદાર પોલીસ કર્મચારીઓ કે અધિકારીઓ હોય તેમની વિરૂધ્ધ એફઆઇઆર નોંધવા હુકમ કર્યોછે.

ભાવનગરના તળાજા-મહુવા સહિતના ૧૨થી વધુ ગામોના ખેડૂતોએ અલ્ટ્રાટેક સિમેન્ટ તરફથી જમીન સંપાદન અને માઇનીંગ પ્લાન્ટને લઇ થઇ રહેલી કામગીરીને લઇ હજારો ખેડૂતોએ ઉગ્ર વિરોધ આંદોલન શરૂ કર્યું હતું. થોડા દિવસો પહેલાં જ ખેડૂતોના આંદોલન કાર્યક્રમ દરમ્યાન સ્થાનિક પોલીસ દ્વારા ખેડૂતો પર ખાસ કરીને મહિલાઓ અને બાળકો-યુવાઓ પર પણ લાઠીઓ વીંઝી તેઓને અમાનવીય અત્યાચારનો ભોગ બનાવ્યા હતા. આ કેસમાં પોલીસ દ્વારા ખેડૂતો વિરૂધ્ધ ઉલ્ટાની ફરિયાદ નોંધવામાં આવી હતી, જયારે ખેડૂતોએ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સામે આપેલી ફરિયાદ નોંધી ન હતી., જેને પગલે નારાજ ખેડૂતો તરફથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ મહત્વની રિટ અરજી દાખલ કરવામાં આવી હતી. ખેડૂતો તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, પ્રસ્તુત કેસમાં પોતાની જમીન બચાવવા અને જીવનના અસ્તિત્વ સામે ઝઝુમી રહેલા ખેડૂતોને ઉલ્ટાનું પોલીસે અમાનવીય અત્યાચાર અને જુલમનો ભોગ બનાવ્યા છે તેમછતાં ખેડૂતો વિરૂધ્ધ ખોટી રીતે ફરિયાદ નોંધી તેઓને ખોટી તાનાશાહીનો ભોગ બનાવાઇ રહ્યા છે, જયારે ખેડૂતોએ જુલમ કરનારી પોલીસ વિરૂધ્ધ આપેલી ફરિયાદ પોલીસ દ્વારા નોંધવામાં જ આવી ન હતી અને આમ કરી સમગ્ર પ્રકરણમાં અત્યાચાર ગુજરનારી અને દમનકારી પોલીસને ખુદ સત્તાવાળાઓની રહેમનજર હેઠળ છાવરવામાં આવી રહી છે. આ સંજોગોમાં ખેડૂતોને ન્યાય માટે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડી છે.

(10:08 pm IST)